ગાંધીનગર : ગાંધીનગરમાં સચિવાલયમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ મંત્રીઓ અને અધિકારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેના પગલે સચિવાલયમાં રીતસરનો ફફટાડ ભર્યો માહોલ સર્જાયો છે. રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા કોરોનાની ઝપટમાં આવી જતાં તેમને યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટમાં દાખલ કરાયા છે. બીજી તરફ પૂર્વ શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજા પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
સચિવાલય(SECRETARIAT)માં ગૃહ વિભાગમાં બજેટ શાખામાં ફરજ બજાવતા સેકશન અધિકારી (SECTION OFFICER) અતુલ વખારિયાનું નિધન થતાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુનાર પણ કોરોના(CORONA)ની ઝપટમાં આવી જતાં તેમને યુએન મહેતા ઇન્સિટટ્યુટમાં દાખલ કરાયા છે. આજે સામાન્ય વહીવટ વિભાગ (CORPORATE DEPARTMENT) દ્વારા મહત્વનો આદેશ બહાર બહાર પાડીને ગૃહ વિભાગનો હવાલો નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને તેમજ મહેસુલ વિભાગનો વધારનો હવાલો શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરીને આપવામાં આવ્યો છે. સીએમ કાર્યાલય(CM OFFICE)માં પણ નાયબ માહિતી નિયામક ઉદય વૈષ્ણવને પણ કોરોનાની અસર થઈ છે. ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોનાની અસરમાં આવી ગયા છે. સીએમ સીકયુરિટી સંભાળતા સલામતી અધિકારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો તાંડવ વધતા અમદાવાદમાં સ્થિતિ દિવસે દિવસે ગંભીર બની રહી છે. રોજેરોજ નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 3000 કરતાં વધુ કેસો જ્યારે અમદાવાદમાં 900થી વધુ કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે મનપા દ્વારા 18 જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરી છે. ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે અને રાજ્યમાં દરરોજ 3000 કરતા પણ વધુ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં કોરોના વાયરસથી પોઝિટિવ કેસોનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે.
અમદાવાદમાં વણસી ગયેલી આ સ્થિતિમાં શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે. જેના પગલે અમદાવાદ મનપા દ્વારા શહેરી 18 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મનપા કમિશનરે જણાવ્યું હતુ કે કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી 18 ખાનગી હોસ્પિટલમાં 1219 બેડ વધારવામાં આવ્યા છે.
અમદાવાદ મનપા દ્વારા જાહેર કરેલી 18 કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં ઝાયડ્સ હોસ્પિટલ થલતેજમાં 275 બેડ, કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણવદેવી 150 બેડ, સ્ટર્લિંગ હોસ્પિટલ, મેમનગર 156 બેડ, નારાયણા હોસ્પિટલ, રખિયાલમાં 150 બેડ, સેવિયર હોસ્પિટલ, નવરંગપુરામાં 55 બેડ, પારેખ હોસ્પિટલ સેટેલાઇટમાં 25 બેડ, એશિયન બેરીયટિક બોડકદેવમાં 50 બેડ, સિંધુ હોસ્પિટલ કુબેરનગરમાં 50 બેડ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ મણિનગરમાં 50 બેડ, પુખરાજ હોસ્પિટલ સાબરમતીમાં 37 બેડ, એવરોન હોસ્પિટલ નારણપુરામાં 32 બેડ, કર્ણાવતી હોસ્પિટલ એલિસબ્રિજમાં 29 બેડ, દેવસ્ય હોસ્પિટલ નવાવાડજમાં 25 બેડ, લોખંડવાલા હોસ્પિટલ પ્રેમ દરવાજામાં 25 બેડ, એપોલો પ્રાઈમ બાપુનગરમાં 35 બેડ, કર્મદીપ હોસ્પિટલ બાપુનગરમાં 25 બેડ, સેટેલાઇટ હોસ્પિટલ સેટેલાઇટમાં 25 બેડ અને ચૌધરી હોસ્પિટલ સૈજપુરમાં 25 બેડ ઉભા કરવામાં આવ્યાં છે.