એક સમય હતો કે વિશ્વના એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો મહિનાઓ લાગી જતાં હતા. એક દેશની સ્થિતિ કે તેના ઈતિહાસ વિશે જાણવું હોય તો દાયકાઓ લાગી જતાં હતા. આજે આ તમામ વસ્તુ હાથવગી છે. તેનું સીધું કારણ ઈન્ટરનેટ છે. ઈન્ટરનેટ આવ્યા પછી દુનિયામાં દેશ અને સંસ્કૃતિઓના અંતરો ઘટી રહ્યા છે. ઈન્ટરનેટના માધ્યમથી આજે આખું વિશ્વ ચાલી રહ્યું છે. દિવસેને દિવસે ઈન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે અને વિશ્વનો તેના કારણે વિકાસ પણ થઈ રહ્યો છે પરંતુ જેવી રીતે એક વસ્તુના ફાયદાની સાથે ગેરફાયદા પણ હોય તેવી જ રીતે ઈન્ટરનેટના પણ ફાયદાની સાથે ગેરફાયદાઓ પણ છે.
ઈન્ટરનેટનો સૌથી મોટો ગેરફાયદો હોય તો તે છે પોર્ન કન્ટેનન્ટનો. આખું વિશ્વ પોર્ન કન્ટેનન્ટને ફેલાતું અટકાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે પરંતુ તેની સામે પોર્ન કન્ટેનન્ટ વધી જ રહ્યું છે. લોકો ગલગલિયાં કરાવતું હોવાથી પોર્ન કન્ટેનન્ટ તૈયાર કરવા માટે અને તેને ઈન્ટરનેટ પર મુકવા માટેની વેબસાઈટમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. પોર્ન સામગ્રી તૈયાર કરવા બદલ તાજેતરમાં જ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો અને હજુ કેસ ચાલુ છે. ઈન્ટરનેટ પર જે રીતે પોર્ન સામગ્રી પીરસવામાં આવી રહી છે તેની સામે તાજેતરમાં કેરળ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
સીધી મોબાઈલ પર પોર્ન સામગ્રી પીરસાતી હોવાને કારણે કેરળ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં 30 સપ્તાહની ગર્ભવતી સગીરાને ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપતી વખતે કેરળ હાઈકોર્ટે ચિંતા કરતાં જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ પર પોર્ન સહેલાથી મળી જાય છે અને તેને કારણે ચાઈલ્ડ પ્રેગનન્સીના કેસ વધી રહ્યા છે. ઈન્ટરનેટના અસુરક્ષિત ઉપયોગને કારણે બાળકોમાં તેની ખરાબ અસર પડી રહી છે. આવી ઘટનાઓને રોકવા માટે યૌન શિક્ષણ પર પણ વિચાર કરવો જરૂરી છે. ઈન્ટરનેટ પર પોર્ન સામગ્રીને કારણે યુવાનો પર ખોટી અસરો ઊભી થાય છે.
જે અંગે વાત થવી જરૂરી છે. ઈન્ટરનેટનો ઉપયોગ યોગ્ય અને સુરક્ષિત રીતે થવો જોઈએ પરંતુ તેને બદલે યુવાનો ખોટી વસ્તુઓ શીખી રહ્યા છે. ઓનલાઈન માધ્યમથી સહેલાઈથી અશ્લિલ સામગ્રી મળી રહી ચે. જે બંધ થવું જોઈએ. હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું કે, સ્કૂલમાં આપવામાં આવતી યૌન શિક્ષા અંગે બીજી વખત વિચાર કરવામાં આવે તે જરૂરી છે. 13 વર્ષની સગીરાને તેના સગીર ભાઈએ જ ગર્ભવતી બનાવી હતી. સગીરાની નાની ઉંમરને જોતા તેને ગર્ભપાતની મંજૂરી આપવી પડી છે. અગાઉ આ સગીરા પરિણીત નહીં હોવાથી તેને મંજૂરી નહીં આપી શકાય તેવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ હાઈકોર્ટે માત્ર પરિણીત નહીં હોવાથી તેને મંજૂરી આપી શકાય નહીં તેવા મુદ્દાને ઉડાડી દીધો હતો. રચના કરી છે.
ઈન્ટરનેટ પર પોર્ન સામગ્રીને અટકાવવા માટેના જેટલા પ્રયાસો થાય છે તેના કરતાં અનેકગણા પ્રયાસો વધુને વધુ પોર્ન સામગ્રી ઈન્ટરનેટ પર પીરસવામાં આવે તે માટે કરવામાં આવી રહ્યા છે. પોર્ન સામગ્રીને જોનારો વર્ગ વધી રહ્યો હોવાથી અને ખાસ કરીને મોબાઈલને કારણે યુવા વર્ગ અને તેમાં પણ સગીરોની આ પોર્ન સામગ્રી જોવા માટેની ઉત્સુકતાએ સમાજ માટે એક નવી જ ચિંતા ઊભી કરી છે. પોર્ન સામગ્રી તૈયાર કરનારથી માંડીને તેને વેબસાઈટ પર મુકનાર સુધીના તમામ આ વ્યવસાયમાં લખલૂંટ નાણાં કમાઈ રહ્યા હોવાથી તેમને સમજાવવા માટેના અત્યાર સુધીના પ્રયાસો એળે જ જઈ રહ્યા છે. આ કારણે જ હવે સ્કૂલોમાં સગીરોને યૌન શિક્ષણ આપવું જરૂરી બની રહ્યું છે. આ માટે પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ તે પૂરતાં નથી. સ્કૂલની સાથે હવે સામાજિક તેમજ સંસ્થાકીય રીતે પણ સગીરોને યૌન શિક્ષણ આપવું પડે તે સમયની માંગ છે.
સગીરોને યૌન શિક્ષણનો મામલો અત્યાર સુધી ઉપેક્ષિત જ રહેવા પામ્યો છે. તેને કારણે સગીર યુવતીઓ ગર્ભવતી બનવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આને કારણે અનેક સામાજિક સમસ્યાઓ પણ ઉઠી રહી છે. સરકારે હવે આ મુદ્દે ગંભીર બનવાની જરૂરીયાત છે. એક તરફ સરકારે ઈન્ટરનેટ પર પીરસાતી પોર્ન સામગ્રી પર રોક લગાડવાની જરૂરીયાત છે અને બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓમાં સગીરોને યૌન શિક્ષણ વિશે સમજ આપવા માટે ઝુંબેશ ચલાવવી જોઈએ. જો આમ થશે તો જ આ સમસ્યાનો અંત આવશે અન્યથા આગામી દિવસોમાં આ સમસ્યા વ્યાપક બનશે તે નક્કી છે.