નવી દિલ્હી: (New Delhi) સામાન્ય પ્રજાને આવતા મહિને એટલે કે જાન્યુઆરી 1, 2022થી મોંઘવારીનો (Inflation) મોટો ફટકો પડશે. જ્યાં કપડાં (Clothes) અને પગરખાં (Shoes) અને ચપ્પલ ખરીદવાથી લઈને ખાવાનું ઓનલાઈન (Online Food) ઓર્ડર કરવું ઘણું મોંઘું થઈ જશે. વાસ્તવમાં 1 જાન્યુઆરીથી, રેડીમેડ ગારમેન્ટ્સ (Readymade Garments) પર GST દર 5 ટકાથી વધીને 12 ટકા થઈ જશે. તેનાથી રેડીમેડ કપડાના ભાવમાં વધારો થશે.
જીએસટી કાઉન્સિલ દ્વારા કાપડઉદ્યોગ પર એકસમાન જીએસટીના દર લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો સુરતના કાપડના વેપારી, વીવર્સ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લાં કેટલાંય દિવસોથી સુરતના કાપડના વેપારી અને વીવર્સ વિવિધ ઔદ્યોગિક સંગઠનના નેજા હેઠળ કેન્દ્ર સરકાર, નાણામંત્રી અને જીએસટી કાઉન્સિલને રજૂઆત કરી રહ્યાં છે, પરંતુ તેમની રજૂઆત કોઈ સાંભળી રહ્યું નથી.
કાપડના વેપારીઓનું કહેવું છે કે જીએસટીમાં વધારાને કારણે છૂટક વેપારને માઠી અસર થશે. સુરતમાં બનતા સાડી-ડ્રેસની કિંમતમાં 80થી 100 રૂપિયા સુધીનો વધારો થશે તેવો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રેડીમેડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ જીએસટીમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે. જો કે સરકાર પોતાના નિર્ણયથી પીછેહઠ કરવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં ગ્રાહકોને (Customers) નવા વર્ષથી તૈયાર વસ્ત્રો ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કપડા અને શૂઝ જેવા તૈયાર સામાન પર ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST (Good and service tax) 5 ટકાથી વધારીને 12 ટકા કરી દીધો છે.
1 જાન્યુઆરીથી એપથી ફૂડ ઓર્ડર કરવા પર ટેક્સ લાગશે
જો તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો, તો તમારે આવતા મહિનાથી વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. કારણ કે નવા વર્ષમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો અને સ્વિગી પરથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા પર પણ ટેક્સ ચૂકવવો પડશે. જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2022થી ફૂડ ડિલિવરી એપ પર 5 ટકા GST લાગુ થશે. જો કે, આની વપરાશકર્તાઓ પર કોઈ અસર થશે નહીં કારણ કે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકાર આ ટેક્સ ગ્રાહકો પાસેથી નહીં, પરંતુ એપ કંપનીઓ પાસેથી વસૂલ કરશે. પરંતુ એપ કંપનીઓ તેમના ટેક્સની ભરપાઈ ગ્રાહકો પાસેથી જ કરશે. આવી સ્થિતિમાં 1 જાન્યુઆરી 2022થી એપ દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું ગ્રાહકો માટે મોંઘુ પડી શકે છે.