નડિયાદ,: નડિયાદ આર.ટી.ઓ. કચેરી પાછળ ઈ.વી.એમ. વેરહાઉસના સુરક્ષા કર્મીઓને રહેવા માટે લીલી નેટનો તંબુ તાણ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે. આ તંબુ જોતા અંદર જાણે અસામાજિક પ્રવૃતિ ચાલતી હશે, તેવો ભાસ થઈ રહ્યો છે. પરંતુ ત્યાં સુરક્ષા કર્મીઓને રહેવા માટેનો આશ્રય સ્થાન બનાવ્યુ હોવાનું જાણ સૌ કોને નવાઈ લાગે તેમ છે. નડિયાદ આરટીઓ કમ્પાઉન્ડમાં નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં ઇવીએમ વેરહાઉસ આવેલુ છે. આ ઇવીએમ વેરહાઉસની 24 કલાક રખેવાળી કરતા સુરક્ષા કર્મીઓ માટે સુવિધા આપવામાં સરકારી તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે.
ચૂંટણી યોજાયા બાદ ઇવીએમ મશીનોને સુરક્ષિત સ્થળે રાખવામાં આવતા હોય છે. ખેડા જિલ્લામાં જિલ્લા સેવા સદન પાછળ આવેલ ગોડાઉનમાં ઇવીએમ મશીનો ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હેઠળ મકાનમાં સીલ કરીને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત નડિયાદ આર.ટી.ઓ. કમ્પાઉન્ડમાં નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન આવેલુ છે. આ વેરહાઉસની 24 કલાક પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષા જાળવવામાં આવી રહી છે. ત્યારે ઇવીએમ વેરહાઉસના પોલીસ કર્મચારીઓને બેસવાની યોગ્ય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.
નર્કાગાર ખુલ્લી જગ્યામાં પતરાના શેડ ફરતે લીલી નેટ બાંધવામાં આવી છે. આ તંબુ ફરતે ગંદકી કચરો તેમજ દારૂની કોથળીઓ જોવા મળે છે. કાળજાળ ગરમી, ઠંડી તેમજ વરસાદ જેવા સંજોગોમાં દયનીય હાલતમાં પોલીસ કર્મીઓ ઇવીએમ વેરહાઉસની સુરક્ષા જાળવી રહ્યા છે. આમ જિલ્લા ચૂંટણી તંત્રના સત્તાધીશો ઇવીએમ ગોડાઉનના સુરક્ષા કર્મીઓને રહેવાની પ્રાથમિક પૂરતી સુવિધા પૂરી પાડવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. ત્યારે ઇવીએમ મશીનના ગોડાઉનની સુરક્ષા જાળવતા કર્મચારીઓને રહેવા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવા લાગણી વ્યાપી છે.