ગરબાની રમઝટ પુરબહારમાં ખીલી ઉઠી છે અને આ વર્ષે તો કોરોના ગાઈડ લાઇન પણ નેવે મુકાઇ છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યાાં છે. હવે જ્યારે ઉજવણીની વાત હોય તો ખાવામાં સુરતીઓ કેમ પાછા પડે. માટેજ જ્યારે ગરબા રમીને થાક્યા હોય અને મોડી રાત થઈ ગઈ હોય તેમ છ્તા સુરતમાં કેટલાંક વિસ્તારો એવા છે જ્યાં હાલમાં નવરાત્રી દરમિયાન ખાણી પીણીના સ્ટોલ ચાલુ રાખવામાં આવે છે જેમાં સુરતીઓના ટેસ્ટને અનુરૂપ વાનગીઓ બનાવીને સર્વ કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ નવરાત્રીની રાત્રિએ શું આરોગવાનુ પસંદ કરી રહ્યાાં છે સ્વાદ પ્રિય સુરતીઓ…
કુંભણિયા ભજીયા તો કતારગામના જ
સુરતમાં તો અવનવી ખવાપીવાની વાનગીઓ મળી જ રહે છે અને જો તમે ભજીયાના રસિયા હો અને કઈક નવું ટ્રાય કરવા ઇચ્છતા હો તો કતારગામના ફેમસ કુંભણિયા ભજીયા બેસ્ટ ઓપ્શન છે. આ ભજીયાની હંમેશા ડિમાન્ડ રહેતી હોય છે કારણ કે એમાં લીલા લસણ અને સાથે કોથમીરનું કોંબીનેશન લાજવાબ ટેસ્ટ આપે છે જેથી સુરતીઓ ખાસ પસંદ કરે છે. આ ઉપરાંત ડભોલી બ્રિજ પાસે પોટેટો ચિપ્સ પણ ઉપવાસ કરતાં ખેલૈયાઓની પસંદ બની છે.
લોચોના નવા નવા ફ્લેવરનો ક્રેઝ વધ્યો
શહેરના રાંદેર વિસ્તારમાં નજર કરીએ તો લોકો અડધી રાતે પણ આલુપુરી,લોચો ઝાપટતા જોવા મળે છે। ખાવાની જ્યાં વાત ચાલતી હોય તો ખાઉધરા ગલી તો કેમ ભુલાય. શહેરના કોટ વિસ્તારમાં આવેલી ખાઉધરા ગલીમાં નવરાત્રી દરમિયાન આ વખતે ખેલૈયાઓ ચટપટી ચાઇનીઝ આઈટમ ઉપરાંત ખાઉધરા ગલીની સામે મળતા લોચા પર ખાસ પસંદગી ઉતારી રહ્યા છે જ્યાં ચીઝ, બટર ઉપરાંત ઓરેંજ અને ફાયર લોચાની ડિમાન્ડ વધી છે.
ખમણ વગર સુરતીઓને નહીં ચાલે
શહેરના અણુવ્રત દ્વાર ખાતે સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન ખાણીપીણી બજાર શરૂ કરવામાં આવ્યું હતું જે ઇવેન્ટ પૂરી થયા બાદ પણ નવરાત્રીને અનુલક્ષીને હાલમાં ચાલુ રાખવામા આવ્યું છે જ્યાં મેગી, પિત્ઝા, ચાઇનીઝ તેમજ ફ્રેંકી જેવી દરેક પ્રકારની વાનગીઓનો લાભ લેવા ખેલૈયાઓ અડધી રાત્રે પણ ઉમટી પડે છે. આમ તો સુરતીઓ ખાવાના શોખીન એટલે દરેક પ્રકારની વાનગીઓનો ટેસ્ટ કરી લે છે પણ સુરતીઓની જેમ સવાર ખમણ વગર નથી પડતી તેમ જ્યારે રાત્રે પણ કઈક ખાવાનું મન થાય તો તેઓ આજે પણ ખમણ કે લોચો જ શોધતા હોય છે.
રાત્રે પણ ચા કોફીની ડિમાન્ડ તો રહેવાની જ
સુરતીઓ ખાવાપીવાના તો શોખીન છે જ સાથે જ ગરબા રમીને થાક્યા પાક્યા ચા કોફી કે કોલ્ડડ્રિંક તથા જ્યુસ તો શોધવા તો નીકળે જ છે આ માટે ખાસ કરીને રાત્રે પણ ઠેર-ઠેર ચા કોફીની લારીઓ તથા જ્યુસ સેન્ટરો ધમધમતા જોવા મળે છે, આનું ખાસ કારણ એ પણ છે કે નવરાત્રી દરમિયાન ઘણા ખેલૈયાઓ ઉપવાસ પણ કરતાં હોય છે ત્યારે ચા કોફી અને જ્યુસ માટે પણ લોકોની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે.