Editorial

નવાઝ શરીફનું જેવું નામ છે તેટલા શરીફ નથી, વારંવાર ભારતની પીઠમાં ખંજર ભોંકી ચૂક્યા છે

આગામી અઠવાડિયામાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઇ રહી છે. પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાન સહિત અનેક મોટા નેતા જેલમાં છે તે સમયે આ ચૂંટણી યોજાઇ રહી છે. તો તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી નવાઝ શરીફ ભારત સાથે સંબંધ સુધારવાની વાત કરી રહ્યાં છે. નવાઝ શરીફ ત્રણ વાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા અને ત્રણેય વાર પાકિસ્તાને સારા સંબંધોની વાતો કરીને ભારતની પીઠમાં ખંજર ભોંક્યું છે. શરીફના શાસનમાં ભારત કદી ના ભૂલી શકે એવા ભીષણ આતંકવાદી હુમલા થયા છે.

શરીફ પહેલી વાર ૧૯૯૦થી ૧૯૯૩ દરમિયાન વડાપ્રધાન હતા ત્યારે મુંબઈમાં ૧૯૯૩માં થયેલા ડઝન બોમ્બ બ્લાસ્ટમાં અઢીસોથી વધારે લોકો મરાયેલાં. શરીફ ૧૯૯૯થી ૧૯૯૭ દરમિયાન વડાપ્રધાન હતા ત્યારે કારગિલ યુધ્ધ થયું હતું. શરીફના ૨૦૧૩થી ૨૦૧૭ના શાસનકાળમાં જ ઉરી એટેક સહિતની આતંકી ઘટનાઓ બનેલી. હવે જે માણસનો ટ્રેક રેકોર્ડ આવો હોય એ ભારત સાથે સારા સંબંધોની વાતો કરો તો કોણ વિશ્વાસ કરે ? નવાઝ શરીફે દાવો કર્યો કે, ભારત સાથે સારા સંબંધોની તરફેણ કરવાના કારણે પોતાને ૧૯૯૩ અને ૧૯૯૯માં સત્તા પરથી ઉથલાવી દેવાયા હતા.

પોતે પહેલેથી માને છે કે ભારત સાથે સારા સંબંધો રાખવા જોઈએ. આ કારણે પોતે ૧૯૯૯માં પાકિસ્તાની લશ્કરે કારગિલમાં સૈનિકોને મોકલ્યા તેનો વિરોધ કરેલો. બદલામાં જનરલ પરવેઝ મુશર્રફે પોતાને ગાદી પરથી હટાવીને સત્તા કબજે કરી લીધેલી.  શરીફે એવો દાવો પણ કર્યો કે, પોતે ભારત સાથે સારા સંબંધો ઈચ્છતા હતા એટલે જ પોતાના શાસનકાળમાં ભારતના બે વડાપ્રધાન પાકિસ્તાન આવ્યા હતા. ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયી અને ૨૦૧૫માં નરેન્દ્ર મોદી પાકિસ્તાન ગયા હતા એ સંદર્ભમાં શરીફે આ વાત કરી છે.

પાકિસ્તાનના ઇતિહાસમાં એકેય ચૂંટણી નિર્વિવાદ રહી નથી, પરંતુ આ વખતની ચૂંટણી વધુ વિવાદાસ્પદ લાગે છે, કારણ કે એક ભૂતપૂર્વ વડા પ્રધાન જેલમાં છે, ચૂંટણી લડી શકે તેમ નથી, જ્યારે બીજા ભૂતપૂર્વ વડા પ્રધાન જાતે લીધેલા દેશનિકાલમાંથી પાછા ફરી રહ્યા છે અને તેમને તમામ ગુનામાંથી મુક્તિ મળી છે. પાકિસ્તાન ભારતનું કટ્ટર પ્રતિસ્પર્ધી છે અને ઈરાન તથા તાલિબાન-નિયંત્રિત અફઘાનિસ્તાન સાથેની તેની સરહદ અશાંત છે. પાકિસ્તાનને અમેરિકા સાથે પ્રેમ-તિરસ્કારનો સંબંધ છે અને એ ચીનનું નજીકનું મિત્ર છે.

