SURAT

SGCCI દ્વારા ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ઝિબિશનનું આયોજનઃ 500થી વધુ વાનગીનો સ્વાદ માણવા મળશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકિઝબિશનનું આયોજન કરવામાં આવે છે. આ એકિઝબિશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી ૧પ૬ એકિઝબિટર્સે ભાગ લીધો છે. આ એકિઝબિશન માટે રજિસ્ટ્રેશન ફ્રી રહેશે. શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે સાથે સંકળાયેલા તમામ વ્યવસાયિક મિત્રોને આ એકિઝબિશનની વિઝીટ કરવાથી ઘણો લાભ થશે.

ચેમ્બરના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરાશે
એકિઝબિશનમાં ભારતીય ન્યુટ્રિશન અને વેલનેસ બ્રાન્ડ દ્વારા ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્‌ટ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે. ઓર્ગેનિક મોરિંગા (સરગવા) લીફ પાવડર, મોરિંગા જીરૂ પાવડર, મોરિંગા સૂપી શોટ્‌સ તથા મોરિંગા ટેબ્લેટ્‌સ જેવી મુખ્ય પ્રોડકટ રેન્જ રજૂ કરવામાં આવશે, જે નિયમિત ઉપયોગથી ઊર્જા, પાચન અને સમગ્ર હેલ્થ વેલનેસમાં સકારાત્મક ફેરફાર લાવે છે.

એક્સપોમાં રોબોટ બોટલ પિક એન્ડ ડ્રોપ કરશે
એક્ષ્પોમાં બોટલ પિક એન્ડ ડ્રોપ માટેની અદ્યતન રોબોટ મશીનરીનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ રોબોટ સિસ્ટમ આપોઆપ બોટલોને ચોક્કસ રીતે ઉઠાવીને બોકસમાં ગોઠવવાનું કામ કરે છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયામાં ઝડપ, ચોકસાઈ અને કાર્યક્ષમતા વધે છે. માનવ શ્રમ પરની નિર્ભરતા ઘટાડીને સમય અને ખર્ચ બચાવવામાં મદદરૂપ બનતી આ મશીનરી ખાસ કરીને ફૂડ, બેવરેજીસ અને પેકેજિંગ ઉદ્યોગ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

500થી વધુ ફૂડ આઈટ્મ્સનો સ્વાદ માણવા મળશે
‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોના ચેરમેન કે.બી. પિપલિયાએ જણાવ્યું હતું કે, શહેરીજનો ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓની મજા એકછત નીચે માણી શકશે. દેશ–વિદેશની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ સાથે આશરે પ૦૦થી વધુ ફૂડ આઇટમ્સના સ્વાદનો આનંદ માણી શકાશે. પરંપરાગત વાનગીઓથી લઈને આધુનિક, હેલ્ધી અને નવીન ખાણીપીણીના વિકલ્પો સુધીની વિશાળ પસંદગી એક્ષ્પોની ખાસ ઓળખ રહેશે, જ્યાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે અનોખો ફૂડ અનુભવ મેળવી શકશે.

Most Popular

To Top