આણંદ તા.10
વડતાલ લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે 14મી ફેબ્રુઆરીને વસંત પંચમીના શુભદિને 198મી શિક્ષાપત્રી જયંતિની ઉજવણી ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાશે. આ પ્રસંગે 14મીના રોજ શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વસંત પંચમી મહોત્સવ અંતર્ગત 10મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી પંચ દિનાત્મક શિક્ષાપત્રી ભાષ્ય પંચાન્હ પારાયણ યોજાશે.
આ અંગે વડતાલ મંદિરના કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે સર્વ જીવોના હિતાર્થે વડતાલ મંદિરના પટાંગણમાં આવેલા હરિમંડપ ખાતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. જેમાં આચાર્ય, સંતો, બ્રહ્મચારી, ભક્તો આચાર્યના પત્ની અને સધવા-વિધવા મહિલાઓને પાળવાના નિયમો બતાવ્યા છે. વસંત પંચમીના શુભદિને શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 10મીથી 14મી ફેબ્રુઆરી સુધી શિક્ષાપત્રી ભાષ્ય પંચાન્હ પારાયણ યોજાશે. જેના વક્તા પદે નીલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર) તથા શાસ્ત્રી વિવેકસાગર દાસજી (કલાકુંજ) નાઓ કથામૃતનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે 8.30થી 11 તથા સાંજે 3થી 6 રાખવામાં આવ્યું છે. આ સમગ્ર મહોત્સવના યજમાન રામજીભાઇ વિશ્રામભાઇ ગોરસીયા અને ગોરસીયા પરિવારે કથા દર્શનનો લાભ લેવા જિલ્લાના ધાર્મિક પ્રજાજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષમાં ફક્ત વસંતપંચમીના દિવસે જ મહિલાઓને હરિમંડપમાં દર્શન તથા શિક્ષાપત્રી પઠનનો લાભ આખો દિવસ મળી રહે છે.
વડતાલ મંદિરમાં 14મીએ શિક્ષાપત્રી જયંતિની ભવ્ય ઉજવણી કરાશે
By
Posted on