સુરતઃ પનીર, બટર બાદ સુરતમાં હવે સુમુલ બ્રાન્ડના શુદ્ધ ઘીના પાઉચમાં નકલી હલકી ગુણવત્તાનું ઘી ભરી વેચાણ થતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે સુમુલના પાઉચમાં નકલી ઘી વેચતા એક ઈસમની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 6 ઓગસ્ટે ડભોલીમાં ગોગા મહારાજ મંદિરની પાસે આવેલા હેની આર્કેટ કોમ્પલેક્સમાં શ્રી હરી માર્ટ શોપમાંથી એક ઈસમને પોલીસે પકડ્યો છે. આ ઈસમ પાસેથી સુમુલ દુધ ઉત્પાદક મંડળી તથા અન્ય કોઈ લાયસન્સ વિના સુમુલ શુદ્ધ ઘીના 1 લિટરના કુલ 7 પાઉચ તથા 500 મિ.લી.ના 8 પાઉચ એમ કુલ 15 પાઉચ મળ્યા હતા, જેની કિંમત 6820 રૂપિયા થાય છે.
આ ઈસમે સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચ જેવા આબેહુબ દેખાતા ડુપ્લીકેટ પાઉચ બનાવ્યા હતા, જેમાં તે ડુપ્લીકેટ ઘી ભરતો હતો. ત્યાર બાદ ગ્રાહકોને સુમુલ શુદ્ધ ઘીના પાઉચના નામે વેચતો હતો.
આ મામલે ધ્યાન જતા સુમુલ ડેરીના દિપેશ ચંપકલાલ ભટ્ટે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ હક્કના ભંગ હેઠળ કાર્યવાહી કરી એક ઈસમ લલિત ઘનશ્યામ ઈટાલીયા (ઉં.વ. 38, રહે 502, શુકન શ્રી હાઈટ્સ જહાંગીરપુરા, ડભોલી બ્રિજ પાસે, ડભોલી)ને ઝડપી પાડ્યો છે, જ્યારે પ્રતિક કનુભાઈ ઠક્કરને વોન્ટેડ જાહેર કર્યો છે.