પહાડી વિસ્તારમાં એક છોકરો તેના પિતા સાથે રહેતો હતો.તેમની પાસે થોડાં ઘેટાં હતાં. તેમનું પાલન કરી ઉન વેચી તેઓ માંડ બે ટકનું ખાવાનું પામતા.રોજ છોકરો વહેલી સવારે ઘેંટા ચરાવવા જતો,પિતા ઘરનું કામ અને બીજા કામ કરતા.પહાડ પરના તેના જુના નાના ઘરની તૂટેલી બારીમાંથી રોજ સવાર અને સાંજ થોડે દૂર ચમકતા સોનેરી ઝાડ છોકરાને દેખાતા…અને તેમની સોનેરી ચમક જોઇને રોજ છોકરાને ત્યાં જવાનું મન થતું. એક દિવસ તેના પિતાએ કહ્યું, ‘કાલે વહેલી સવારે ઘેંટા ચરાવવા હું જઈશ તું ઘરે રહેજે.બસ છોકરાને તક મળી ગઈ.
તેણે નક્કી કર્યું કે પિતા ઘેંટા ચરાવવા જશે એટલે પોતે પેલા થોડે દૂર આવેલા સોનેરી ચમકતા ઝાડ પાસે રમવા જશે.જેવા તેના પિતા ઘેંટા લઈને નીકળ્યા છોકરો પણ થોડે દૂર દેખાતા ચમકતા ઝાડની દિશામાં ચાલવા લાગ્યો.ઘણું ચાલ્યો પણ તે ઝાડ આવ્યા નહિ.પહાડ પરના ઘરથી છોકરાને જે ઝાડ થોડે દૂર લાગતા હતા તે વાસ્તવમાં ઘણાં દૂર હતાં.છોકરો ઘણું ચાલ્યો, સવારની બપોર પડી ગઈ…ઘણા પહાડ અને ખેતરો પસાર કરી તે ઝાડ સુધી પહોંચ્યો.બધા ઝાડ કોઈ સોનેરી ચમકતા ન હતા.બધા બીજા ઝાડ જેવા જ લીલા રંગના પાન અને કથ્થાઈ રંગનું થડ ધરાવતાં હતાં.
છોકરાએ આજુબાજુ બહુ શોધ્યું પણ કોઈ સોનેરી ઝાડ ન દેખાયું.તે ઝાડ પર ચઢીને જોવા લાગ્યો કે ઉપર કોઈ સોનેરી પાંદડા છે કે શું? પણ ઝાડની ટોચ પર પણ લીલાં જ પાન હતાં.તેની નજર દૂર પહાડ પર દેખાતા પોતાના ઘર પર પડી.તેણે જોયું કે તેનું જૂનું ખખડધજ ઘર આથમતા સુરજનાં કિરણોમાં ચમકી રહ્યું હતું.દરેક વસ્તુની ચમકનું કારણ સૂરજનો પ્રકાશ હતો. સુરજનાં કિરણોનો પ્રકાશ જેની પર પડતો હતો તે વસ્તુ દૂરથી ચમકતી સોનેરી રંગની દેખાતી હતી.એવી જ રીતે જીવનમાં શ્રધ્ધા ….સકારાત્મકતા ….સદભાવના જેવા સુરજ ઉગાડીએ તો તે સૂરજનો પ્રકાશ જેની પર પડે બધી વસ્તુ સોનેરી ચમકશે.પરમ તત્ત્વના આશીર્વાદ સહુના જીવનને સોનેરી બનાવે છે.સ્કારાત્મકતાનો સુરજ જીવનમાં નકારાત્મકતાના અંધકારને દૂર રાખી ઉત્સાહની સોનેરી ચમક આપે છે.અને સદભાવનાનો સુરજ અંતરમાં ઊગે તો આજુબાજુ રહેલા દરેકના જીવને સુખમય સોનેરી આભા આપે છે.