શાહરૂખ ખાન (Shah Rukh Khan) ગુરુવારે સવારે પુત્ર આર્યન ખાનને (Aryan Khan) મળવા આર્થર રોડ (Arthar Road Jail) જેલ પહોંચ્યો હતો. અહેવાલો અનુસાર, શાહરૂખ 9.10 વાગ્યાની આસપાસ વેઇટિંગ રૂમમાં ગયો. તેની સાથે તેનો અંગરક્ષક રવિ અને સ્ટાફના સભ્યો પણ બહાર જોવા મળ્યા હતા. ડ્રગ્સના કેસમાં ફસાયા બાદ આર્યનની તેના પિતા શાહરૂખ સાથે પ્રથમ રૂબરૂ મુલાકાત છે.
કોવિડ પ્રોટોકોલને કારણે શાહરૂખ આર્યનને મળી શક્યો ન હતો. સંબંધીઓને આજથી મળવાની મંજૂરી આપવામાં આવી છે, જેનો લાભ લઈને શાહરૂખ આર્યનને રૂબરૂ મળ્યો હતો. તેને કોવિડ સંબંધિત સાવચેતી સાથે 15થી 20 મિનિટ સુધી મળવાનો સમય મળ્યો. અત્યાર સુધી શાહરુખ અને ગૌરી આર્યન સાથે વીડિયો કોલ પર વાત કરતા હતા.
બોલિવુડનો સુપર સ્ટાર શાહરૂખ ખાન આજે દીકરાને આર્થર રોડ જેલમાં મળવા પહોંચ્યો ત્યારે જેલની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ફેન્સ વચ્ચે ઘેરાયેલો સુપરસ્ટાર શાહરૂખના ચહેરા પર લાચારી દેખાતી હતી. શાહરૂખની જેલ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્વીટર યુઝર્સ શાહરૂખની જેલ મુલાકાત પર તરેહ તરેહની કોમેન્ટ કરી રહ્યાં છે.
બાપ-દીકરા વચ્ચે કાચની દિવાલ હતી, અધિકારીઓની હાજરીમાં ઈન્ટરકોમ પર કરી વાત
શાહરૂખ ખાન અને દીકરા આર્યન ખાન વચ્ચે કાચની દિવાલ હતી. બંનેએ ઈન્ટરકોમની મદદથી વાતચીત કરી હતી. લગભગ 18 મિનીટ સુધી બંનેએ વાત કરી હતી. આ સમયે જેલના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. નોંધનીયછે કે છેલ્લાં 14 દિવસથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. પાછલા 14 દિવસ દરમિયાન શાહરૂખ અને ગૌરી ખાન પુત્ર આર્યન સાથે વીડિયો કોલ મારફતે જ વાત કરી રહ્યાં હતાં. આર્યનની ધરપકડ થઈ ત્યાર બાદ આજે પહેલીવાર શાહરૂખ આર્થર રોડ જેલમાં આર્યનને મળવા ગયો હતો અને આર્યન સાથે વાત કરી હતી.
બોલિવુડ અભિનેત્રી સાથેની ચેટના પુરાવાના આધારે કોર્ટે 20મી ઓક્ટોબરે જામીન નકાર્યા હતા
આ અગાઉ ગઈકાલે તા. 20 ઓક્ટોબરના રોજ મુંબઈની સેશન્સ કોર્ટે આર્યન ખાનના જામીનને નકારી કાઢ્યા હતા. આર્યન સહિત તેના મિત્ર અરબાઝ ખાન અને મોડેલ મુનમુન ધામેચાને પણ જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આર્યન ખાનની એક નવી ઉભરતી બોલિવુડની અભિનેત્રી સાથેની વોટ્સએપ ચેટ્સ NCB દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કથિત ચેટ્સમાં ડ્રગ્સની લેવડદેવડ અંગે વાતચીત થઈ હોવાની આશંકા કોર્ટ સમક્ષ NCB દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે NCB દ્વારા આર્યન ખાનના ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી હોય કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી.
આર્યન ખાનના જામીન માટે હવે હાઈકોર્ટમાં અરજી કરાશે
હવે આર્યન ખાનના વકીલ આજે જામીન માટે બોમ્બે હાઈકોર્ટ પહોંચશે. આર્યનની જામીન અરજી 20 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી. કોર્ડેલિયા જહાજ પર દરોડા બાદ એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કરી હતી. તેમની સાથે વધુ 7 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બાદમાં આ કેસમાં ઘણી ધરપકડ કરવામાં આવી છે. એનસીબીનો આરોપ છે કે આર્યન આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર્સ સાથે જોડાણ ધરાવે છે.