એક છોકરો નામ અમિત, બાળપણથી ભારતીય સેનામાં ભરતી થઈ દેશસેવા કરવાનું સપનું જોયું હતું. ગરીબ મા-બાપે બહુ મહેનત કરી ભણાવ્યો. સેનામાં ભરતી માટે ફોર્મ ભર્યું. પહેલા રાઉન્ડમાં સિલેકશન થયું પણ છેલ્લે તેને અમુક શારીરિક ખામીને કારણે સિલેક્ટ કરવામાં ન આવ્યો. અમિતનું સપનું તૂટી ગયું.તેને આત્મહત્યા કરવાનું મન થયું પણ પોતાના ગરીબ મા-બાપનો વિચાર કરી તેણે આવેશ કાબુમાં રાખ્યો. પરંતુ આ એક સપનું તૂટી જવાથી તેને જીવન જીવવામાં કોઈ રસ ન રહ્યો. ઘરની ગરીબાઈ દુર કરવા અને મા-બાપનો સહારો બનવા તેણે સરકારી નોકરી મેળવી. અમિત હવે સારું કમાતો હતો. ઘરની સ્થિતિ સુધરી હતી. પરંતુ અમિત હજી ખુશ ન હતો. તેના મનના ખૂણે બાળપણનું સેનામાં ભરતી થવાનું સ્વપ્ન તૂટ્યાનું દુઃખ હતું અને તે દુઃખ તેને શાંતિથી જીવવા દેતું ન હતું. તે હંમેશા નિરાશ દેખાતો. કોઈ જોડે બહુ વાત ન કરતો. ઓફિસથી ઘર અને ઘરથી ઓફીસ. ન કોઈ શોખ, ન કોઈ બહુ મિત્રો, ન ફરવા જવું.
માતા-પિતા લગ્ન માટે કહેતા પણ તે ટાળી દેતો. એક દિવસ તેની સાથે સેનામાં ભરતી થવાની ટ્રેનીંગમાં સાથે હતો તે મિત્ર રાઘવ તેને મળવા આવ્યો. અમિતને જોતાની સાથે જ રાઘવ તેને ખીજાવા લાગ્યો, ‘આ શું હાલ બનાવ્યા છે? રોજ દોડવા નથી જતો. વજન વધી ગયું છે. શું કામ આમ દુઃખી દુઃખી લાગે છે?’ અમિતથી પોતાના મનમાં ધરબી રાખેલું દુઃખ કહેવાય ગયું તે બોલ્યો, ‘દોસ્ત, મને જીવવામાં રસ જ નથી રહ્યો. સેનામાં ભરતી થઈ દેશ સેવા કરવી હતી પણ તે કરી ન શક્યો. આ જીવન કઈ જીવન છે. મા-બાપ માટે જીવું છું નહિ તો ક્યારની આત્મહત્યા કરી લીધી હોત.’ આટલું બોલી તે રડી પડ્યો. રાઘવે કહ્યું, ‘દોસ્ત, કેવી વાત કરે છે! સેનામાં ભરતી ન મળી એટલે શું કોઈ જીવન ટૂંકાવી દે? તારે દેશસેવા કરવી છે ને… તે તો તું આજે પણ કરી શકે એમ છે તેના માટે કઈ સેનામાં ભરતી થઈને સૈનિક બનવું જ જરૂરી નથી. ચલ મારી સાથે..’ રાઘવ, અમિતને લઈને એક શહીદ સૈનિકના ઘરે લઈ ગયો.
જ્યાં શહીદ યુવાન સૈનિકના વૃદ્ધ માતા પિતા રહેતા હતા તેમની સેવા કરવાવાળું, ધ્યાન રાખવાવાળું કોઈ ન હતું. બીજા એક ઘરમાં શહીદ સૈનિકની વિધવા પત્ની અને બે નાના નાના બાળકો હતા. પત્ની ભણેલી ન હોવાથી અને નાના બાળકો હોવાથી નોકરી કરી શકે તેમ ન હતી. જેમ તેમ તેના ભાઈની મદદથી ઘર ચાલતું હતું. ત્રીજા ઘરમાં તો પિતાજી શહીદ થયા અને તેના ગામમાં માતા પણ મૃત્યુ પામી બિચારા બે બાળકો અનાથ થઈ ગયા હતા. રાઘવે કહ્યું, ‘અમિત, તારે દેશસેવા જ કરવી છે તો દેશ માટે જીવ આપનાર સૈનિકોના પરિવારની મદદ કર. આ પણ દેશ સેવા જ છે.’ અમિતને મિત્રે દેશસેવા કરવાનો અનોખો રસ્તો દેખાડયો. અમિતને જીવનમાં એક લક્ષ્ય મળ્યું તેના માટે તે સતત કામ કરવા લાગ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે