સુરત(Surat) : લોકસભા ચૂંટણીના (Loksabha Election) ઉમેદવારોની બીજી યાદી આજે ભાજપ (BJP) દ્વારા જાહેર કરવામાં આવી છે. બીજેપીએ બીજી યાદીમાં 10 રાજ્યોની 72 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે જ સુરતની બેઠક અંગે ઘણા સમયથી ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવ્યો છે. ત્રણ ટર્મથી સુરત બેઠકના સાંસદ દર્શના જરદોષનું (DarshnaJardosh) આ વખતે પત્તું કપાયું છે. તેમના બદલે મૂળ સુરતી એવા મુકેશ દલાલને (MukeshDalal) સુરત લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે.
આ ઉપરાંત અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ, છોટા ઉદેપુરમાં જસુ રાઠવા, ભાવનગરમાં નિમુબેન બાંભણીયા, વડોદરામાં રંજન ભટ્ટ, વલસાડમાં ધવલ પટેલ, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ટીકિટ આપવામાં આવી છે.
અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ અને વડોદરામાં રંજન ભટ્ટને રિપિટ કરાયા છે. તે સિવાય તમામ ચહેરા નવા છે. વનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને પણ ટિકિટ મળી નથી. તેમના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને ટિકિટ અપાઈ છે.
નાગપુરથી નીતિન ગડકરી ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. આમાં નીતિન ગડકરીને નાગપુરથી, હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી છે. ભાજપે ગુજરાતની કુલ 72 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાતમાં 7, દિલ્હીમાં 2, હરિયાણામાં 6, હિમાચલ પ્રદેશમાં 2, કર્ણાટકમાં 20, મધ્ય પ્રદેશમાં 5, ઉત્તરાખંડમાં 2, મહારાષ્ટ્રમાં 20, તેલંગાણામાં 06 અને ત્રિપુરામાં 1 બેઠક માટે નામ જાહેર થયાં છે.
