Business

‘શિવલિંગ’ ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્યો….

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર…. શ્રાવણ માસ દરમ્યાન શિવજીની પૂજા-દર્શન માટે સોમવારનો દિવસ આપણે ઉત્તમ માનીએ છીએ. શિવમંદિરોમાં આપણે સૌ જઇએ છીએ પૂજા-દર્શન કરીએ છીએ ત્યારે શિવપ્રતિમાના બદલે શિવલિંગની પૂજા કે દર્શન કરીએ છીએ. ગણેશ મંદિરમાં ગણેશજીની પ્રતિમા હોય છે. રામ, ક્રિષ્ન કે માતાજીના મંદિરમાં આપણે કાયમ પ્રતિમાના દર્શન કે પૂજા કરતા હોય છીએ તો શિવમંદિરમાં શિવલિંગની પૂજા શા માટે? સામાન્ય રીતે ઘણી વખત આપણે સૌને આ પ્રશ્ન થયો જ હશે પણ આપણી એ પરંપરા છે એ વિશે પ્રશ્ન પુછીને આપણે ધર્મનું અપમાન ના કરાય…. કદાચ એવું માનીને પણ આપણે આપણા મનમાં ઉઠતા સવાલોનું સમાધાન નથી કરી શકતા. પંડિતો, જ્ઞાનીઓ કે આપણા વડિલોએ વેદ-પુરાણોનો અભ્યાસ કર્યો હોય કે કથાઓ સાંભળી હોય તો ઘણી બધી ખબર હોય શકે. પણ આ સવાલનો જવાબ કે શિવલિંગના ગુઢ રહસ્યો ને પામવું ખૂબ અઘરું છે. વિદ્વાનોએ, પંડિતોએ આપણા ઋષિ-મુનિઓએ આ રહસ્યોને અનેક ધર્મસાહિત્યો દ્વારા પ્રગટ કર્યા છે. આ સંદર્ભે વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે પણ અહીં માત્ર આ લેખ દ્વારા સંક્ષિપ્તમાં ‘શિવલિંગ’ને સમજવાનો પ્રયાસ છે.

શિવલિંગ પૂજા માટે ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક તથ્યો અને સત્યો મળે છે. આપણી ધાર્મિક પરંપરાઓને વારંવાર સત્યના એરણ પર ચઢવી પડી છે. ધર્મ અને વિજ્ઞાનને હંમેશા પરસ્પર વિરોધી મનાય છે. પણ વિદ્વાનોના સટીક વિશ્લેષણથી નિકળતા નિષ્કર્ષથી બંને વચ્ચે ઘણી સમાનતા મળી રહી છે. અને આપણી વૈદિક, ધાર્મિક પરંપરાઓની ફલશ્રુતિ વિજ્ઞાન સ્વિકારતું થયું છે. એક ધાર્મિક માન્યતા મુજબ અને વિષ્ણુપુરાણ આધારિત કથામાં એવું જણાવાયું છે કે સમુદ્રમંથન દ્વારા વિષ (ઝેર)ની પ્રાપ્તિ થઇ હતી જે વિશ્વને સમાપ્ત કરવા પર્યાપ્ત હતું. તેથી વિશ્વના કલ્યાણાર્થે શિવજી વિષને પી ગયા.

વિષની તિવ્રતા એટલી હતી શિવજીના શરીરમાં જલન થવા લાગી. આથી દેવતાઓ ભગવાન શિવજીને દૂધનું ગ્રહણ કરવા કહ્યું જેનાથી શિવજીની રાહત થઇ ઉપરાંત તેમના પણ જળ પ્રવાહિત કરાયું જેનાથી વધુ રાહત થતા શિવજી પ્રસન્ન થયાં. એક પ્રતિકાત્મક સ્વરૂપ શિવજીની જટામાંથી ગંગા પ્રવાહિત થાય છે. શીતપ્રકૃતિના ચંદ્ર પણ જટામાં શોભાયમાન છે. શિવજીને પ્રસન્ન કરવા શિવના પ્રતિક શિવલિંગ પર ભકતો દૂધ અને જલાભિષેક કરે છે. જાસુદ, ધતૂરો, બિલ્વપત્ર પણ ગરમી શોષીને ઠંડક આપતી વનસ્પતિ છે. એટલે પૂજામાં શિવલિંગ પર અભિષેક કરવામાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. શિવલિંગની પૂજા દરમ્યાન શિવજીની પ્રસન્નતા સાથે અન્યો દેવોના આશિર્વાદ મળે છે.

