Gujarat

લેકટર ઓફિસમાં નાણા લેવાતા હોય તો મને વીડિયો મોકલો : મહેસુલ મંત્રી

મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શી વહિવટમાં માને છે અને જ્યારે પણ ખોટું થતું હોય કે પછી જનસેવા માટે કોઇ કચેરીમાં નાણાં લેવાતા હોય તો તે પ્રક્રિયાનો વીડિયો ઉતારીને તેમના કાર્યાલય પર મોકલવામાં આવે જેથી કરીને તરત જ કાર્યવાહી કરી શકાય. અમે કોઈપણ વ્યક્તિને બક્ષવા માંગતા નથી. ક્યાંય પણ ખોટું થતું હશે તો અમે ચલાવી લેશું નહીં. આ માટે નાગરિકો અને મીડિયા કર્મીઓને પણ સહયોગ આપવા અપીલ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં પ્રવાસે ગયેલા રાજ્યના તમામ નાગરિકો સલામત છે અને ગુજરાત સરકાર ત્યાંની સરકાર સાથે સતત સંપર્કમાં છે. તે પ્રવાસીઓને પરત લાવવા માટે તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પડશે એટલે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી.

તેમણે કહ્યું હતું કે, સ્થાનિક કક્ષાએ કલેકટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે અત્રેથી એક ટીમ બનાવવામાં આવશે જે કોઈપણ જિલ્લામાં જઈને આકસ્મિક તપાસ કરશે. આ ટીમો આકસ્મિક તપાસ કરીને જિલ્લાના કેટલા કેસો પડતર છે અને કયા સુધીમાં તેનો નિકાલ થશે તે સહિતની ચકાસણી હાથ ધરશે.

તેમણે કહ્યું કે મહેસુલી સેવાઓમાં જે ફરિયાદો અત્રે મળે છે એનો ત્વરીત નિકાલ થાય અને લોકોને ઝડપથી સેવાઓ મળી રહે એ માટે સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરશે. તેમાં જે અધિકારી-કર્મચારીઓ હશે અને એમના કારણે કોઇ ક્ષતિ જણાતી હશે તો તેમની સામે પણ વિભાગીય પગલા લેવાશે.

Most Popular

To Top