કર્ણાટક: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. યુક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે. જે દરમિયાન રશિયાના ગોળીબારમાં આ વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે જાણકારી આપી કે, યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થીનું નામ નવીન શેખરઅપ્પા હતું. તે કર્ણાટકનો રહેવાસી હતો. નવીન ગવર્નર હાઉસ પાસે અન્ય કેટલાક લોકો સાથે ખાવા માટેની ચીજ-વસ્તુ લેવા માટે સ્ટોર પાસે ઊભો હતો, તે જ સમયે તે રશિયાના સૈનિકોના ગોળીબારની ઝપેટમાં આવી ગયો હતો.
- નવીનના મોત બાદ પિતાનો દર્દ સાથે આક્ષેપ
- કરોડો રૂપિયા આપો તો મળે છે મેડીકલમાં સીટ
- નવીનના 97 ટકા માર્ક છતાં ન મળી સીટ : પિતા
- મેડીકલ કોલેજનાં પ્રવેશમાં ભ્રષ્ટાચારનો લાગાવ્યો આરોપ
દીકરાના મોત બાદ પિતાનો આક્રોશ
રશિયન હવાઈ હુમલામાં યુક્રેનમાં જીવ ગુમાવનાર ભારતીય મેડિકલ સ્ટુડન્ટ નવીન શેખરપ્પાના પિતાએ પોતાની આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ દર્દ સાથે ગુસ્સામાં આવી આરોપ લગાવ્યો કે સારા માર્કસ હોવા છતાં તે રાજ્યમાં એક પણ મેડિકલ સીટ મળી નહિ. નવીનના પિતાએ કહ્યું કે અહીં મેડિકલ સીટ માટે કરોડો રૂપિયા ચૂકવવા પડે છે. પીયુસીમાં 97 ટકા માર્ક્સ મેળવ્યા બાદ પણ તેને રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં સીટ ન મળી. અંતે તેને યુક્રેનનો અભ્યાસ કરવા મોકલવામાં આવ્યો હતો. તેઓએ મેડિકલ કોલેજના પ્રવેશમાં ચાલી ભ્રષ્ટાચારની તપાસ કરવા પણ વિનંતી કરી હતી. જો કે મંગળવારે, રશિયાએ હવાઈ હુમલામાં ખાર્કિવ હેડક્વાર્ટરને ઉડાવી દીધું હતું. આ દરમિયાન એરસ્ટ્રાઈકમાં નવીન મોતને ભેટ્યો હતો.
મહિલાએ ફોન ઉઠાવી આપી મોતની ખબર
નવીન ચલણ બદલાવવા અને ભોજન લાવવા બંકરમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે તે બોંબમારાની ચપેટમાં આવી ગયો હતો જેમાં તેનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. આ હુમલાના તુરંત બાદ યુક્રેનની એક મહિલાએ નવીનનો ફોન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ ફોનના માલિકનું મૃત્યુ થયું છે. નવીન ગવર્નરના ઘરની પાસે રહેતો હતો અને ભોજન માટે લાઈનમાં ઊભો હતો તે સમયે ગવર્નરના નિવાસ સ્થાન પર બોંબમારો થયો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ દુ:ખદ સમાચારથી ચાલાગેરીથી ખાર્કિવમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને આંચકો લાગ્યો હતો. તેમણે વડા પ્રધાન મોદીને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને રશિયન સીમા મારફતે પાછા લાવવામાં આવે જે ખાર્કિવની બહુ જ નજીક છે. એક વિદ્યાર્થીનાં પિતાએ કહ્યું હતું કે ‘મારો પુત્ર અને અન્ય એક બંકરમાં છે, તેમનું કહેવું છે કે તેમને પરત લાવવામાં આવશે ત્યારે જ તેઓ બચી શકશે નહીંતર તે તમામ માર્યા જશે. આપણા વડા પ્રધાન બંને દેશો સાથે વાતચીત કરી જ્યાં સુધી અમારા બાળકો પાછા ન આવે ત્યાં સુધી યુદ્ધવિરામ કરવાની ખાતરી કરે.
પ્રધાનમંત્રી મોદીએ નવીનના પિતા સાથે કરી વાત
નવીન શેખરપ્પા યુક્રેનમાં તે આર્કિટેકટોરા બેકાટોવામાં રહેતો હતો. તે ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હુમલામાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. મૃત્યુની માહિતી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પિતા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે આ દુઃખની ઘડીમાં પરિવારને સાંત્વના પાઠવી હતી. અગાઉ, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતોને ભારતીય નાગરિકો માટે તાત્કાલિક સલામત માર્ગ મેળવવાની વિનંતી કરી રહ્યા છે. ભારતમાં ચેક રિપબ્લિકના રાજદૂત રોમન મસારીકે કહ્યું કે નિર્દોષ લોકોની હત્યા બંધ થવી જોઈએ. વાતચીત ફરી શરૂ થવી જોઈએ.