રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ ને બ્લોકબસ્ટર સાબિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે કેમ કે અગાઉ ફિલ્મનો ખર્ચ રૂ.400 કરોડથી વધુ થયો હોવાની વાત ફેલાવવામાં આવી હતી. હવે આ ખર્ચ ત્રણેય ભાગનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એમાં સત્ય જે હોય તે પણ ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ ની બોક્સઓફિસ પર રૂ.200 કરોડથી વધુની કમાણી પછી કાર્તિક આર્યનને પાછળ રાખીને રણબીર કપૂર નંબર 1 હીરો બની ગયો છે. ‘ભુલભુલૈયા 2’ ની રૂ.186 કરોડની કમાણીને કારણે આ વર્ષે કાર્તિક હીરો નંબર 1 હતો.
ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને નાગાર્જુન હોવા છતાં તેમના નામ-કામની કોઇ ચર્ચા નથી. અમિતાભ બચ્ચન અત્યારે તેમના ‘કૌન બનેગા કરોડપતિ’ શો અને આગામી ફિલ્મ ‘ગુડબાય’ ના પ્રચારમાં વ્યસ્ત છે. શાહરૂખે પોતાની રીતે ‘બ્રહ્માસ્ત્ર’ નો લાભ લઇ લીધો છે. તેણે પુનરાગમન માટેની ફિલ્મ ‘પઠાન’ પહેલાં દર્શકોની પોતાના અભિનય માટેની પ્રતિક્રિયા જાણી લીધી છે. આર. માધવનની ‘રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ’ પછી આમિર ખાનની ‘લાલસિંહ ચડ્ઢા’ માં પણ મહેમાન બનીને પ્રશંસા મેળવનાર શાહરૂખની ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ ની મહેમાન ભૂમિકાને સારો પ્રતિસાદ મળ્યો છે. તેની સ્થિતિ સલમાન અને આમિરથી સારી ગણવામાં આવી રહી છે. તેની સફળ પુનરાગમન માટેની ચિંતાઓ દૂર થઇ રહી છે. જો કે, ફિલ્મની સફળતાનો બધો યશ રણબીર-આલિયા લઇ ગયા છે.
બીજા વીકએન્ડમાં રૂ.37 કરોડ કમાયા. ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ એ ‘કશ્મીર ફાઇલ્સ’ નો વૈશ્વિક કમાણીનો રૂ. 340 કરોડનો વિક્રમ પણ તોડી નાખ્યો છે. નવાઇની વાત એ છે કે આ ફિલ્મ વિશે ઘણી બધી નકારાત્મક વાતો હતી છતાં દર્શકોએ એમાં રસ બતાવ્યો છે. એક માઇથોલોજી ફિલ્મ લવસ્ટોરી નીકળી હતી અને દર્શકોને છેતરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો. પરંતુ બીજા વીક એન્ડના સારા એડવાન્સ બુકિંગથી બીજા શુક્રવારે રૂ.8 કરોડ મળતાં એવું ચિત્ર ઉપસ્યું કે દર્શકોને આ લવસ્ટોરી હોય તો પણ જોરદાર VFXને કારણે પસંદ આવી છે અને તેના બીજા ભાગ ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 2: દેવ’ ની રાહ જોવામાં આવી રહી છે. નિર્દેશક અયાને ૨૦૨૫ માં બીજો ભાગ રજૂ કરવાની માહિતી આપી છે.
‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ માટે એ વાત નિરાશાજનક રહી કે ફિલ્મના તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ સંસ્કરણોમાંથી ખાસ કમાણી થઇ નહીં. દક્ષિણના કલાકારો હિન્દી ફિલ્મોના દર્શકો પર રાજ કરી રહ્યા છે ત્યારે રણબીર દક્ષિણના દર્શકોની પસંદ પર ખરો ઊતર્યો નથી. દક્ષિણની આવી જ મોટી ફિલ્મો તેમની ભાષાઓ ઉપરાંત હિન્દીમાં જબરજસ્ત કમાણી કરી ગઇ છે. દક્ષિણની ફિલ્મોએ તો પશ્ચિમમાં પણ દબદબો ઊભો કર્યો છે. એસ. રાજામૌલીની ‘RRR’ ને વિદેશોમાંથી રૂ.200 કરોડની આવક થઇ હતી. એમાંથી અડધી તો અમેરિકામાંથી હતી. દક્ષિણની નવી ફિલ્મ ‘કાર્તિકેય 2’ ની પાંચમા સપ્તાહના અંતે કમાણી રૂ.30 કરોડ ઉપર પહોંચી ગઇ છે. એ જ રીતે દુલકર સલમાન અને મૃણાલ ઠાકુરની 2 સપ્ટેમ્બરે રજૂ થયેલી ‘સીતારામમ’ ને તેલુગુમાં સફળતા મળ્યા પછી હિન્દીમાં ડબ કરીને રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મની કુલ કમાણી રૂ.100 કરોડથી વધુ થઇ ગઇ છે.
થિયેટરોમાં ફિલ્મ ના ચાલે તો પણ બોલિવૂડના નિર્માતાઓ નિરાશ થતા નથી. હિન્દી ફિલ્મોને દર્શકો OTT પર જોવાનું વધારે પસંદ કરી રહ્યા છે. એ બાબત થિયેટરો માટે ખતરારૂપ બની શકે એમ છે. થિયેટરોમાં ફ્લોપ રહેલી કેટલીક ફિલ્મોએ OTT પર ધૂમ મચાવી દીધી હોવાથી એમ માનવામાં આવી રહ્યું છે કે ટિકિટો મોંઘી થઇ રહી છે અને ઘર બેઠાં આખા પરિવાર સાથે મનોરંજન મળતું હોવાથી OTT ની બોલબાલા વધી ગઇ છે. કંગના રણોતની કારકિર્દીની સૌથી મોટી ફ્લોપ ગણાયેલી ‘ધાકડ’ ની OTT પર 60 મિલિયન વ્યુઇંગ મિનિટો હતી. તો જૉન અબ્રાહમની ‘અટેક’ અને આદિત્ય રૉય કપૂરની ‘રાષ્ટ્રકવચ’ ને જોનારાની સંખ્યા ખાસ્સી નોંધાઇ છે. OTT પર સીધી રજૂ થનારી આલિયા ભટ્ટની ‘ડાર્લિંગ્સ’ અને જહાનવી કપૂરની ‘ગુડલક જેરી’ ને પણ સારો પ્રતિભાવ મળ્યો હતો. અક્ષયકુમારની ફિલ્મો અત્યારે બોક્સઓફિસ પર ફ્લોપ થઇ રહી છે ત્યારે તેની OTT પર રજૂ થયેલી ‘કઠપૂતલી’ ને ભારે આલોચના પછી પણ 8 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. જે અજયની ‘ભૂજ’ કે સિધ્ધાર્થની ‘શેરશાહ’ થી બે ગણા છે.