SURAT

વેડરોડના પંડોળમાં સાતથી આઠ ઈસમોએ ચપ્પુ લઈ યુવકો પર હુમલો કર્યો, બેના મોત

સુરત: વેડરોડ પંડોળ વિસ્તારમાં આજે મળસ્કે સાતથી આઠ જણાના ટોળાએ ચપ્પુ સહિતના તીક્ષ્ણ હથિયારો લઈ હુમલો કરતા બે ઈસમોના મોત નિપજ્યા છે, જ્યારે 4 જણા ગંભીર રીતે ઈજા પામ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હિંસક હત્યાની ઘટનામાં ચોક બજાર પોલીસે તપાસ શરૂ કરી છે.

જુના ઝઘડાની અદાવતમાં ફરી થયેલા ઝઘડામાં ચાર શ્રમજીવી ઉપર ચપ્પુ વડે હુમલો કરતા બે ના મોત નીપજ્યા હતા. ડબલ મર્ડરની ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને હુમલો કરનાર ચારની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચોકબજાર વિસ્તારમાં આવેલા પંડોળ ખાતે પરપ્રાંતીય શ્રમજીવીઓ રહે છે. તેમની વચ્ચે અઠવાડીયા અગાઉ ઝઘડો થયો હતો. તે ઝઘડાની અદાવતમાં આજે મળસ્કે મનોજ, પરવલ્લી, રાજુ અને કૈલાશ ઉપર 7થી8 જણાના ટોળાએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં રાજુ અને કૈલાશનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 4 જણાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળસ્કે પંડોળ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની હોવાની જાણ થતાં ચોકબજા૨ પી.આઈ. એમ.બી. ઓસુરા સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતક રાજુ અને કૈલાશની લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી હત્યારાઓને ઝડપી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી હતી. વધુમાં મળતી માહિતી મુજબ આ કેસમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં ચાર જણાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જ્યારે અન્ય આરોપીઓના નામ પણ ખુલી જતા તેમને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

ડબલ મર્ડર કેસની અદાવતમાં પાંડેસરામાં એક પર હુમલો
સુરત: પાંડેસરા ખાતે વર્ષ અગાઉ થયેલ ડબલ મર્ડર કેસની અદાવતમાં હત્યારાઓને મદદ કરનાર યુવક ઉપર ત્રણ મિત્રોએ ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. પાંડેસરા મિલન પોઇન્ટ પાસે ત્રિપ્તી નગર શાહી અપાર્ટમેન્ટમાં રહેતા દીનકર અને પ્રકાશ ચોરસીયા એ પાંડેસરા પોલીસ સ્ટેશન શ્રવણ સોલંકી દીપક અને હિમાંશુ આ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ પાંડેસરા વિસ્તારમાં ભોલા અને પ્રભુને સોલંકીનો મર્ડર થયું હતું જેમાં દીનકર નું નામ આરોપી તરીકે સંકળાયેલું હતું. આ ડબલ મર્ડર કેસમાં હત્યારા આરોપી કિશન અને વિશાલની દીનકર ચોરસીયાએ મદદ કરી હતી જેથી ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ આ વાતની જૂની અદાવત રાખી હતી અને જય અંબે સોસાયટી કાલી માતાના મંદિર પાસે દીનકર ઉપર ચપ્પુ તથા લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે દીનકરની ફરિયાદ લઈ શ્રવણ સોલંકી, દીપક અને હિમાંશુ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Most Popular

To Top