ગોપાલા તાપાણી ઉપનિષદના ૪૧ માં શ્લોકમાં જણાવ્યું છે કે બાર આદિત્ય, અગિયાર રુદ્ર, આઠ વસુ, સપ્ત ઋષિ, બ્રહ્મા, નારદ, પાંચ વિનાયક, વીરેશ્વર, રુદ્રેશ્વર, અંબિકેશ્વર, ગણેશ્વર, નિલકંઠેશ્વર, વિશ્વેશ્વર, ગોપાલેશ્વર, ભદ્રેશ્વર અને અન્ય ૨૪ શકિતઓનો શિવલિંગમાં વાસ છે. તેથી શિવપૂજાથી આ અન્ય શકિતઓના આશિર્વાદ ઉપરાંત ત્યાગ, તપસ્યા અને તીર્થયાત્રાથી મળતા પૂણ્ય કરતાં હજારગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શિવ સંપ્રદાયના કારણા – આગમ ગ્રંથના છઠ્ઠા શ્લોકમાં વિશેષમાં જણાવ્યું છે કે તમે શિવમંદિરથી દૂર છો તો અસ્થાયી પાર્થિવ શિવલિંગ બનાવી શકો છે જેમ કે રેતી, ચોખા, રાંધેલુ ભોજન, નદીની માટી, માખણ, ગાયનું ગોબર, રુદ્રાક્ષના બી, ભસ્મ, ચંદન, દર્ભ અથવા ફૂલોની માળામાંથી અસ્થાયી શિવલિંગ બનાવી પૂજન કર્યા બાદ વિસર્જીત કરી શકાય છે.

ભગવાન શિવની ત્રણ પરિપૂર્ણતા દર્શાવાઇ છે. પરાશિવ, પરાશકિત અને પરમેશ્વર, જેમા શિવલિંગનો ઉપરનો ગોળાકાર ભાગ પરાશિવનું પ્રતિનિધિત્વ કરે છે જયારે નીચેનો ભાગ પીઠમ એ પરાશકિતનું પ્રતિનિધિત્વ દર્શાવે છે. આ બંને ભાગનો સમન્વય એટલે પરમેશ્વર શિવ. પરાશકિતની પરિપૂર્ણતામાં ભગવાન શિવ સર્વવ્યાપી, શુદ્ધ ચેતના, શકિતના રૂપે મોજૂદ છે. પણ પરા શિવની પરિપૂર્ણતામાં પરાશિકત નિરાકાર છે. શિવલિંગનો મહિમા લિંગપુરાણ, શિવ પુરાણ. અથર્વવેદ અને ઉપનિષદોમાં વિગતવાર વર્ણવાઇ છે. વૈજ્ઞાનિકો અને સંશોધકો શિવલિંગ પૂજાના અધિકાધિક મહત્વને સમજવા સંશોધન સતત કરતા રહ્યાં છે. એટોમિક રિસર્ચ સેન્ટર (મુંબઇ)ની રચના જુઓ વિશાળ શિવલિંગ આકારનો આભાસ થશે.

બંનેની સમાનતા ઘણી મળે છે. બંને ઉર્ઝાના સ્ત્રોત છે. શિવમંદિરો વધુને વધુ નદી, તળાવ, સરોવર કે સમુદ્ર તટે જોવા મળે છે જયારે વિશ્વભરના ન્યૂકિલઅર પ્લાન્ટો સમુદ્ર તટે જ સ્થપાયેલા છે. એટલા માટે ન્યૂકિલયર રિએકટરને સંયમિત રાખવા પાણીનો ઉપયોગ જરૂરી છે. આ ન્યુકિલયર પ્લાન્ટમાં ઉપયોગ થયેલ પાણી કોઇપણ ઉપયોગમાં નથી લેવાતું. એજ રીતે શિવલિંગ પર જલાભિષેક થયેલ પાણી કયારેય આચમન તરીકે નથી લેવાતું. ન્યુકિલયર રિએકટર શિવે ગટગટાવેલ ઝેર જેટલું તીવ્ર વિનાશક હોય છે. અને એટલે જ ન્યુકિલઅર પ્લાન્ટને ઠંડુ રાખવા પાણીનો ઉપયોગ થાય છે તેમ વિષની અગનને શાંત રાખવા શિવલિંગ પર જલાભિષેક થાય છે. વૈજ્ઞાનિકોના એક સંશોધને સૌને આશ્ચર્યચકિત કરી દીધેલા છે. રેડિયો એકટીવીટી મેચ દ્વારા ન્યુકિલઅર પ્લાન્ટની આજુબાજુ રેડિએશન જેટલા લેવલે જોવા મળ્યા તેટલાં જ લેવલના રેડિએશન બધાં જ જયોર્તિલિંગના વિસ્તારમાં જોવા મળ્યા હતા. એ જ દર્શાવે છે જયોર્તિલિંગ કેટલા પ્રભાવી અને તેજસ્વી ઉર્જાવાન છે.

