Columns

વિજ્ઞાન કહે છેઃ દુનિયાનો કોઈ માણસ દિલથી પ્રેમ કરતો નથી!

પ્રેમ પ્રેમ સબ કોઉ કહે, કઠિન પ્રેમ કી ફાંસ
પ્રાણ તર ફિર નિકરૈ નહી, કેવલ ચલત ઉસાંસ
મધ્યયુગના કૃષ્ણભક્ત કવિ રસખાનનો આ દોહો પ્રેમની તીવ્રતા વર્ણવે છે. પ્રેમની વાતો તો બધા કરે છે પણ પ્રેમનું બંધન બહુ મુશ્કેલ છે. પ્રેમમાં પ્રાણ નીકળતા નથી, વિરહમાં તડપના કારણે પ્રેમીના શ્વાસ ઊંધા ચાલવા માંડે છે. ખુશરોએ પણ રસખાનના વર્ષો પહેલાં પ્રેમ વિશે અવલોકન કર્યું હતું –
ખુશરો દરિયા પ્રેમ કા ઉલટી વા કી ધાર
જો ઉબરા સો ડૂબ ગયા, જો ડૂબા વો પાર
પ્રેમનો દરિયો અલગ સિસ્ટમથી કામ કરે છે. એમાં ડૂબેલો તરી જાય છે અને તરી જવાની કોશિશ કરનારો ડૂબી જાય છે. પ્રેમ વિશે પુષ્કળ લખાયું છે. સતત લખાતું રહે છે. કવિઓ-સર્જકોએ પ્રેમને હૃદય સાથે જોડીને અઢળક લખ્યું. એમાં ફિલ્મોનો મોડર્ન યુગ આવ્યો ત્યારથી દિલ અને પ્રેમનો સીધો સંબંધ ગીતકારોએ જોડી આપ્યો. 1990 પછી બોલિવૂડમાં રોમેન્ટિક ફિલ્મોનો દૌર આવ્યો ત્યારથી દિલ અને પ્યાર એ બંને એક સિક્કાની બે બાજુ બની ગયા પણ હકીકતે પ્રેમ અને હૃદયને સીધો કોઈ જ સંબંધ નથી.

જી હા. કવિઓ-લેખકો-ગીતકારો-ફિલ્મસર્જકો ભલે કહેતા હોય કે પ્રેમ થાય ત્યારે દિલને અસર થાય છે, વિજ્ઞાનિકો કહે છે પ્રેમમાં દિલની કોઈ સક્રિય ભૂમિકા નથી. પ્રેમ થયા પછી દિલમાં જે લાગણીનો ધોધ ઉછાળા મારવા લાગે છે એ એક્ચ્યુઅલી વહે છે દિમાગમાંથી! પ્રેમને સમજવા વિજ્ઞાન ઘણી મથામણો કરે છે. એવા જ પ્રયાસો ન્યૂયોર્ક યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કર્યા હતા. એમાં કેટલાંક રસપ્રદ તારણો મળ્યાં હતાં. મનોવિજ્ઞાન વિભાગના સંશોધકોએ લવબર્ડ્સ ઉપર પડતી વિવિધ અસરોનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કર્યું હતું. પ્રેમ થાય ત્યારે શરીરમાં ક્યાં, કેટલી અસર થાય છે એ જાણ્યા પછી અને પહેલી નજરે પ્રેમમાં પડી જનારા લવર્સના બિહેવિયરનું વિશ્લેષણ કરીને સંશોધકો એવા તારણ પર આવ્યા હતા કે પ્રેમ દિલથી નહીં, દિમાગથી થાય છે!

આવું કહેવા માટે એ વિજ્ઞાનીઓ પાસે એમના તારણો અને તર્કો હતા. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડવાની શરૂઆત કરે છે ત્યારે એના મસ્તિષ્કમાં ડોપામાઈન, ઓક્સિટોસીન, એડ્રેનલિન, વેસોપ્રેસીન જેવાં 12 હોર્મોન્સનો જથ્થો વધી જાય છે. આ હોર્મોન્સ એને પ્રેમ કરવાનું બળ આપે છે. પ્રેમમાં પડનારાને દુનિયા બદલાયેલી લાગે છે, ઉત્સાહવર્ધક અનુભવ થવા માંડે છે એ પાછળ પણ આ જ હોર્મોન્સ કારણભૂત બને છે. મનોવિજ્ઞાનિકોએ એવું પણ નિરીક્ષણ રજૂ કર્યું હતું કે આ એ સમય હોય છે જ્યારે માણસની ખરાબ લત છૂટી શકે છે.

કદાચ એટલે જ ગર્લફ્રેન્ડ દારૂ-સિગારેટની લત છોડાવી શકે છે. પ્રેમમાં શબ્દો ગળામાં જ અટકી જાય કે હૃદય જોર-જોરથી ધડકવા માંડે એ પાછળ પણ દિમાગ જ કારણભૂત છે. આ બધું થવા પાછળ એડ્રેનલિન હોર્મોન જવાબદાર છે. માણસ જેને લવ કરે એની જ કેર કેમ કરે છે? જવાબ છે – ઓક્સિટોસીન. આ હોર્મોનનો સ્ત્રાવ જેને જોઈને કે જેની સાથે રહેવાથી વધે એની કેર કરવાની ઈચ્છા વધે છે. એ જ હોર્મોન વધારે પડતી કેર કરાવે ત્યારે પ્રિયજન માટે માલિકીભાવ પણ જન્મે છે. ડોપામાઈનનું લેવલ વધે તો મૂડ સરસ બને છે.

