ગામમાં એક ઈમાનદાર અને સંતુષ્ટ માળી પોતાના પરિવાર સાથે રહેતો હતો. માળીની પત્ની કુશળતાથી પોતાનું ઘર ચલાવતી હતી. તેમનું જીવન ખુશીથી વીતી રહ્યું હતું. એક દિવસ રાજાએ માળીને બોલાવી કહ્યું, ‘તું તારા કામમાં બહુ માહેર છે એટલે રાજમહેલના બાગનો માળી બનાવું છું.’ માળી રોજ રાજાના રાજ બગીચામાં કામ કરવા જતો અને તેને રોજ એક સોનામોહર મહેનતાણા રૂપે મળતી. માળીના ઘરમાં હવે કોઈ ચીજની કમી ન રહી હતી અને દર મહિને બચત પણ થતી હતી.
એક દિવસ માળી ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેને એક યક્ષનો અવાજ સંભળાયો, ‘તારી ઈમાનદારીના ઇનામ રૂપે હું તને સોનાના મુદ્રાઓથી ભરેલા સાત ઘડા આપું છું. શું તું આ લઈશ?’ માળી ડરી ગયો પણ પછી મનમાં લાલચ આવી અને સાત ઘડા લઇ તે ઘરે ગયો. પત્નીને બધી વાત કરી અને પછી એક પછી ઘડા ખોલવાની શરૂ કરી. પહેલો બીજો.. ત્રીજો.. છ એ છ ઘડા ભરેલા હતા પણ સાતમો ઘડો અડધો ખાલી હતો. માળીએ પત્નીને કહ્યું, ‘દર મહિને જે બચત થાય છે તેનાથી આ ઘડો ભરી દેશું. હવે આપણે જીવનમાં કોઈ જ ચિંતા નહીં રહે.
માળી અને તેની પત્ની બચત કરેલી સોનામહોરો ઘડામાં નાખવા લાગ્યા… સાતમા ઘડો ભરાવાનું નામ જ લેતો ન હતો અને તે ઘડાને જલ્દીથી ભરવા માટેની ઉતાવળમાં માળી કંજૂસ થતો ગયો તેના સ્વભાવમાં આવેલી આ કંજૂસાઈને કારણે ઘરમાંથી ખુશી ગાયબ થવા માંડી. માળી ઉપર એક જ ધૂન સવાર થઈ ગઈ કે એક પણ પૈસો વાપર્યા વગર પહેલા બધા પૈસા બચાવીને સાતમો ઘડો ભરી દઈએ. ઘરમાં પહેલાં જેવું વાતાવરણ ન રહ્યું. કંજૂસાઈને કારણે પત્ની જોડે પણ ઝઘડા થવા લાગ્યા. એક દિવસ રાજાએ કહ્યું, ‘માળી તું પરેશાન રહે છે, કામમાં પણ ધ્યાન નથી.’ માળીએ રાજાને સાચું જણાવી દીધું કે ‘મને યક્ષે સાત ઘડા આપ્યા છે. છ ઘડા સોનામહોરોથી ભરેલા છે પણ સાતમો ઘડો આખો ભરેલો નથી અને ભરાતો પણ નથી.’
રાજાએ હસતા હસતા કહ્યું, ‘અરે તું તારા જીવનની પરેશાની તારી જાતે લઈ આવ્યો છે. આ સાતે સાત ઘડા યક્ષને પાછા આપી દે. આ સાતમો ઘડોએ આપણા મનના લોભ અને લાલચ છે એ ક્યારેય ભરાશે નહીં અને ક્યારેય તેને તું ભરી નહીં શકે અને એથી ક્યારેય તારા જીવનમાં ખુશી નહીં આવે.’ માળીએ તરત જ જઈને સાતે સાત ઘડા યક્ષને ફરીથી પાછા આપી દીધા. તેના જીવનમાં ખોવાયેલી ખુશીઓ ફરી આવી ગઈ. યાદ રાખો આ સાતમો ઘડો જે લોભ અને લાલચનું પરિણામ, લાલચનું પ્રતીક છે તેને ક્યારેય ઘરમાં લાવતા નહીં, મનમાં લાવતા નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે