શાર્ક એ સૌથી ખૂંખાર સમુદ્રી શિકારી જીવોમાંનું એક ગણાય છે અને મગર તો પાણીમાં તેમની શિકારી ચપળતા માટે જાણીતા છે જ, ત્યારે ઓસ્ટ્રેલિયાના નોર્ધન ક્વિન્સલેન્ડમાં હાલમાં બનેલા એક બનાવે આ બાબતમાં મગરની ઉચ્ચતર કાબેલિયત સાબિત કરી બતાવી હતી, જ્યારે આ મગર શાર્ક માછલીને ખાઇ જવામાં સફળ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં હાલમાં આવેલા પૂરે આ બંને ખૂ઼ંખાર જળચર શિકારીઓને સામસામે લાવી દીધા હતા. નાઇલ ક્રોકોડાઇલ તરીકે ઓળખાતો મગર અને એક સફેદ બુલ શાર્ક પાણીમાં ઘસડાઇને સામસામે આવી ગયા હતા.
તે જ સમયે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠે ફરવા ગયેલ રિસર્ચ સાયન્ટિસ્ટ અને ફોટોગ્રાફર માર્ક ઝૈમ્બિકીએ આ ઘટના નજરે જોઇ હતી અને પોતાના કેમેરામાં આબાદ ઝડપી લીધી હતી. તેઓ કહે છે કે અમે કાંઠા પરના એક અન્ય મગરના ફોટા પાડી રહ્યા હતા તે સમયે પાણીમાં કંઇ હલચલ દેખાઇ હતી.
એક સ્થાનિકે બૂમ પાડી કે મગર શાર્કને ગળી રહ્યો છે અને ધ્યાનથી જોતા આ વાત સાચી જણાઇ હતી. મગરના જડબામાં શાર્ક ફસાયેલી હતી અને છટકવાના તેના પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને મગર છેવટે શાર્કને ગળી ગયો હતો. આ આખી ઘટના કેમેરામાં ઝડપાઇ ગઇ હતી.