SURAT

બોલો, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર શારજાહની ફ્લાઈટ ટ્રક સાથે અથડાઈ!

સુરત: સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો (SuratInternationalAirport) દરજ્જો મળી ગયો છે. અહીં શારજાહ (Sharjah) ઉપરાંત દુબઈની ફ્લાઈટની (Flight) અવરજવર શરૂ થઈ છે, પરંતુ હજુ પણ સુવિધાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની મળી નથી તેવી ફરિયાદો ઉઠતી રહી છે. હવે તો સુરત એરપોર્ટના સ્ટાફમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સ્ટાફ જેવી શિસ્તતા પણ નથી તે ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે.

ખરેખર વાત એમ છે કે, ગુરુવારે રાત્રે એર ઇન્ડિયા એક્સપ્રેસની (AirIndiaExpress) શારજાહથી સુરત આવેલી ફ્લાઇટનું એરક્રાફટ સુરત એરપોર્ટ પર ટેક્નિકલ ખામીને લીધે ખોટકાતાં આ એરક્રાફ્ટને સુરત એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. મુંબઈથી આવેલા ટેક્નિકલ એક્સપર્ટ દ્વારા આજે દિવસભર ખામી દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. એના લીધે ગુરુવારે વિમાન સુરતથી શારજાહ રવાના થયું ન હતું. ગુરુવારની સુરત-શારજાહ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જ્યારે શુક્રવારની સુરતથી શારજાહની ફ્લાઇટ પણ વિલંબથી જશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

ઘટના શું બની હતી?
એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ નિયમિત સમયે સુરત એરપોર્ટના રનવે પર લેન્ડ થઈ હતી. રાત્રિના 11ઃ15 કલાકે શારજાહથી આવેલી ફ્લાઇટ લેન્ડ થયા બાદ એપ્રેન તરફ જઈ રહી હતી ત્યારે ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઇડ પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આથી વિંગ ડેમેજ થઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી.180 સીટર ફ્લાઇટમાં 162 યાત્રીઓ હતા.

શુક્રવારે રાત્રે ફ્લાઈટ રવાના થાય તેવી સંભાવના
ગઈકાલથી સુરત શારજાહનું એરક્રાફ્ટ સુરત ખાતે ગ્રાઉન્ડ થયું હોવાથી શુક્રવારની રાતે 12:15 કલાકે શારજાહ જતી ફ્લાઇટ સવારે 5 કલાકે રવાના થવાની સંભાવના છે. સામાન્ય રીતે મુંબઈ-શારજાહ સુરત રોટેશનમાં એરક્રાફ્ટ આવે છે, પણ શુક્રવારે વારાણસી-શારજાહ સુરત રોટેશનમાં આવશે. જેથી શારજાહથી સાંજે 6:35 કલાકને બદલે આશરે 4 કલાક મોડી ડિપાર્ટ થશે.

Most Popular

To Top