દરેક યુગની પોતાની આગવી સમસ્યાઓ હોય છે. માનવજાતની ઉત્ક્રાંતિ થઈ ગયા પછી માનવજીવનમાં સંસ્કૃતિનો આરંભ થયો ત્યાર પછી એ સતત વિકસતો રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની શોધ પછી તેનું જીવન સમૂળગું બદલાઈ ગયું છે અને હજી એ સતત બદલાઈ રહ્યું છે. માનવપ્રકૃતિ એવી છે કે એક તરફ એકવિધતાથી એ કંટાળે, તો બીજી તરફ નવીન બાબતનો ઝટ સ્વીકાર કરતાં પણ ખંચકાય. ટેક્નોલોજીના આગમન પછી અને ખાસ તો ટેક્નોલોજીના પરિવર્તનની ઝડપ વધ્યા પછી અનેક ફણગાં એમાંથી ફૂટે છે. એ સારાં કે નરસાં હોવાના પ્રમાણભાનની ખબર પડે એ પહેલાં તો ટેક્નોલોજી બદલાઈ જાય છે. ટેક્નોલોજી સાથે સંકળાયેલી આવી એક સમસ્યાનું નામ છે ‘સેલ્ફી’.
મોબાઈલ ફોનના આગમનને પગલે તેમાં અનેકવિધ સુવિધાઓ અનિવાર્યપણે આવતી થઈ, જેમાં કેમેરા લગભગ આવશ્યક બની ગયો. આ કેમેરાનો લૅન્સ સરળતાથી આગળ-પાછળ ફરી શકતો હોવાથી સ્વછબિ ખેંચવી અત્યંત સુગમ બની ગઈ. 2002માં એક નેથન હોપ નામના એક ઓસ્ટ્રેલિયને પોતે ખેંચેલી પોતાની છબિ માટે ‘સેલ્ફી’ શબ્દનો પહેલી વાર પ્રયોગ કર્યો. આ સુવિધા અને આ શબ્દ જાણે કે મોબાઈલ ફોન દ્વારા આવેલી ક્રાંતિ અને તેના ઉપયોગના અતિરેકના પ્રતીક સમો બની રહ્યો.
કોઈ પણ નવી ટેક્નોલોજી આવે એટલે તેને ઝડપથી અપનાવી લેવા બાબતે યુવાઓને અવિવેકી ગણીને તેમની મજાક ઉડાવાય એમ બનતું આવ્યું છે, પણ ‘સેલ્ફી’ની ઘેલછાએ ઉંમરના બાધને પાછળ મૂકી દીધો છે. થોડા સમય અગાઉ થયેલા એક અભ્યાસમાં ‘સેલ્ફી’ લેવા જતાં થયેલાં મૃતકોની સંખ્યા ભારતમાં સૌથી વધુ હોવાનું જણાયું હતું. મૃત્યુના કારણ તરીકે ‘સેલ્ફી’ હોય એ વાત જ કેટલી વિચિત્ર કહેવાય! આમ છતાં, ‘સેલ્ફી’ લેવા માટે જાતભાતનાં દુ:સાહસ કરતાં લોકોને જોયા પછી આમ થાય એની નવાઈ લાગતી નથી.
‘સેલ્ફી’ની ઘેલછાએ હવે એક નવું પરિમાણ ઉઘાડી આપ્યું છે, એ પણ એટલું જ વિચિત્ર છે. આપણા દેશનાં વિવિધ શહેરોમાં સૌંદર્યોપચારનાં કેન્દ્રો ધરાવનાર ‘ધ એસ્થેટિક્સ ક્લિનિક્સ’ દ્વારા એક અભ્યાસ હાથ ધરાયો હતો, જેમાં જણાયું કે ખાસ કરીને યુવાઓમાં વધતી જતી ‘સેલ્ફી’ની ઘેલછાને કારણે હવે ‘કોસ્મેટિક સર્જરી’ની માંગમાં ઉછાળો આવી રહ્યો છે. પોતાના દેખાવને બહેતર બનાવવા માટેની શસ્ત્રક્રિયા એટલે ‘કોસ્મેટિક સર્જરી’. ‘જર્નલ ઑફ કોસ્મેટિક ડર્મેટોલોજિ’માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં પાંચ હજાર લોકોને સામેલ કરાયાં હતાં. એમાં જણાયું કે સતત ‘સેલ્ફી’ લઈને, તેને ‘એડિટ’ કરીને સામાજિક નેટવર્કિંગના માધ્યમ પર મૂકવાની લતને કારણે યુવાઓ પોતાની શકલસૂરત સુધ્ધાં બદલાવવા લાગ્યાં છે. અલબત્ત, આ હજી આરંભિક અહેવાલ છે, છતાં મૂળ વાત છે વધી રહેલી ‘કોસ્મેટિક સર્જરી’ની સંખ્યા અને તેની પાછળનું કારણ.
