મુંબઈ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં પગલે વિશ્વના અર્થ તંત્રને પહોચી . કોરોનાની મહામારી બાદ યુદ્ધનાં પગલે દુનિયાભરમાં સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે. ખાસ કરીને ક્રુડ ઓઇલના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં 70 ટકા જેટલો ઉછળી ગયો છે, તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર ઉપર જોવા મળી રહી છે અને મોંઘવારી દર ઝડપી વધી રહ્યો છે. કરન્સી બજારમાં ગત સપ્તાહના અંતિમ દિવસે રૂપિયો તૂટીને 76ને પાર નીકળી ગયો છે. ત્યારે આ અઠવાડિયાની શરૂઆત સાથે જ ડોલર સામે રૂપિયો ફરી એકવાર નબળો પડી રહ્યો છે. ડોલરનાં ભાવ રૂપિયા સામે 77 થઇ ગયો છે. તો યુદ્ધનાં કારણે વિશ્વભરના શેરબજારો ગંભીર ડાઉનટ્રેન્ડમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતીય બજારો પણ વેચાણના આ વલણથી અછૂત નથી અને સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1750 અંક ઘટી 52,580 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 447 પોઇન્ટ ઘટી 15,797 પર કારોબાર કરી રહ્યો છે.
ટાટા મોટર્સનો શેર આજે રૂ. 400ની નીચે ખૂલ્યો હતો અને લગભગ 5.5 ટકાના ઘટાડા સાથે રૂ. 395 પર ટ્રેડ કરી રહ્યો હતો. પ્રી-ઓપનથી જ લાગતું હતું કે આજે ફરીથી માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળશે. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 1100 પોઈન્ટથી થોડો નીચે હતો. બજાર ખુલતાની સાથે જ તે 1200 પોઈન્ટથી વધુ તૂટ્યું. થોડીવારમાં તે ઘટીને લગભગ 1,450 પોઈન્ટ પર આવી ગયો. બાદમાં તેમાં થોડી રિકવરી આવી અને સવારે 09:20 વાગ્યે સેન્સેક્સ લગભગ 1,375 પોઈન્ટ ઘટીને 53 હજાર પોઈન્ટથી ઓછા થઈ ગયો હતો. એ જ રીતે NSE નિફ્ટી લગભગ 400 પોઈન્ટના ઘટાડા સાથે 15,850 પોઈન્ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આ પહેલા ગત સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સ્થાનિક બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ લગભગ 769 પોઈન્ટ (1.4 ટકા) ઘટીને 54,333 પોઈન્ટ પર હતો. નિફ્ટી પણ 1.53 ટકા ઘટીને 16,245 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
યુરોપમાં ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારી દર સૌથી વધુ
ગુરુવારે દિવસનો વેપાર પૂરો થયા બાદ સેન્સેક્સ 366.22 પોઈન્ટ (0.66 ટકા) ઘટીને 55,102.68 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. NSEનો નિફ્ટી પણ 107.90 પોઈન્ટ (0.65 ટકા) ઘટીને 16,498.05 પર બંધ થયો હતો. બુધવારે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે એક સમયે 1000થી વધુ પોઈન્ટના ઘટાડા બાદ સેન્સેક્સ આખરે 778.38 પોઈન્ટ (1.38 ટકા)ના ઘટાડા સાથે 55,468.90 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 187.95 પોઈન્ટ (1.12 ટકા)ના ઘટાડા સાથે 16,605.95 પર બંધ રહ્યો હતો. મંગળવારે મહાશિવરાત્રિ નિમિત્તે બજારમાં કારોબાર થયો ન હતો જ્યારે સોમવારે ભારે ઉથલપાથલ બાદ બજારમાં થોડો વધારો જોવા મળ્યો હતો. યુરોપમાં ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારી દર વધીને વિક્રમી 5.8 ટકા પર પહોંચી ગયો છે. સતત ચોથા મહિને વિક્રમી સપાટીએ મોંઘવારી દર જોવાયો છે. જે 19 દેશોમાં ચાલી રહેલા યુરોમાં ઉપભોક્તા મુલ્યમાં વાર્ષિક ધોરણે 5.8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જેના લીધે વપરાશ કર્તાની સાથે સેન્ટ્રલ બેન્ક પણ પરેશાન છે.
