સુરત: વિવાદનો પર્યાય બનેલી સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) ફરીથી વિવાદમાં (Controversy) આવી છે. આ વખતે ઓર્થોપેડિક (Orthopedic) વિભાગના સિનિયર ડોક્ટરે જુનિયર ડોક્ટરને લોબીમાં (Doctors Fight) માર માર્યો હતો. જુનિયર ડોક્ટર પોતાને બચાવવા ભાગતો હતો અને સિનિયર ડોક્ટર તેનો પીછો કરીને માર મારતો હતો. આ ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના સ્મીમેર હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ સ્મીમેરના ઉચ્ચ અધિકારીઓ અને તબીબો આ બાબતે વધુ કાંઈ કહેવા તૈયાર નથી.
મંગળવાર-બુધવારની મધ્ય રાત્રિ બાદ સ્મીમેર હોસ્પિટલના ત્રીજા માળના પેસેજમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર ડોક્ટર જુનિયર ડોક્ટરને એલફેલ બોલીને તેને માર મારતો હતો. ત્યારે જુનિયર ડોક્ટર જીવ બચાવી ભાગવા લાગ્યો હતો. જુનિયર ડોક્ટર બૂમાબૂમ કરતો હતો.
આખી ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી. તેમાં જુનિયર ડોક્ટર સિનિયર ડોક્ટરની માફી માંગતો હોય એવું પણ જણાઈ રહ્યું છે. જુનિયર ડોક્ટરે બૂમાબૂમ કરી ત્યારે અન્ય સ્ટાફ અને માર્શલ દોડી આવ્યા હતા. ત્યાર બાદ સિનિયર ડોક્ટરે જુનિયરને જવા દીધો હતો. ત્યારે પણ બધાની વચ્ચે સિનિયર ડોક્ટરે અપશબ્દો કહ્યા હતા.
આ બાબતે ડીન અને સુપરિન્ટેન્ડેન્ટને બીજા દિવસે પણ જાણ કરાઈ ન હતી. ડીન ડો.દીપલ હોવલેએ જણાવ્યું હતું કે, આ ઘટના વિશે માહિતી મળી છે. પરંતુ હજી સુધી કોઈએ ફરિયાદ આપી નથી. લેખિતમાં કોઈ ફરિયાદ આપે એ બાદ જ આ બાબતે કાંઈ કહી શકાશે અને તપાસ કરીને પગલાં પણ લઈ શકાશે.
સ્મીમેરમાં વિદેશી વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ અપાશે
સુરત : સુરત મનપા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં વિદેશમાંથી એમબીબીએસ અભ્યાસક્રમ પાસ કરી ઇન્ટર્નશિપ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક રૂ. ૧ લાખ ઇન્ટર્નશિપïï ફી વસૂલાતી હતી. ઉપરાંત અત્યાર સુધી સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું ન હતું પરંતુ હવે નેશનલ મેડિકલ કમિશનના નવા નિયમને કારણે મનપાએ હવે ફોરેન મેડિકલ વિદ્યાર્થીઓને 1 લાખની ઇન્ટર્નશિપ ફીમાંથી મુક્તિ આપવાની રહેશે. એટલું જ નહીં, અને દેશના વિદ્યાર્થીઓને અપાય છે તેમ નિયમ મુજબ રૂપિયા 18500નું સ્ટાઈપેન્ડ પણ ચૂકવવું પડશે. જેના કારણે મનપા પર આર્થિક બોજ વધશે. મનપાની સ્થાયી સમિતી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.