Charchapatra

મતદારોને મફતમાં ચીજો સેવાઓની લહાણી બંધ કરવી જોઇએ

ચૂંટણી સમયે મતદારોના મત મેળવવા માટે રાજકીય પક્ષો દ્વારા જે મફતમાં ચીજો અને સેવાઓ આપવાનાં વચનોની લહાણી થાય છે એ સત્તામાં આવ્યા બાદ વચનોના પાલન કરવામાં એ જ પક્ષોને અને રાજયોને તે ભારે પડે છે. મફતમાં લહાણીનો ભાર રાજય કે દેશની તિજોરી પર પડે છે અને રાજયોની આર્થિક સ્થિતિ બગડે છે. તાજેતરમાં વડા પ્રધાને બોલાવેલી એક બેઠકમાં અધિકારીઓએ મફતમાં અપાતી ચીજો સેવાને કારણે અર્થતંત્ર તૂટી પડશે તેવી ચેતવણી આપી છે. હકીકતમાં દક્ષિણનાં રાજયોએ મફતની લહાણીની ટેવ પાડી છે અને હવે તેનો ચેપ સમગ્ર દેશમાં લાગ્યો છે. ઉત્તર પ્રદેશ અને બંગાળમાં પણ છૂટા હાથે લહાણી થઇ છે. તાજેતરમાં જ સીએનજીના અહેવાલમાં કેટલાંક રાજયોને એના વધતા દેવા સામે ચેતવણી આપવામાં આવી છે જેને ગંભીરતાપૂર્વક લક્ષમાં લઇ સરકારોએ મફતની લહાણી બંધ કરી અર્થતંત્રને મજબૂત કરવા માટે વિચારવું જોઇએ. તાજેતરની શ્રીલંકા જેવા દેશની આર્થિક અવદશા નજર સમક્ષ રાખવી જોઇએ. રાજકીય પક્ષો એ દેશની પ્રજાને મફતમાં ચીજો સેવાઓની લહાણી કરી આળસુ બનાવવાને બદલે ઉદ્યમી બનાવવી જોઇએ. ચીન જેવા દેશે તો લોટરી ઉપર પ્રતિબંધ મૂકેલો છે.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top