એક દિવસ એક ગાર્ડનમાં બધા ભેગા થઈને અલકમલકની વાતો કરતા હતા.એક દાદા રોજ એક સરસ સમજવા જેવી વાત કરે અને એવી હળવી શૈલીમાં વાત કરે કે બધાને સમજાય જાય અને સાંભળવાની મજા પણ આવે.ધીરે ધીરે દાદાના મિત્રો જ નહિ; પણ ગાર્ડનમાં ચાલવા આવતા બીજા બધા લોકો પણ દાદાની વાત સાંભળવા ઉભા રહી જાય પછી તો સાંજે સાડા છ નો સમય એટલે દાદાની વાત નો સમય એમ નક્કી થઈ ગયું.ઘણા બધા લોકો સાંભળવા ઉભા રહેવા લાગ્યા.દાદા પોતાના જીવનના અનુભવના નીચોડમાંથી કોઈ ને કોઈ વાત ગોતી કાઢે અને બધાને કહે. બસ ઘડિયાળમાં છ ને વીસ થઇ હતી બધા દાદા જ્યાં બેસતા ત્યાં તેમની વાત સાંભળવા ભેગા થઇ ગયા હતા.
દાદાએ વાત શરુ કરી ….મારી અઢાર વર્ષની પૌત્રી વૈશુએ આજે સવારે મને પૂછ્યું, ‘દાદા, એક વાત પૂછું? દાદી તમને છોડીને ભગવાન પાસે ગયા.પપ્પા પાસે તમારી સાથે બેસવાનો સમય નથી છતાં તમે એકદમ ખુશ જ દેખાવ છો.દાદા, હંમેશા તમે કઈ રીતે ખુશ રહી શકો છો.મને તો ન ગમતું કઇંક થાય એટલે મારો તો સાવ મુડ ઓફ જ થઈ જાય,અને આખો દિવસ કઈ જ ગમે નહિ.’ મેં વૈશુને કહ્યું, ‘દીકરા આપની ખુશી આપણા હાથમાં છે.તમારી સ્ટાઇલમાં કહું તો મારી પાસે હંમેશા ખુશ રહેવા માટેની સાત ટીપ્સ છે.’વૈશુએ પૂછ્યું , ‘દાદા, એવી કઈ ટીપ્સ છે મને પણ કહો.’દાદા આગળ બોલ્યા, ‘સવારે જે વૈશુને કહી તે જ ટીપ્સ તમને કહું છું.’બધા ખુશ રહેવા માટેની સાત ટીપ્સ જાણવા આતુર બન્યા.
દાદા બોલ્યા, ‘જીવનમાં ખુશ રહેવા માટે હું તમને નાના નાના સાત વાક્ય કહીશ તેને સમજીને, તેવી રીતે જીવશો તો જીવનમાં ખુશી જ ખુશી મળશે.પહેલી ટીપ છે ‘બધાને પ્રેમ આપો ,ક્યારેય કોઈને નફરત ન કરો.’…બીજી ટીપ છે ‘જે થવાનું છે તે થઈને જ રહેશે માટે કયારેય કોઈ ચિંતા ન કરો.’ત્રીજી ટીપ છે ‘સરળતા અને સંતોષ હોય તો દુઃખી થવાતું જ નથી માટે હંમેશા સરળ જીવન જીવો’…ચોથી ટીપ છે ‘કોઈની પણ પાસેથી બહુ ઓછી અપેક્ષા રાખો, ન રાખો તો સૌથી સારું.’પાંચમી ટીપ છે. ‘કોઈનું કઈ લો નહિ, પણ આપો મન ભરીને…હંમેશા આપતા રહો.’છઠ્ઠી ટીપ છે, ‘જીવનમાં સંજોગો કોઇપણ હોય હંમેશા હસતા રહો.’અને સાતમી ટીપ છે, ‘સગાવહાલા અને સ્વજનો સાથે સબંધ સારા રાખો અને એથી પણ વધારે મહત્વનું હંમેશા ઈશ્વર સાથે જોડાયેલા રહો.રોજ તેને યાદ કરો અને તેને જે પણ આપ્યું છે તે માટે રોજ ઈશ્વરનો આભાર માનો.’ દાદાની આ ખુશી માટેની સાત ટીપણે લોકોએ તાળીઓથી વધાવી.દાદા બોલ્યા, ‘બસ જુઓ આ સાત નાના વાક્યો સમજીને જીવનમાં ઉતારી લેશો તો જીવનમાં ખુશી જ ખુશી મળશે.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.