Columns

દલિતો સાથે જમવાની અને તેમના પગ ધોવાની સીઝન કયારે આવે છે?

ઘર સંભાળતી સ્ત્રી ભલે ઘરમાં રહેતી હોય છે, પરંતુ તેને પોતાના પતિની બારીક હિલચાલ અને તેમાં થતા ફેરફારની ખબર પડતી હોય છે, જયારે કોઈ પુરુષ અચાનક પોતાની પત્ની રોજ કરતાં વધુ પ્રેમ કરવા લાગે ત્યારે સ્ત્રીને અંદાજ આવી જાય છે, તેના પતિનો પગ કોઈ કુંડાળામાં પડયો છે, એક તરફ પત્ની અને બીજી તરફ પ્રેમિકા વચ્ચે અટવાતા પુરુષના મનમાં દોષિતપણાના ભાવનો જન્મ થાય છે, એટલે તે પોતાને છેતરવા માટે પોતાની પત્ની ખૂબ પ્રેમ કરે છે તેવું બતાવવાનો પ્રયત્ન કરે છે. હમણાં આવું જ કંઈક ગુજરાતના દલિતો સાથે શરૂ થયું છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના પાર્ટી રાજયના અનેક વિસ્તારમાં દલિતોના પગ ધોવાનો કાર્યક્રમ રાખી રહી છે.

小朋友洗脚卡通图片(第1页) - 要无忧健康图库

દેશના આઝાદીનાં આટલાં વર્ષ પછી પણ આપણે દલિતોના પગ ધોવાનો  કાર્યક્રમ કરવો પડે છે તે બતાડે છે દલિતોના મુદ્દે આપણી કરણી અને કથનીમાં ફેર છે. જો કે વાત અહિંયા માત્ર ભાજપની નથી, ભાજપ-કોંગ્રેસ સહિત દેશની તમામ પાર્ટીઓમાં આ મુદ્દે એકતા છે. હમણાં અમારા પત્રકારત્વના વર્ગમાં આ મુદ્દે એક ચર્ચા છેડાઈ. આમ તો ચર્ચા થાય તે સારી બાબત છે, કારણ આપણે આ પ્રકારના વિષયની જાહેરમાં ચર્ચા જ કરતા નથી અને આપણે જે કંઈ માનીએ છીએ તેને વધારે ઘાટુ કરતાં જઈએ છીએ. આ ચર્ચા દરમિયાન એક બિનદલિત વિદ્યાર્થીએ દલિત વિદ્યાર્થીને કહ્યું, મને તમારી સાથે જમવામાં પણ કંઈ વાંધો નથી. પહેલી વખત તમે સાંભળો તો તમને આ વાકય બહુ સહજ લાગે છે, પણ પહેલી દૃષ્ટિએ સહજ લાગતું આ વાકય એટલું સહજ નથી.

બિનદલિત વ્યકિત દલિતાના ઘરે જમવા જાય તે માટે તેણે પ્રયત્ન કરવો પડે કારણ તે દલિત દર્શાવવા માંગે છે કે હું જ્ઞાતિ-ધર્મથી પર છું, પણ ખરેખર અંદરથી તેવું નથી. આપણને કોઈ બીમારી લાગુ પડે તો પહેલાં આપણે સ્વીકારવું પડે કે હું બીમાર છું તો આપણે ડૉકટર પાસે જઈશું અને ડૉકટર દવા આપશે તે દવા લઈશું. આવી અનેક બાબત છે, જેમાં આપણી જાત સાથે ખોટું બોલીએ છીએ. પહેલાં તો આપણે આપણી જાત સાથે કબૂલ કરવું પડશે કે મને દલિત સામે વાંધો છે. જો વાંધો છે તેવી કબુલાત કરીશું તો તેના ઉકેલ તરફ આપણે જઈ શકીશું.

પણ આપણે તેવું કરતા નથી. અસ્પૃશ્યતા એક બીમારી છે. જયાં સુધી આપણી આ માનસિક બીમારીનો સ્વીકાર કરીશું નહીં ત્યાં સુધી આપણે  દલિતોના ઘરે જમવા જવું અને તેમના પગ ધોવા જેવા કાર્યક્રમ કરવા પડશે કારણ આપણી બીમારીની દવા કરવાને બદલે તેની ઉપર પગ ધોવાનો  કાર્યક્રમ કરી પાટાપીંડી કરીએ છીએ. આપણા મનમાં આપણી જાણ બહાર પહેલાં ઘરથી અને પછી આપણી આસપાસનાં લોકોએ પેઢીઓથી આપણી અંદર આપણા ગોત્રનો ભાર અને દલિત માટે તિરસ્કારનાં બીજ રોપી દીધાં છે.