પરમાણુ શસ્ત્રોથી સજ્જ પાકિસ્તાનમાં જે કોઈ સત્તા પર આવે તે વ્યક્તિ, પક્ષ મહત્ત્વના હોય છે. પાકિસ્તાનના રાજનેતાઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી સત્તા મેળવવાના ઝઘડામાં વ્યસ્ત છે. પાકિસ્તાનમાં 2022માં ચૂંટાયેલા વડા પ્રધાન ઇમરાન ખાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેમના સ્થાને ગઠબંધન સરકાર રચવામાં આવી હતી. ગયા ઑગસ્ટમાં એ ગઠબંધનનું સ્થાન બિન-ચૂંટાયેલી કાર્યવાહક સરકારે લીધું હતું. આ સરકારે નવેમ્બર સુધીમાં ચૂંટણી યોજવી જરૂરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વસતિગણતરીના કામને લીધે ચૂંટણી યોજવામાં વિલંબ થયો છે.

હવે ચૂંટણીનું કામ ચાલી રહ્યું છે. ઘણા લોકો માને છે કે ઈરાન સાથેના તાજેતરના ‘જેવા સાથે તેવા’ મિસાઇલ હુમલા જેવી ઘટનાઓનો સામનો કરવા માટે જ નહીં, પરંતુ સરકાર જેના પર નિર્ભર છે તે નાણાકીય સહાય અને રોકાણ મળતું રહે એ સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાનમાં સ્થિર સરકારની જરૂર છે. ત્રણ વખત વડા પ્રધાન બનેલા નવાઝ શરીફ 2018ની ચૂંટણી લડ્યા ન હતા, કારણ કે તેઓ જેલમાં હતા અને કરોડો પાઉન્ડના લંડન ખાતેના એપાર્ટમેન્ટ સંબંધી ભ્રષ્ટાચારના કેસ સંદર્ભે તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

લંડનના વૈભવી ફ્લૅટમાં છ વર્ષ સુધી દેશનિકાલમાં રહ્યા બાદ નવાઝ શરીફ પાકિસ્તાન પાછા ફર્યા છે. 2022માં ઇમરાન ખાનની હકાલપટ્ટી પછી તેમના ભાઈના નેતૃત્વ હેઠળના પીએમએલ(એન) પક્ષે પાકિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું હતું. દરમિયાન, છેલ્લા બે મહિનામાં, 2024ની ચૂંટણી માટે સમયસર, તેમને તમામ આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમના ચૂંટણી લડવા પરના આજીવન પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યો છે. ઘણા લોકો માને છે કે ઇમરાન ખાન સાથે મતભેદ પછી દેશના સૈન્ય અને ન્યાયતંત્રનું સમર્થન મેળવી શક્યા હોવાને કારણે નવાઝ શરીફ માટે વડા પ્રધાન તરીકેના તેમના સંભવિત ચોથા કાર્યકાળનો માર્ગ મોકળો થયો છે.

અલબત, નવાઝ શરીફ પણ સારી રીતે જાણે છે કે સૈન્ય પલટી મારી શકે છે. 2013માં વડા પ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળ દરમિયાન સૈન્ય સાથેના તંગ સંબંધને કારણે નવાઝ શરીફની હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમનો બીજો કાર્યકાળ 1999માં સૈન્યના બળવાને કારણે ટૂંકાઈ ગયો હતો. માત્ર 35 વર્ષના બિલાવલ ભુટ્ટો-ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના અધ્યક્ષ છે. ગત ચૂંટણીમાં પીપીપી ત્રીજા સ્થાને રહી હતી. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા 71 વર્ષના ઇમરાન ખાન આ વર્ષે ચૂંટણી નહીં લડી શકે, કારણ કે જેલમાં એ સજા ભોગવતા રહેશે. આ સજાને ઇમરાન અને તેમના સમર્થકો ‘રાજકારણ પ્રેરિત’ અને ‘ષડયંત્ર’ ગણાવી રહ્યા છે.

ઇમરાન ખાનનો ઉદય અને પતન બન્ને સૈન્યને આભારી છે. ઇમરાન ખાનના સમર્થકો એવો આક્ષેપ કરે છે કે ઇમરાન ખાનને જેલમાં નાખવામાં સૈન્યના વડાનો હાથ છે.પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા ઇમરાન ખાનને 2018માં પરિવર્તનના ઉમેદવાર ગણવામાં આવતા હતા. તેમણે વંશવાદી રાજકારણના અંતનું, ભ્રષ્ટ રાજકારણીઓને સજા કરવાનું, ન્યાયતંત્રમાં સુધારાનું અને અર્થતંત્રમાં સુધારાના એક ભાગરૂપે યુવાનો માટે રોજગારના સર્જનનું વચન આપ્યું હતું.  પાકિસ્તાની તાલિબાન સાથે શાંતિ કરાર કરવાની મંજૂરી આપવા બદલ અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને ટેકો આપવા બદલ ઇમરાન ખાનની વ્યાપક ટીકા કરવામાં આવી હતી.

Most Popular

To Top