National

લો પ્રેશર સર્જાતા બંગાળની ખાડીમાં આવ્યું ભયંકર ચક્રવાત, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી: દિલ્હી (Delhi) સહિત અનેક રાજ્યોમાં ઠંડીનું (Cold) પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના (North India) રાજ્યોમાં જ્યાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધવા લાગી છે. ત્યારે દક્ષિણના રાજ્યોમાં (South States) વરસાદની (Rain) સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે દક્ષિણના રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ (Rain Alert) જાહેર કર્યું છે. IMD અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની (Bengal) ખાડી પરનું લો પ્રેશર (Low pressure ) એરિયા હવે ઊંડા લો પ્રેશરમાં ફેરવાય રહ્યું છે, જેના કારણે તમિલનાડુ (Tamil Nadu) અને પુડુચેરીમાં (Puducherry) ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં મળેલી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી (NCMC)ની બેઠકમાં બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાતી તોફાનથી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ચક્રવાતથી દેશના પૂર્વીય દરિયાકાંઠાનો ભાગ પ્રભાવિત થવાની આશંકા છે.

હવામાન વિભાગના મહાનિર્દેશકે NCMCને વર્તમાન હવામાનની સ્થિતિ વિશે માહિતી આપી હતી કે ચક્રવાતી તોફાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને સાંજ સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગ પર નીચા દબાણનો વિસ્તાર રચવાની શક્યતા છે. સાંજ પછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને બુધવારે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. જે 8 ડિસેમ્બરે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ પહોંચી શકે છે.

હવામાનની આગાહી અનુસાર તામિલનાડુમાં 8 ડિસેમ્બરે અને આંધ્ર પ્રદેશના દક્ષિણ કિનારે 8 થી 10 ડિસેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે, તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની બહાર દરિયાની સ્થિતિ ઉબડ-ખાબડથી અત્યંત રફ રહેવાની સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપી છે. આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગો તેમજ તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રની સ્થિતિ આગામી થોડા દિવસોમાં ખૂબ જ ખરાબ રહેશે.

ચક્રવાતી વાવાઝોડું જેને ચક્રવાત મંડૂસ નામ આપવામાં આવશે. IMDએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ અને તમિલનાડુ અને પુડુચેરીના મોટાભાગના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. વરસાદની સાથે વાવાઝોડાં અને વીજળીના ચમકારા પણ પડશે. પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને NDRFની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવશે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠેથી પસાર થશે ત્યારે બે કંટ્રોલ રૂમ અને હેલ્થકેર સેન્ટર કાર્યરત રહેશે.

IMD એ 8 ડિસેમ્બરે તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરી છે અને 13 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તદનુસાર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની છ ટીમો 8 ડિસેમ્બર પહેલા તમિલનાડુમાં તૈનાત કરવામાં આવી છે. તેઓને નાગાપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, કુડ્ડલોર, માયલાદુથુરાઈ અને ચેન્નાઈમાં તૈનાત કરવામાં આવી છે. જહાજો અને એરક્રાફ્ટની સાથે સેના અને નૌકાદળની બચાવ અને રાહત ટીમોને સ્ટેન્ડબાય પર તૈયાર રાખવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ પણ તેના જહાજો સાથે તૈયાર છે.

Most Popular

To Top