આ બીજને મૂળથી કાઢી નાખવાને બદલે આપણે જાણે અજાણતા તેને પાણી સીંચવાનું કામ કરીએ છીએ. હું જેવો માણસ છું તેવો જ પેલો માણસ છે. આટલી સરળ વાત આપણને સમજાઈ જવી જોઈએ પણ તેવું થયું નથી. હું મારા જન્મની જ્ઞાતિથી પોતાને બીજા કરતાં ચડિયાતો માનું છું. ખરેખર મારી જન્મની જ્ઞાતિ કઈ હશે તે મેં નક્કી કર્યું ન્હોતું અને તેમાં મારું કોઈ યોગદાન પણ નથી, છતાં હું ચડિયાતો તેવો  ભાર લઈ ફરું છું, તેવી જ રીતે જેમના નામની પાછળ પરમાર-મકવાણા-મુંઘવા વેગડા લાગે છે તેઓ મારા કરતાં ઉતરતા છે તેવા ભ્રમને હું મારી અંદર ઉછેરું છું.

કોઈ મુખ્યમંત્રીએ કયારે કોઈ પટેલ-જૈન કે ક્ષત્રિયના પગ ધોવાનો કાર્યક્રમ રાખ્યો હોવાનું તમારા ધ્યાનમાં છે. આવા  કાર્યક્રમ આપણે કરતા નથી કારણ આપણને પટેલ-જૈન અને ક્ષત્રિય આપણા જેવા જ લાગે છે. આપણા મનમાં દલિત માટે પ્રેમ ના હોય તો પણ વાંધો નથી, કારણ આપણે કંઈ બધાને પ્રેમ કરતા નથી અને બધા આપણને પ્રેમ કરતા નથી, પણ આપણે જેમને પ્રેમ કરતા નથી તેમની ઘૃણા પણ કરતા નથી. આપણે જેમને પ્રેમ કરતા નથી તેમણે કેવાં કપડાં પહેરવાં, કયા  મંદિરમાં જવું, પાણી કયાંથી ભરવું તે નક્કી કરતા નથી. આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ આપણું બનતું નથી તો કંઈ વાંધો  નહીં, હું મારા રસ્તે, તમે તમારા રસ્તે, પણ દલિત સાથે આપણે તેવું કરતા નથી. તેમણે કેવાં કપડાં પહેરવાં, વરઘોડો કાઢવો કે નહીં, મંદિરમાં જવું કે નહીં, કયા નળમાંથી પાણી ભરવું તે બધું આપણે નક્કી કરીએ છીએ અને આપણા માનસિક આદેશનો અનાદર કરનાર સાથે ઉનાવાળી કરીએ છીએ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બરાબર એક વર્ષ બાકી છે, જેના ભાગ રૂપે હવે દલિતના ઘરે જમવાની અને તેમના પગ ધોવાની સીઝન શરૂ થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાને સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવડાવતા નથી, છતાં તેમની સંવેદનશીલતા પ્રમાણમાં ઘણી સારી છે, એટલે તેમણે દલિતાના પગ ધોઈ તેમને સન્માન કરવાના કાર્યક્રમથી પોતાને દૂર રાખવાની જરૂર હતી, પણ ઘણી વખત સારા માણસની સમસ્યા એવી હોય છે તેમના સારાપણા ઉપર પાર્ટીનો આદેશ હાવી થઈ જતો હોય છે.  આવું જ કંઈક ભૂપેન્દ્રભાઈ સાથે બન્યું હશે. દલિતને ત્યાં જવું અને તેમની સાથે જમવું તે એક સહજ પ્રક્રિયા હોવી જોઈએ, પણ તેવું નથી. જેવા આપણે નથી છતાં સારા પણ દેખાવું છે તેના માટે આપણે પગ ધોવાનો કાર્યક્રમ કરવો પડે છે. ગત લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પણ દલિતના ઝૂંપડામાં ભોજન લેવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આવા કાર્યક્રમો જ બતાડે છે, આપણા મનમાં ખોટ છે, કારણ દલિત સાથે જમીને આપણે કોઈ ઉપકાર કરતા નથી તે પણ એટલું જ સત્ય છે, તેની પણ ખબર હોવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Community-verified icon

Most Popular

To Top