બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને (Shah rukh Khan Son Aryan Khan Drugs Case) ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા નથી. હવે 20 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેવું પડશે. ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરૂખના પુત્ર આર્યનની જામીન અરજી પર આજે મુંબઈની સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 20 ઓક્ટોબર સુધી ચૂકાદો અનામત રાખ્યો છે, જેના લીધે હજુ 6 દિવસ આર્યન ખાને આર્થર રોડ જેલમાં જ વીતાવવા પડશે. આર્યન ખાન વતી સલમાન ખાનને છોડાવનાર વકીલ અમિત દેસાઈ અને સતીષ માનશિંદે તેમજ NCB વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે દલીલો કરી હતી.
જજ વીવી પાટિલે સુનાવણીનો ચુદાકો 20 ઓક્ટોબર સુધી અનામાત રાખ્યો છે, એટલે કે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા 20 ઓક્ટોબર સુધી જેલમાં જ બંધ રહેશે. ગઈ તા. 3 ઓક્ટોબરથી આર્યન ખાન જેલમાં છે. આજે જેલમાં તેને 12 દિવસ થઈ ગયા છે અને હવે કોર્ટે 20મી ઓક્ટોબર સુધી ચૂકાદો અનામત રાખ્યો હોય વધુ 6 દિવસ જેલમાં રહેવું પડશે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યું કે આર્યન ખાને પહેલી વખત ડ્રગ્સનું સેવન કર્યું નથી પરંતુ તે લાંબા સમયથી ડ્રગ્સ લેતો આવ્યો છે. તેમણે કહ્યું કે રેકોર્ડ અને પુરાવાના આધારે એવું કહી શકાય કે તે છેલ્લા ઘણા વર્ષોથી પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરી રહ્યો છે. અનિલ સિંહે કહ્યું કે અરબાઝ ખાન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે અને પંચનામામાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્યન અને અરબાઝ આ ડ્રગ્સનું સેવન કરવાના હતા.
આર્યન ખાનને શંકાનો લાભ આપવાની દલીલનો જવાબ આપતા અનિલ સિંહે કહ્યું, ‘એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ આરોપીને અલગ કરી શકાય નહીં. ભલે તમને દવાઓ મળી હોય અથવા ન મળી હોય અથવા માત્ર થોડી રકમ મળી હોય. તમને કશું મળ્યું નથી એમ કહીને તમે છટકી શકતા નથી. અમે એક આરોપી પાસેથી કોમર્શિયલ જથ્થામાં ડ્રગ્સ રિકવર કર્યું છે. આ કેસમાં કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ષડયંત્ર હતું, તેથી આરોપીને અલગથી જોઈ શકાય નહીં.
અનિલ સિંહે કહ્યું કે હાલમાં કેસની તપાસ પ્રારંભિક તબક્કે છે. આવી સ્થિતિમાં એ કહી શકાય નહીં કે તેમાં કોણ સામેલ હતું અને કોણ નહોતું. આ બાબતે કોઈપણ નિર્ણય ટ્રાયલ કોર્ટ દ્વારા જ લેવામાં આવશે. આ પહેલા બુધવારે એનસીબીએ (NCB) કહ્યું હતું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટ બતાવે છે કે તે ડ્રગ્સની ખરીદીમાં સામેલ છે અને તેનું સેવન કરે છે. એટલું જ નહીં, એનસીબીએ દાવો કર્યો હતો કે આર્યને પૂછપરછ દરમિયાન ચરસ લેતો હોવાનું સ્વીકાર્યું છે. તે જ સમયે, આર્યન ખાનના વકીલે દલીલ કરી હતી કે તેમની પાસેથી ન તો કોઈ રોકડ કે દવાઓ મળી આવી છે. આવી સ્થિતિમાં, અન્ય આરોપીઓની જેમ આર્યનની ગુન્હામાં સામેલગીરીને સાંકળી શકાતી નથી.