Sports

આજથી બીજી ટેસ્ટ : શાર્દુલને સ્થાને અશ્વિનની વાપસીની સંભાવના

દુનિયાના નામાંકિત બેટ્સમેનોની હાજરી હોવા છતાં પ્રથમ ટેસ્ટમાં મોટો સ્કોર બનાવવામાં ફેલ રહેલી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે આવતીકાલ ગુરૂવારથી અહીં લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં પોતાની ખ્યાતીને અનુરૂપ બેટિંગ કરવાના દૃઢ સંકલ્પ સાથે મેદાન પર ઉતરશે. કેપ્ટન કોહલી આ ટેસ્ટમાં પોતાના શ્રેષ્ઠ સ્પીનર રવિચંદ્રન અશ્વિનને અંતિમ ઇલેવનમાં સામેલ કરવાની વિચારણા કરી શકે છે.

વરસાદને કારણે ડ્રો રહેલી પહેલી ટેસ્ટમાં ભારત જીતવાની સ્થિતિમાં હતું, જો કે પહેલા દાવનો તેનો 278 રનનો સ્કોર અપેક્ષાનુસારનો નહોતો. ભારતના ત્રણ મુખ્ય બેટ્સમેન કેપ્ટન કોહલી, ચેતેશ્વર પુજારા અને અજિંકેય રહાણે આ ઇનિંગમાં ફેલ રહ્યા હતા. સાથે જ એ પણ યાદ રાખવા જેવી વાત છે કે જો મેલબોર્નમાં રહાણેએ ફટકારેલી સદીને બાદ કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં આ ત્રણેય કોઇ મોટી ઇનિંગ રમી શક્યા નથી.

જ્યાં સુધી વાત ટીમ સંયોજનની છે તો શાર્દુલ ઠાકુરના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે નીચલા ક્રમે ફેરફાર આવી શકે છે. રવિન્દ્ર જાડેજાની બેટિંગ કાબેલિયતને ધ્યાને લઇને ટીમ મેનેજમેન્ટે પ્રથમ ટેસ્ટમાંથી અશ્વિનને બહાર રાખ્યો હતો. લોર્ડસમાં પ્રેક્ટિસ દરમિયાન શાર્દુલની સમસ્યા વધી જતાં અશ્વિનના સમાવેશની આશા વધી છે. જો પીચ સુકી રહેશે તો ભારતીય ટીમમાં અશ્વિન અને જાડેજા બંનેનો સમાવેશ થઇ શકે છે. હવામાનની વાત કરવામાં આવે તો લંડનમાં ઉચ્ચતમ તાપમાન 24 ડિગ્રી અને સરેરાશ તાપમાન લગભગ 14 ડિગ્રી ચાલી રહ્યું છે.

ઇંગ્લેન્ડ 2018ની જેમ લોડ્સની પીચ પર ઘાસ રાખશે કે કેમ તે જોવું રસપ્રદ
હવે એ જોવાનું રહે છે કે શું ઇંગ્લેન્ડ 2018ની જેમ પીચ પર ઘાસ રાખવા માગશે કે નહીં. 2018માં પીચ પર ઘાસ હોવાના કારણે ક્રિસ વોક્સની બોલિંગ સામે ભારતીય બેટિંગ લાઇનઅપ બે દિવસમાં ધરાશાયી થઇ હતી. જો કે પ્રથમ ટેસ્ટમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ સામે જે રીતે ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપ ઢળી પડી હતી તેને ધ્યાને લઇને તેઓ એ જોખમ લે તેવી સંભાવના ઘણી ઓછી છે.

જો કોહલી 4-1ના બોલિંગ સંયોજનને વળગી રહેશે તો અશ્વિનનો નંબર નહીં લાગે
શાર્દુલ ઠાકુર સ્નાયુ ખેંચાઇ જવાના કારણે બીજી ટેસ્ટમાં રમવાનો નથી અને એ સ્થિતિમાં જો કેપ્ટન વિરાટ કોહલી પોતાના 4-1ના બોલિંગ સંયોજનને વળગી રહેશે અર્થાત ચાર ઝડપી બોલર અને એક સ્પીનરની વ્યુહરચનાને વળગી રહેશે તો પછી અશ્વિનનો નંબર નહીં લાગે અને શાર્દુલના સ્થાને ઇશાંત શર્મા અથવા તો ઉમેશ યાદવમાંથી કોઇ એકનો નંબર લાગી શકે છે.

નીચલા ક્રમે બેટિંગને મજબૂત કરવા માટે અશ્વિન વધુ યોગ્ય અને મજબૂત વિકલ્પ
લોર્ડસ ટેસ્ટમાં પણ 4-1ના બોલિંગ સંયોજન બાબતે વિચાર કરી રહેલા કોહલી માટે જો કે નીચલા ક્રમની બેટિંગની નબળાઇને ધ્યાને લેતા એ વ્યુહરચના પર અડગ રહેવું મુશ્કેલ છે અને નીચલા ક્રમની બેટિંગને મજબૂતાઇ આપવા માટે ત્યાં અશ્વિન સૌથી મજબૂત વિકલ્પ બની શકે છે. ચોથા અને પાંચમા દિવસે લોર્ડસની પીચનું વલણ જોખમી બની રહે છે.

ઇંગ્લેન્ડની ટીમમાં રોરી બર્ન્સના સ્થાને હસીબ હમીદનો સમાવેશ થવાની સંભાવના
પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જો રૂટ પહેલા દાવમાં અર્ધસદી અને બીજા દાવમાં સદી ફટકારી ટીમની લાજ બચાવી હતી. લોર્ડસ ટેસ્ટમાં રોરી બર્ન્સના સ્થાને હસીબ હમીદનો અંતિમ ઇલેવનમાં સમાવેશ થવાની સંભાવના છે. હમીદે ગત મહિને ભારતીય ટીમ સામેની પ્રેક્ટિસ મેચમાં ઓપનીંગ કરીને સદી ફટકારી હતી.

Most Popular

To Top