૨૦ દેશોમાં મોંઘવારીનો દર 10 ટકાથી ઉપર
કોરોના કાળ દરમ્યાન વિશ્વભરમાં ઉભી થયેલી પરિસ્થિતિ સામે ઝઝૂમવા માટે લીધેલા પગલાં બાદ સમગ્ર દુનિયામાં વધતી જતી મોંઘવારી દરથી પરેશાન છે. કોરોના કાળમાંથી ધીમે ધીમે સમગ્ર વિશ્વ બહાર નીકળી રહ્યું છે, પરંતુ મોંઘવારી દર જે ઝડપે વધી રહ્યો છે, તેને નિયંત્રણમાં લાવવા માટે હજુય કોઇ દેશ સફળ થયો નથી. જેમાં અમેરિકાનો મોંઘવારી દર 39 વર્ષના ઉપલા સ્તરે જોવા મળી રહ્યો છે. યુરોપિયન દેશોમાં 1997ની સ્થિતિની ઉપર મોંઘવારી દર ચાલી રહ્યો છે. દુનિયાના 20 દેશોમાં મોંઘવારી દર 10 ટકાની ઉપર ચાલી રહ્યો છે. આ દરમ્યાન યુક્રેન-રશિયા વચ્ચે તણાવ અને મીલીટ્રી ઓપરેશન શરૂ થતાં મોંઘવારી દર ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યો છે, તે વધુ એક ચિંતાનું કારણ બની રહ્યું છે. આ સ્થિતિના પગલે વૈશ્વિક અર્થતંત્રોનો વિકાસ ધીમો પડી શકે તેવું લાગી રહ્યું છે. આઇએમએફના આંકડા જોઇએ તો 2021ના આંકડાઓમાં દુનિયાભારના 20 દેશોમાં મોંઘવારી દર 10 ટકાની ઉપર પહોંચી ગયો છે. જે પહેલાં 2020માં આ મોંઘવારી દરની રેખામાં 18 દેશો હતા, જે 2019માં માત્ર 13 દેશો હતા, જે 10 ટકાથી વધુ મોંઘવારી દર ધરાવતા હતા.
ફેડરેટનો માર્ચથી જ વધારો થશે
ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો કોરોના અને હાલના યુક્રેન-રશિયા તંગદીલીથી વધુ એક મુઠ માર વાગ્યો છે, જેથી, ભારતીય અર્થતંત્ર રીકવરીની ગાડી પાટે ચઢી રહી હતી, તેમાં વધુ એક ઝટકો વાગ્યો છે અને પાટેથી ઉતરી જવાની સ્થિતિ દેખાઇ રહી છે. આની સાથે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા માર્ચની ફેડરલ રિઝર્વ બેઠકમાં વ્યાજદરમાં વધારો કરશે, તે નિશ્ચિત છે, પરંતુ 50 બેસીસ પોઇન્ટ કે એક રૂપિયાનો ફેડરેટમાં વધારો થશે તેવી ચર્ચા ઉપર પુર્ણવિરામ મુકાઇ ગયું છે. ગઇકાલે અમેરિકાની સાસંદમાં ફેડરલ રિઝર્વના ચેરપર્સન પોવેલે સ્પષ્ટતા કરી હતી કે, ફેડરેટનો માર્ચથી જ વધારો થશે પરંતુ તે 25 બેસીસ પોઇન્ટનો વધારો થશે. જે રાહતના સંકેત છે.
રૂપિયાને નબળો પડતા અટકાવવા રિઝર્વ બેન્કે એગ્રેસીવ થવું પડશે
જોકે, અમેરિકાના વ્યાજદરની પાછળ ભારત પણ વ્યાજદર વધારશે. એક અંદાજે હજુય એક કવાર્ટરમા ભારતીય રિઝર્વ બેન્ક વ્યાજદર વધારશે નહિં, તેવી ચર્ચા ચાલી રહી છે, પરંતુ એપ્રિલમાં રિઝર્વ બેન્ક વ્યાજદર વધારશે, તેવું માનવામાં આવી રહ્યું છે. કેમ કે, રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદીલીના લીધે ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવો ૧૪૦ ડોલર થઇ ગયો ગયા છે. જે ક્રુડના આયાતી દેશ એવા ભારતીય અર્થતંત્ર માટે ખૂબજ માઠા સમાચાર બન્યા છે. આમ, ક્રુડ ઓઇલ અતિશય ઉછળી જતાં મોંઘવારી દર ખૂબ જ ઝડપી વધશે, જેના લીધે મોંઘવારી દરને કાબુમાં લેવા વ્યાજદર વધારવા ખૂબ જ જરૂરી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતાં ડોલરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને વિશ્વની કરન્સીઓ ઘટી રહી છે, જેમાં ભારતીય રૂપિયાનો પણ સમાવેશ થાય છે. જેના લીધે આવનારા સપ્તાહની અંદર ભારતીય રૂપિયો ડોલરની સામે તૂટીને 77ને પાર થઇ ગયો છે. રૂપિયાને નબળો પડતા તેન વધુ તૂટતો અટકાવવા માટે ભારતીય રિઝર્વ બેન્કે એગ્રેસીવ થવું પડશે અને રિઝર્વ બેન્ક પાસેના ડોલરને વેચવાની ફરજ પડશે. જેના લીધે ડોલરની સામે વધુ રૂપિયો તૂટે નહિં.