આણંદ: અક્ષરધામ તુલ્ય વડતાલધામમાં ગુરૂવારના રોજ વસંતોત્સવ સાથે 197મી શિક્ષાપત્રી જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે હરિ મંડપના પાછળના ભાગે યોજાયેલા શિક્ષાપત્રી યજ્ઞનો પૂ.લાલજી મહારાજ તથા કોઠારી ર્ડા. સંત સ્વામીએ પ્રારંભ કરાવ્યો હતો. વડતાલ મંદિરના પટાંગણમાં પૂ.લાલજી મહારાજ તથા કોઠારી ડૉ. સંત સ્વામીએ ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઋતુરાજ વસંત અર્થાત વસંત પંચમીનો મોટો મહિમા રહ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવત 1882ના મહાસુદી પંચમી (વસંત પંચમી)ના દિવસે સ્વહસ્તે પોતાની વાણીરૂપ શિક્ષાપત્રી વડતાલ હરિમંડપમાં સર્વજીવ હિતાવહ સર્વજીવોના કલ્યાણ અર્થે રચના કરી હતી. શિક્ષાપત્રી સંપ્રદાયની આચાર સંહિતા છે. જેમાં શ્રીહરિએ સર્વે સત્સંગી, આચાર્યના અને આચાર્ય પત્નીના વિશેષ ધર્મ, ગૃહસ્થ, રાજા, સધવા સ્ત્રી, વિધવા સ્ત્રી, બ્રહ્મચારીના, સાધુના વિશેષ ધર્મ કહ્યા છે. શિક્ષાપત્રી એ શ્રીહરિનું વાંગ્મય સ્વરૂપ છે.
પ્રજાસત્તક દિને સવારે મંદિરના પટાંગણમાં પૂ.લાલજી મહારાજ તથા મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ ધ્વજ વંદન કર્યું હતું. આ પ્રસંગે સંતો-પાર્ષદો, સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે પોતાના આશ્રિતો માટે હરિમંડપમાં લખેલ શિક્ષાપત્રીની, ઠાકોરજીની વાજતે ગાજતે પાલખીયાત્રા નીકળી હતી.
જે મંદિરની પ્રદક્ષિણા કરી સભામંડપમાં લાવવામાં આવી હતી. જ્યાં સંતો તથા અ.નિ.દિલીપભાઈ રામભાઈ પટેલ હસ્તે અમીતભાઈ દિલીપભાઈ પટેલ, મહેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, હંસરાજ મહેન્દ્રભાઈ પટેલે પૂજન અને આરતી ઉતારવામાં આવી હતી. શાસ્ત્રી રઘુનંદનદાસજીની શિક્ષાપત્રી કથા યોજાઈ હતી. આ પ્રસંગે સભામંડપમાં ઉપસ્થિત સત્સંગીઓએ શિક્ષાપત્રી વાંચનનો લાભ લીધો હતો. જેમાં શિક્ષણવિદ્ બળવંતભાઈ જાની તથા બોરસદ શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. લાલજી મહારાજ, ર્ડા.સંતસ્વામી, નૌતમ સ્વામીજી અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું.
નીજ મંદિરમાં પૂ.લાલજી મહારાજે વસંત અને શિક્ષાપત્રીનું પૂજન કર્યું હતું. હરિમંડપના પાછળના ભાગે નિવૃત હાઈકોર્ટ જજ અશોકભાઈ દવેના યજમાનપદે શિક્ષાપત્રી યજ્ઞ યોજાયો હતો. આ ઉપરાંત સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની 251મી જન્મજયંતિ તથા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની 257મી જન્મજયંતિ હોય દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી વિગેરે અગ્રણી સંતો ધ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.