SURAT : સુરત મહાપાલિકાની ચૂંટણીમાં આપના 27 ઉમેદવારો દ્વારા જીત મેળવવામાં આવતાં હવે કોંગ્રેસ (CONGRESS) ના કેટલાક નેતાઓ દ્વારા આપ ( AAP) તરફ નજર માંડવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે કોંગ્રેસના બે માજી કોર્પોરેટર આપમાં જોડાઈ શકે છે. આ બંને દ્વારા આપના નેતાઓ સાથે મીટિંગ અને ચર્ચાનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. જો મીટિંગ સાનુકુળ રહેશે તો બંને નેતા આપમાં જોડાઈ જશે. બંને નેતાની ગણતરી વિધાનસભાની ચૂંટણી આપના બેનર હેઠળ લડીને જીતવાની છે.
સુરત મહાપાલિકાની ચૂંટણીમાં જે રીતે આપના ઉમેદવારોને મત મળ્યાં તે જોઈને કેટલાક નેતાઓના મોઢામાં લાળ પડવા માંડી છે. કેજરીવાલે પણ સુરત આવીને ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓને આપમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હોવાથી નેતાઓ દ્વારા આપમાં જોડાઈ જવા માટે થનગનાટ વધી ગયો છે. ચર્ચા પ્રમાણે વરાછા વિસ્તારમાં તાજેતરમાં મહાપાલિકાની ચૂંટણી હારેલા અને અગાઉ વિધાનસભાની ચૂંટણી પણ હારી ચૂકેલા કોંગ્રેસના એક માજી કોર્પોરેટરે આપનો સાથ લેવાનો નિર્ણય કર્યો છે. આ માજી કોર્પોરેટરે પહેલા પાસના નેતાઓનો સંપર્ક કર્યો હતો અને તેના માધ્યમથી આપના નેતાઓનો સંપર્ક કર્યો છે.
આજ રીતે કોંગ્રેસના અન્ય એક માજી કોર્પોરેટર કે જે બે-ત્રણ ટર્મ પહેલા પેટાચૂંટણી જીત્યાં હતાં અને કોંગ્રેસ પ્રમુખ બનવાની હોડમાં પણ હતાં તેવા આગેવાનો પણ આપમાં જોડાવવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. લઘુમતિ (મુસ્લિમ નહીં) સમાજના ગણાતા આ નેતા કોટ વિસ્તારના છે. આ નેતા દ્વારા પણ આપના નેતાઓ સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના આ બંને નેતાઓની આપના નેતાઓ સાથેની ચર્ચા યોગ્ય રહેશે તો આ બંને નેતા આપમાં જોડાઈ જશે. બંને નેતા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી આપમાંથી લડીને ધારાસભ્ય બનવાની ગણતરી હોવાથી હવે આ બંને નેતાનું શું થશે તે આગામી સમય જ કહેશે.