સાજશણગાર એક વાત છે અને કોસ્મેટિક સર્જરી બીજી વાત છે. અગાઉ 2019માં ‘ધ એસ્થેટિક્સ ક્લિનિક્સ’ દ્વારા દિલ્હી, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદનાં ત્રણ હજાર યુવાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાં જણાયેલું કે ‘સેલ્ફી’ લઈને એને પોસ્ટ કરવાની વૃત્તિને કારણે ‘સોશ્યલ એન્ક્ઝાયટી’ એટલે કે સામાજિક વ્યગ્રતામાં દેખીતો વધારો થાય છે. પરિણામે યુવાઓના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. અભ્યાસમાં એમ પણ જણાયું કે ‘કોસ્મેટિક સર્જરી’ની ઈચ્છા ખાસ કરીને યુવતીઓમાં વધુ જોવા મળે છે. અભ્યાસમાં વધુમાં જાણવા મળ્યું કે ‘એડિટ’ કર્યા વિના મૂકાયેલી ‘સેલ્ફી’ તરત ચિંતામાં વધારો કરે છે, પણ ‘એડિટેડ’ સેલ્ફીઓ આત્મવિશ્વાસ અને આકર્ષણ બન્નેમાં ઘટાડો કરે છે.
એ પછીના આ નવીનતમ અભ્યાસ હાથ ધરનાર સંશોધકના જણાવ્યા અનુસાર આજકાલ અનેક યુવાઓ પોતાની ‘એડિટ’ કરેલી ‘સેલ્ફી’ લઈને આવે છે અને જણાવે છે કે પોતે એકદમ એના જેવા જ દેખાવા ઈચ્છે છે. પહેલાં આવા કિસ્સા એકલદોકલ અને અપવાદરૂપ હોવાનું લાગ્યું, પણ આ અભ્યાસ થકી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવા કિસ્સા છૂટાછવાયા નહીં, પણ એક ગંભીર પ્રવૃત્તિ બની ચૂક્યા છે. ‘સેલ્ફી’ની લત અસલી છે અને યુવાઓને એ સર્જરી તરફ ધકેલી રહી છે. એટલે કે આ કેવળ ‘કોસ્મેટિક’ એટલે કે સૌંદર્ય પૂરતો મામલો નથી, પણ માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા છે.
વિશેષજ્ઞોએ આ બાબતને કેવળ પરિવર્તન નહીં, પણ એક ગંભીર પડકાર ગણાવ્યો છે. કેવળ શારીરિક જોખમની વાત આમાં નથી, પણ ‘સેલ્ફી’ જે રીતે યુવાઓની ઓળખ, માનસિક સ્વાસ્થ્ય અને સૌંદર્યની સમજણને બદલી રહી છે એ ચિંતાજનક બાબત છે. આ પડકારને પહોંચી વળવા માટે કેટલાંક સૂચનો કરાયાં છે. જેમ કે, શાળા અને કોલેજના સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે, યુવાઓને ડીજીટલ તસવીરો અને વાસ્તવિકતા વચ્ચેનો ફરક સમજાવવામાં આવે, ડૉક્ટરો અને ક્લિનિક દર્દીઓની મનોવૈજ્ઞાનિક સ્થિતિને સમજે એ પછી જ કોસ્મેટિક સર્જરી માટે સંમતિ આપે વગેરે.
પોતાનો દેખાવ બહેતર કરવા માટે ‘કોસ્મેટિક સર્જરી’ કરવાનો મામલો તદ્દન વ્યક્તિગત છે અને જે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે. આમ છતાં, આના મૂળમાં ‘સેલ્ફી’ની ઘેલછા હોય એ જરા વિચિત્ર લાગે એવું છે. ‘સેલ્ફીસંસ્કૃતિ’એ કદાચ યુવાઓને નવી ઓળખ આપી હશે, પણ તેનાં દુષ્પરિણામ આ રીતે સામે આવે એ ગંભીર બાબત છે. કેવળ ‘સંપૂર્ણ સેલ્ફી’ ખેંચવાની લ્હાયમાં યુવાઓ પોતાની વાસ્તવિક સુંદરતા તેમજ આત્મવિશ્વાસ ગુમાવી બેસે એ કેવું વિચિત્ર કહેવાય! સામે પક્ષે ‘કોસ્મેટિક સર્જરી’ કરનાર પણ પોતાની જવાબદારી સમજે અને એમ કરાવનારના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે એ ઈચ્છનીય છે. હજી તો આ સમસ્યાની માંડ ઓળખ થઈ છે પણ જે રીતે એ વકરી રહી છે એ જોતાં તેને અવગણવામાં આવશે તો એ વધુ ખરાબ પરિણામ લાવશે એ નક્કી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.