આણંદ : લુણાવાડાના ચાર કોસીયા નાકા પાસે પુરપાટ ઝડપે જતાં ટેમ્પાએ સ્કૂટર સવાર શિક્ષિકાને હડફેટે ચડાવતાં તેમનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે લુણાવાડા પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લુણાવાડા ખાતે રહેતા હરિરાજકુંવર અજીતસિંહ સોલંકી (ઉ.વ.23) વેલહેમ્સ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ 20મીના રોજ સવારે તેમના સ્કૂટર પર શાળાએ ફરજ પર જવા નીકળ્યાં હતાં. દરમિયાનમાં ચાર કોસીયા નાકા પાસે તેઓ શાળા તરફ જતો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં, તે સમયે પુરપાટ ઝડપે ગોધરાથી મોડાસા તરફ જતાં ટેમ્પાએ હરિરાજકુંવરના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે રસ્તા પર ફંગોળાયેલા હરિરાજકુંવરને ગંભીર ઇજા પહોંચતાં સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. આ અંગે મહેન્દ્રસિંહ સોલંકીની ફરિયાદ આધારે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નાવલી બે બાઇક અથડાતાં એકનું મોત
આણંદના નાવલી ગામે ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવતા યુવકે અન્ય એક બાઇક સાથે અકસ્માત સર્જી દીધો હતો. જેના કારણે તેનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાવલીના અમર પોલ્ટ્રી ફાર્મ ખાતે રહેતા રમેશ ભીખાભાઈ મકવાણા 17મી ઓક્ટોબરના રોજ મીતેશ સુરેશભાઈ મકવાણા સાથે સાંજે બાઇક પર વાંસખીલીયા જવા નીકળ્યાં હતાં. તેઓ રોડ ક્રોસ કરીને થોડા આગળ જતાં બોરસદ તરફથી એક બાઇક આવ્યું હતું. જે સીધું જ મીતેશના બાઇક સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે અકસ્માત સર્જાતાં ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મિતેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.