વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યોને ઓળખવા, બહાર લાવવા, વિકસાવવા માટે શાળા અનેકવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતી હોય છે. આ પ્રવૃત્તિઓને પ્રેરણા-પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે, વિદ્યાર્થીઓના – શિક્ષકોના શ્રેષ્ઠ પ્રયત્નને બિરદાવવા માટેના કાર્યક્રમો શાળાઓમાં થતાં રહે છે. સામાન્યત: આવા કાર્યક્રમોમાં મહેમાન તરીકે કોને બોલાવવા એ નક્કી કરવાની સત્તા શાળાના આચાર્ય-શિક્ષકો પાસે તો હોતી જ નથી. મોટે ભાગે શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સંચાલિત શાળા હોય તો તેના વહીવટકર્તાઓ જ આવા કાર્યક્રમના મહેમાનો નક્કી કરતાં હોય છે.
જેમાં પોતાના ગમા-અણગમા, નિજી સ્વાર્થને ધ્યાનમાં રાખી મહેમાનોની પસંદગી કરવાની શક્યતા ખૂબ વધી જાય છે. તેથી કાર્યક્રમનો મૂળભૂત ઉદ્દેશ જળવાતો નથી એટલું નહીં ઘણી વાર કાર્યક્રમનું સ્વરૂપ અને રંગ પણ બદલાઈ જાય છે. ખરેખર તો વિદ્યાર્થીઓને, શિક્ષકોને, શાળાને કંઇક નવું શીખવા-જાણવા મળે તેવા કે શાળાને આર્થિક-શૈક્ષણિક કે અન્ય રીતે મદદરૂપ થતાં હોય અને કાર્યક્રમના મૂળભૂત ઉદ્દેશો હાંસલ થતાં હોય તેવા મર્યાદિત સંખ્યામાં મહેમાનો હોય એ આવકાર્ય છે.
સુરત – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુચારુ પરીક્ષા આયોજન વિદ્યાર્થીને લાભદાયી
સુરતમાંથી ધો.10 અને 12ના, લગભગ 1.60 લાખ પરીક્ષાર્થીઓ તેમની તડામાર તૈયાર પછી પરીક્ષા આપવા ઉત્સુક છે. તેવા સંજોગોમાં, વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા ચિંતા રહેતી હોય છે. આ અંગે સુરત શહેરમાં, આયોજકોએ, પરીક્ષાર્થી વિદ્યાર્થીનો પરીક્ષા કેન્દ્ર તેમનાં રહેણાંક વિસ્તારની સ્કૂલમાં આપી પ્રશંસનીય કાર્ય કર્યું છે. બીજું, પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે સ્પેશ્યલ સિટી બસોની સગવડ કરી છે તે બદલ પણ અભિનંદન. દરેક દિવસે એક જ વિષયની પરીક્ષાના સુયોગ્ય ટાઈમટેબલ બદલ બોર્ડને પણ અભિનંદન.
આ બધા પૂર્વ આયોજનથી વિદ્યાર્થીનો પરીક્ષાલક્ષી ‘હાઉ’ દૂર થઈ જાય છે અને તે સ્ટ્રેસ વિના પરીક્ષા આપી શકે છે તથા વાલીગણ પણ નચિંત રહે છે, જે પરીક્ષા દરમ્યાન ઘણું જ અગત્યનું છે. વળી પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, લીંબુ સરબત, ગોળ-ધાણાથી સ્વાગત થતાં, માહોલ અત્યંત આનંદમય બની જાય છે અને આનાં કારણો પરીક્ષાર્થી પણ પ્રફુલ્લિત રહે છે. હા, પણ દરેક પરીક્ષા કેન્દ્ર પર એક ટ્રાફિક પોલીસની સુવિધા ઉપલબ્ધ કરાય તો બિનજરૂરી ટ્રાફિક જામ નિયંત્રણ કરી શકાય.
સુરત – દીપક બી.દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.