વડોદરા : વડોદરા શહેરમાં શનિવારે ચૈત્ર નવરાત્રીના પ્રારંભ સાથે ચેટીચંદ ગુડીપડવાની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી થશે.તે પૂર્વે ભાજપ કાઉન્સિલર વચ્ચેનો આંતરિક વિવાદ સપાટી પર આવવા પામ્યો હતો.શહેરના ઈલેક્શન વોર્ડ નં 6ના વારસિયા લાલ અખાડા વિસ્તારમાં તહેવારોની શુભેચ્છા પાઠવવા લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગ્સમાં મહિલા કાઉન્સિલરના ફોટાની બાદબાકી થતા આ બાબત ચર્ચાને એરણે ચઢી હતી. શિસ્તની કહેવાતી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં કાઉન્સિલર- કાઉન્સિલર વચ્ચેનો આંતરિક વિવાદ એક જાહેરાતના હોર્ડિંગ પરથી ફલિત તેમ છે.સમગ્ર રાજ્ય સહિત સંસ્કારી તેમજ ઉત્સવપ્રિય નગરી વડોદરામાં આજે ચૈત્ર નવરાત્રીના પ્રારંભેથી ગુડી પડવા અને ચેટીચંદની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવશે.
જેને અનુલક્ષીને પોતાના મતવિસ્તારના મતદારોને આ તહેવારોની શુભકામના પાઠવવા માટે વડોદરા મહાનગર પાલિકાના ઈલેક્શન વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ વારસિયા લાલઅખાડા વિસ્તાર સ્થિત સાંઈબાબાના મંદિર પાસે વિસ્તારના ભાજપના કાઉન્સિલર હીરાભાઈ કાંજવાણી ,ડો.શીતલ મિસ્ત્રી,જયશ્રીબેન સોલંકી અને ભાજપ શહેર મંત્રી કોમલબેન કુકરેજાના ફોટા સાથેનું તહેવારોની શુભકામના પાઠવતું હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે.તહેવારો હોઈ પોતાના મતદારોને વિવિધ તહેવારોની શુભકામના આપવી સારી બાબત છે.પરંતુ વોર્ડ 6 ના ભાજપના ત્રણ કાઉન્સિલરના ફોટા સાથે શહેર મંત્રીનો ફોટો અને તેમાંય સ્થાનિક મહિલા કાઉન્સિલર હેમિષાબેન ઠક્કરના ફોટાની બાદબાકી કરવામાં આવતા રાજકીય મોરચે અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.જોકે આ મામલે ગુજરાત મિત્ર દ્વારા ચાર કાઉન્સિલરમાં ડો શીતલ મિસ્ત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
પરંતુ સતત તેમના મોબાઈલની રિંગ રણકતી રહી હતી.તેઓએ ફોન રિસીવ નહીં કરતા આ મામલે કોઇ વાતચીત થઈ શકી ન હતી.જ્યારે વિસ્તારમાં કાર્યરત એવા હેમિષાબેન ઠક્કર સાથે વાતચીત થતા તેઓએ આ મામલે હોર્ડિંગમાં ભૂલથી તેમનો ફોટો મુકવાનો રહી ગયો હશે તેમ જણાવી આ મામલે ઢાંક પીછોડો કર્યો હતો.જ્યારે બીજી તરફ સંજયનગર આવસ મામલે અગાઉ વોર્ડ 6 ના કાઉન્સિલરો વચ્ચે થયેલ શાબ્દિક ટપાટપીને કારણે મહિલા કાઉન્સિલરના નામની અને તેમના ફોટાની આ હોર્ડિંગ્સ માંથી બાદબાકી કરવામાં આવી હોવાનું લાલ અખાડા વિસ્તારના સૂત્રોએ જણાવ્યું હતું.હાલ આગામી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે.તે વચ્ચે શહેરના ઈલેક્શન વોર્ડ નંબર 6 માં શુભકામના પાઠવતા હોર્ડિંગ માંથી ભાજપના મહિલા કાઉન્સિલરની બાદબાકી થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.