આપણા પૂર્વજો પાસે આજનું અત્યાધુનિક વિજ્ઞાન નહોતુ છતાં હજારો વર્ષ પૂર્વે કેટલાંક મંદિરોનું સ્થાપત્ય અકલ્પનિય હતું. કેદારનાથથી રામેશ્વર વચ્ચેનું અંતર ૨૩૮૩ કિ.મી. છે. પણ ઉત્તરાખંડના કેદારનાથ, તેલંગણાના કાલેશ્વરમ, આંધ્રપ્રદેશના કાલહસ્તી, તામિલનાડુના અકંબરેશ્વર, ચિદંબરમ અને નીચે રામેશ્વરમના શિવમંદિરો એક સીધી રેખામાં બનેલા છે. અને આ બધા જ મંદિરો પાંચ હજાર વર્ષ પૂર્વે બનેલા છે. આ પાંચેય મંદિરમાં પ્રકૃતિના પાંચ તત્વો જેને આપણે પંચ – મહાભૂત કહીએ છીએ તે પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને અંતરીક્ષ (બ્રહ્માંડ) તેને પ્રસ્થાપિત કરાયા છે. અવકાશી ઉપગ્રહ કે વૈજ્ઞાનિક ટેકનોલોજી વગર પ્રાકૃતિક ભાવથી જોડાયેલા આ શિવમંદિરો એક સીધી લાઇનમાં કેવી રીતે પ્રસ્થાપિત થયા હે એ આજે પણ રહસ્ય છે. ૧૦૦ વર્ષ પહેલા હજુ માંડ શોધાયેલી કર્કરેખામાં આવતુ ઉજજૈનનું મહાકાલેશ્વર શિવમંદિર પૃથ્વીનું કેન્દ્ર બિન્દુ તરીકે પ્રસ્થાપિત છે. વૈજ્ઞાનિકો આજે પણ અંતરિક્ષની, સૂર્ય અને પૃથ્વીની વિશેષ જાણકારી અને સંશોધનાર્થે અહીં આવતા રહે છે.

ખૂબ જ રોચક બાબત એક એવી છે કે પૃથ્વીના કેન્દ્રબિન્દુ સમાન કર્ક રેખા પર આવેલ મહાકાલેશ્વર મંદિરથી અન્ય જયોર્તિલિંગોનું અંતર વિસ્મયકારક છે. ઉજજૈનથી સોમનાથ ૭૭૭ કિ.મી., ઓમકારેશ્વરનું અંતર ૧૧૧ કિ.મી., ભીમાશંકર ૬૬૬ કિ.મી., ઉજજૈનથી જ કાશી વિશ્વનાથ ૯૯૯ કિ.મી., મલ્લિકાર્જુન પણ ૯૯૯ કિ.મી., કેદારેશ્વર ૮૮૮ કિ.મી., ત્રયંબકેશ્વર ૫૫૫ કિ.મી., બૈજનાથ ૯૯૯ કિ.મી., રામેશ્વરમ ૧૯૯૯ કિ.મી. અને ધૃશ્ણેશ્વર ૫૫૫ કિ.મી. આ બધુ યોગાનુયોગ તો ના જ સમજી શકાય પણ હિન્દુ ધર્મના મંદિરો, પરંપરાઓ વિના કારણે નથી હોતુ તેમાં સશકત તથ્યો અને સત્યો સમાયેલા હોય છે.

Most Popular

To Top