Sports

જેમને પોતાને ટીમમાં પસંદ થવાના ફાંફા હતા તેવા પસંદગીકારો ટીમ ઈન્ડિયા પસંદ કરી રહ્યા છે!

માજી ભારતીય ક્રિકેટર અને પસંદગી સમિતિના માજી અધ્યક્ષ દિલીપ વેંગસરકરે હાલમાં ભારતીય ટીમના જે પસંદગીકારો છે તેમની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. વેંગસરકરે તાજેતરમાં જ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઇની સિલેક્શન કમિટીમાં સામેલ પસંદગીકારો પાસે ન તો વિઝનદેખાયું છે, કે ન તો રમત પ્રત્યેનું ઊંડું જ્ઞાન તેમનામા જોવા મળ્યું છે, આ એવા પસંદગીકારો છે કે જેમને ક્રિકેટની પણ સમજ હોય તેવું જણાતું નથી. વેંગસરકરના આ નિવેદનને પગલે ફરી એકવાર ભારતીય ટીમના પસંદગીકારોના અનુભવ પર સવાલો ઉઠવા માંડ્યા છે.

પસંદગી સમિતિના અધ્યક્ષપદેથી ચેતન શર્માને હટાવાયા પછી તેના સ્થાને પસંદગી અધ્યક્ષ તરીકે ટીમ ઇન્ડિયાના માજી ઓપનર શિવ સુંદર દાસને વચગાળાના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો હતો. તેની સાથે જ પસંદગી સમિતિમાં માજી ઓલરાઉન્ડર સુબ્રતો બેનર્જી, ઝડપી બોલર સલિલ અંકોલા અને શ્રીધરન શરથનો સમાવેશ કરાયો હતો. હવે જો શિવ સુંદર દાસની વાત કરવામાં આવે તો તેની પાસે 23 ટેસ્ટ રમવાનો અનુભવ છે પણ બાકીના પાસે એવો અનુભવ નથી અને તેમના અનુભવને ધ્યાને લેતા એવું કહી શકાય કે જેમને પોતાને ભારતીય ટીમમાં પસંદ થવાના્ ફાંફા હતા તેવા લોકો આજે ભારતીય ક્રિકેટ ટીમ પસંદ કરી રહ્યા છે.

પસંદગી સમિતિમાં કોની પાસે કેટલો અનુભવ
ભારતીય ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ એવા માજી ભારતીય ઓપનર શિવ સુંદર દાસ પાસે 23 ટેસ્ટ અને 4 વનડે રમવાનો અનુભવ છે. જે હાલની જે પસંદગી સમિતિ છે તેમાં સર્વાધિક છે. બીજી તરફ, પટણામાં જન્મેલા સુબ્રતો બેનર્જીએ ભારતીય ટીમ વતી એક ટેસ્ટ અને 6 વનડે ઇન્ટરનેશનલ રમી છે. ભારતીય ક્રિકેટમાં ભગવાનનો દરજ્જો ધરાવતા માસ્ટર બેટ્સમેન સચિન તેંદુલકરની સાથે ઇન્ટરનેનલ લેવલે ટેસ્ટ ડેબ્યુ કરનારા માજી ઝડપી બોલર સલિલ અંકોલા પાસે એક ટેસ્ટ અને 20 વન ડે રમવાનો અનુભવ છે. જો કે ક્રિકેટ ક્ષેત્રે કેરિયર ડામડોળ બન્યા પછી સલિલ અંકોલાએ ફિલ્મ લાઇનમાં કેરિયર બનાવવાનું વિચાર્યું હતું અને તેણે સંજયદત્ત સાથેની કુરુક્ષેત્ર ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે ઘણી ટીવી સીરિયલ્સની સાથે બિગ બોસ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળ્યો હતો. જો કે બીસીસીઆઇએ તેને હવે પસંદગી સમિતિમાં સામેલ કરી દીધો છે. .

શ્રીધરન શરત પાસે કોઇ ઇન્ટરનેશનલ લેવલનો અનુભવ નથી
પંસદગી સમિતિમાં દસ, બેનરજી અને અંકોલાની સાથે સામેલ ચોથો સભ્ય તમિલનાડુનો માજી ક્રિકેટર શ્રીધરન શરથ સામેલ છે. આ એવો ખેલાડી છે કે જેણે એકપણ ઇન્ટરનેશનલ મેચ રમી નથી, અર્થાત તેની પાસે ઇન્ટરનેશનલ મેચનો અનુભવ શૂન્ય છે. જો કે. તેણે 139 ફર્સ્ટ ક્લાસ અને 116 લિસ્ટ A મેચ રમી છે. તમિલનાડુ માટે 100 રણજી મેચ રમનાર તે એકમાત્ર ક્રિકેટર છે. પસંદગી સમિતિમાં તે એકમાત્ર એવો ખેલાડી છે જેને ટીમ ઈન્ડિયા માટે રમવાનો અનુભવ નથી. વળી વધુ એક મહત્વની વાત એ છે કે આ ચારમાથી એકપણ પાસે T20 ઇન્ટરનેશનલ રમવાનો અનુભવ નથી.

ઘણાં દિગ્ગજ મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યા છે
ભારતીય ટીમના પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે ઘણાં દિગ્ગજો રહી ચૂક્યા છે. તેમાં પસંદગી સમિતિના સભ્યો પાસે વિઝન ન હોવાનું નિવેદન કરનારા દિલીપ વેંગસરકરથી લઇને ક્રિશ્નામાચારી શ્રીકાંત, ચેતન શર્મા, સહિતના ખેલાડીઓ સામેલ છે. 2011 વર્લ્ડકપ દરમિયાન મુખ્ય પસંદગીકાર રહેલા કૃષ્ણમાચારી શ્રીકાંત પાસે ટેસ્ટ અને વન ડે મળીને 189 ઇન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ હતો, તો વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરવાનું શ્રેય ધરાવનારા દિલીપ વેંગસરકરના નામે 116 ટેસ્ટ રમવાનો અનુભવ છે અને તે સિવાય વન ડે ઇન્ટરનેશનલ પણ તેઓ રમ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીનું હીર પારખીને તેને ટીમમાં સામેલ કરવાનું શ્રેય ધરાવનારા કિરણ મોરેને લગભગ 150 ઇન્ટરનેશનલ મેચોનો અનુભવ હતો. પરંતુ ત્યાર બાદ પસંદગી સમિતિમાં એવાઅનુભવી નામો આવ્યા ન હતા. અગાઉ ચેતન શર્મા ભારતના મુખ્ય પસંદગીકાર હતા. તેની પાસે માત્ર 23 ટેસ્ટનો અનુભવ હતો. જ્યારે તેના પહેલાપંસદગી અધ્યક્ષ રહેલા સુનીલ જોશી પાસે 15 ટેસ્ટ રમવાનો અનુભવ હતો. તો વળી ધોનીને કેપ્ટન પદેથી વિદાય આપનારા એમએસકે પ્રસાદ પાસે માત્ર 6 ટેસ્ટનો અનુભવ હતો.

Most Popular

To Top