વડોદરા: શહેરના તરસાલી ધનિયાવી રોડ પાસેના સેવાતીર્થ આશ્રમ ખાતે વહેલી સવારે છત ધરાશાયી થઇ જતાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે પૈકી ગંભીર રીતે ઇજા પામેલી બે મહિલામાંથી એક મહિલાનું ટૂકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વડોદરા શહેરના છેવાડે આવેલા તરસાલી બાયપાસ પાસેના સેવાતીર્થ આશ્રમ આવેલો છે. જે આશ્રમ દ્વારા માનવ સેવાનું કામ કરવામાં આવે છે. આશ્રમમાં ગૌશાળા તેમજ માનસિક અસ્વસ્થ લોકોની પણ સેવા કરવામાં આવે છે. રવિવારના રોજ સવારે સાત વાગ્યાના સુમારે છત ધરાશાયી થઇ ગઈ હતી. દરમિયાન લોકને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા. ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ધડાકા સાથે છત તૂટી પડતા આસપાસ રહેતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત જયશ્રીબેન ઠક્કર અને ભદ્રાબેન જોશી તેમજ ઇલાબેન ઠક્કર ની સારવાર તબીબોએ શરૂ કરી હતી. જેમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત ભદ્રાબેન જોશીનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીગ્નેશ પટેલ તેમજ પોલીસ સ્ટાફના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા.
સેવાતીર્થના ટ્રસ્ટી પુરુષોત્તમ પંચાલનો લુલો બચાવ, કહ્યું સમારકામ ટૂંકમાં શરૂ કરવાનું હતું
સેવાતીર્થ આશ્રમ તરસાલીના ટ્રસ્ટી પુરૂષોત્તમ પંચાલે જણાવ્યું હતું કે આ ઘટના વહેલી સવારે 7 વાગ્યાના સુમારે બની હતી. જર્જરીત થઇ ગયેલી છતનુ સમારકામ આગામી ટૂંક સમયમાં શરૂ કરવાનું હતું. પરંતુ છતનુ સમારકામ શરૂ થાય તે પહેલાં આ દુર્ઘટના સર્જાઈ છે. આ બનાવમાં આશ્રમના ભદ્રાબેન જોષીનું મોત નિપજ્યું હતું.