National

વૈષ્ણોદેવી જતી બસની ટ્રક સાથે ટક્કર થતા સાતના મોત, 20 થી વધુ ઘાયલ

નવી દિલ્હી: હરિયાણાના (Haryana) અંબાલામાં ગુરુવારે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં અંબાલા-દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર એક મિની બસ (Mini Bus) અને ટ્રક (Truck) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં (Accident) સાત લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મળેલ વિગતો મુજબ ઘાયલોની સારવાર અંબાલા કેન્ટની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમજ આ અકસ્માત મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે અથડામણમાં વાહનોને ભારે નુકસાન થયું હતું. જે સાત લોકોના મોત થયા હતા તેમના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મૃત લોકોને બસમાથી બહાર કાઢવામાં પણ મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અથડામણને કારણે વાહનોને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણને કારણે ઘાયલો વાહનોની અંદર ફસાઈ ગયા હતા. રાહદારીઓએ મહામુશ્કેલીથી ઘાયલ લોકોને વાહનના કાટમાળમાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહદારીઓની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા.

ભક્તો વૈષ્ણોદેવી જઈ રહ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત અંબાલા-દિલ્હી નેશનલ હાઈવે પર થયો હતો. જ્યાં એક ટ્રાવેલર મિની બસ, ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ શ્રદ્ધાળુઓ જમ્મુના કટરા વૈષ્ણો દેવી જઈ રહ્યા હતા. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને ક્ષતિગ્રસ્ત વાહનોમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

ઘાયલોની ઓળખ
દુર્ઘટના સમયે ટ્રાવેલરમાં કુલ 27 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેઓ ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી કટરા વૈષ્ણો દેવીના દર્શન કરવા જઈ રહ્યા હતા. મૃતકોમાં છ મહિનાની બાળકી અને એક કપલનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ઓળખ બુલંદશહરના રહેવાસી 50 વર્ષીય રાજીન્દ્ર, 37 વર્ષની કવિતા, 15 વર્ષીય વંશ, 20 વર્ષીય સુમિત, 40 વર્ષીય સરોજ, જાખોલી, સોનીપત, 15 વર્ષીય નવીન, 50 વર્ષીય નવીન તરીકે થઈ છે. મુગલપુરી, દિલ્હીના રહેવાસી વૃદ્ધ લલતા પ્રસાદ, 42 વર્ષીય અનુરાધા, મુગલપુરી, બુલંદશહેરની રહેવાસી 23 વર્ષીય શિવાની, 23 વર્ષની શિવાની, 4 વર્ષનો પુત્ર આદર્શ, યુપીના ધનકૌર પાસે જમાલપુરની રહેવાસી ધીરજ ઘાયલ થયા છે.

અકસ્માતમાં આ લોકોનું મૃત્યુ થયું હતું
સોનીપતના જાખોલીના રહેવાસી વિનોદ (52), બુલંદશહેર કકૌર, યુપીના રહેવાસી મનોજ (42), હસનપુર, યુપીના વૃદ્ધ મહેર ચંદ, યુપીના કકૌરનો રહેવાસી 46 વર્ષીય સતબીર, છ મહિનાની બાળકી અને દંપતીનું મોત નિપજ્યુ હતુ.

ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો મોહરા નજીક સ્થિત આદેશ હોસ્પિટલમાં અને અંબાલા છાવણીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘાયલોમાં બે-ત્રણ લોકોની હાલત ગંભીર છે.

Most Popular

To Top