એનું સ્તર વધે એટલે વ્યક્તિ વધારે રોમેન્ટિક બની જાય છે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે ‘લવબાઈટ્સ’ પાછળ આ ડોપામાઈનની કરામત કારણભૂત છે! પાર્ટનરને હગ કરવું, કિસ કરવી, ભીંસી નાખવું… જેવી ફીલિંગ્સનો ઊભરો ડોપામાઈનનો જથ્થો પોતાની સાથે લાવે છે! કોઈ સાથે આખી જિંદગી રહી શકાશે એ ભાવ વેસોપ્રેસિન હોર્મોનના કારણે જન્મે છે. સંશોધકોએ એવીય નોંધ કરી હતી કે ફેમિલી મેમ્બર્સને જોઈને આ હોર્મોનનો જથ્થો નિરંતર વધતો હોય છે એટલે જ માણસને પરિવાર સાથે રહેવું ગમે છે. કોઈ એક વ્યક્તિને પરિવાર અને પ્રિયજન માટે એકસરખો સ્ત્રાવ થાય તો બધા સાથે રહી શકે એવાં ચાન્સ ઉજળા, પરંતુ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે હસબન્ડ-વાઈફમાંથી કોઈ એકના દિમાગમાં બીજાના પરિવારને જોઈને જો વેસોપ્રેસિનનો જથ્થો ન વધે તો એ સહજીવન લાંબું ટકતું નથી.

ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જરા જુદી દિશામાં સંશોધન કર્યું હતું. પ્રેમની કોઈ ઉંમર નથી હોતી એવી વ્યાપક માન્યતા છે પરંતુ ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આપેલું તારણ એવું હતું કે 35-40 વર્ષ પછી પ્રેમ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. દિમાગમાં થતાં ફેરફારો માણસને પ્રેમ કરવા પ્રેરે છે. એ પછી અમુક વયે એવા રસાયણોનો જથ્થો ઘટી જાય છે એટલે જ લવમેરેજના અમુક વર્ષો પછી પ્રેમ ઓછો થઈ જવાની ફરિયાદો ઊઠે છે. આ સંશોધનમાં તો એવુંય તારણ અપાયું હતું કે પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર નથી થતો પરંતુ દિમાગમાં ફેરફાર એટલે પ્રેમ થાય છે!

એનો સીધો અર્થ એટલો કે દિમાગ પ્રેમ કરવા તૈયાર હોય અને હોર્મોન્સનો જથ્થો વધે તો જ કોઈક વ્યક્તિ પહેલી નજરે ગમી જાય છે અથવા તો ઘણા સમયથી પરિચયમાં હોવા છતાં અમુક સમય પછી જ ફીલિંગ થાય છે. આ માટે સંશોધકોએ એવાં યુવક-યુવતીઓના દિમાગનો અભ્યાસ કર્યો હતો કે જેમના જીવનમાં કોઈ ને કોઈ ગંભીર ઘટનાઓ બની હતી. એ ઘટનાઓના કારણે તેમને કોઈનાય પ્રેમમાં હોવાની ફીલિંગ થતી ન હતી પણ પેલી ખરાબ ઘટનાઓનું સ્મરણ ઝાંખું થયું પછી તેમણે કોઈ માટે ફીલિંગ્સ હોવાનું સ્વીકાર્યું હતું.

આ બંને સંશોધનો એ તરફ ધ્યાન દોરે છે કે દિમાગમાં ફેરફાર થાય ત્યારે પ્રેમ થાય છે અને પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર થાય છે. દિલમાં જે અસર થાય છે તે દિમાગનું રીફ્લેક્શન માત્ર છે, સીધી રીતે દિલની એમાં કોઈ જ સંડોવણી નથી! આ પ્રકારના સ્ટડી હોર્મોન્સના આધારે થયા હતા. કોઈના પ્રેમમાં પડવું, પ્રેમમાં સફળ થવું, કઈ બાબતોથી આકર્ષાવું, કેર કરવી, સાથે રહેવું… જેવી મહત્ત્વની બાબતો બને છે, એનાં બીજ દિમાગમાં રોપાય છે. મગજમાં હાઈપોથેલેમસ, લિંબિંક સિસ્ટમ હોય છે. એમાં આ વિવિધ હોર્મોન્સ રહે છે. હોર્મોન્સનો જથ્થો વધે તે સાથે જ બ્લડનું સર્ક્યુલેશન ઝડપી બને છે. રક્તનું સર્ક્યુલેશન ઝડપી થાય એટલે હૃદયનું કામ વધે. હૃદયનું કામ વધે એટલે એ જોરજોરથી ધડકે. એ જોરજોરથી ધડકે એટલે આપણને લાગે કે પ્રેમમાં હૃદયની મહત્ત્વની ભૂમિકા હશે પરંતુ આખી વાત બને છે દિમાગમાં! ટૂંકમાં, સાયન્સ કહેવા માગે છે – દુનિયાનો કોઈ માણસ દિલથી પ્રેમ કરતો નથી…
હરિત મુનશી

Most Popular

To Top