અમદાવાદ: રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓમાં (School) શિક્ષકોની (Teacher) ઘટ જોવા મળે છે. પૂરતા શિક્ષકો નહીં હોવાને કારણે તેની સીધી અસર પરિણામ (Result) પર જોવા મળે છે. તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણ નહીં મળવાને કારણે વિદ્યાર્થીઓ જેઈઈ અને નીટ જેવી પરીક્ષાઓમાં સારા માર્કસ લાવી શકતા નથી, તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા અને શિક્ષણવિધ ડૉ. મનીષ દોશીએ કર્યો હતો.
ડૉ. મનીષ દોષીએ વધુમાં કહ્યું હતું કે તાજેતરમાં જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે. સાથે જ 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં પણ ઘટાડો થયો છે, તેવી જ રીતે રાજ્યના 36 કેન્દ્રોમાંથી 17 કેન્દ્રમાં એ-1 ગ્રેડ એક પણ વિદ્યાર્થી મેળવી શક્યો નથી. આ પરિસ્થિતિ બતાવી રહી છે કે, રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે. રાજ્યની શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. વર્ગખંડમાં શિક્ષણ કાર્ય પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય પ્રવૃત્તિઓ માટે પણ ફરજ પાડવામાં આવે છે. જેને કારણે શિક્ષણ ઉપર ગંભીર અસર થાય છે. જેથી તેની સીધી અસર પરિણામ પણ જોવા મળે છે.
ડૉ. મનીષ દોષીએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓની પોલ ખોલતા કહ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છેલ્લા દસ વર્ષનું સૌથી ઓછું પરિણામ છે. પ્રથમ વખત એવું બન્યું છે કે એ ગ્રુપ કરતા બી ગ્રુપનું પરિણામ 10 ટકા જેટલું ઓછું આવ્યું છે. જ્યારે ત્રણ વિષયોમાં 17902 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આટલા મોટા પ્રમાણમાં નબળા પરિણામ માટે જવાબદાર કોણ ? જો તમામ વિષયનું પાયાનું જ્ઞાન શાળાકીય સ્તરે યોગ્ય રીતે આપવામાં આવે તો વિદ્યાર્થી કોઈપણ પ્રકારના ટ્વિસ્ટેડ પ્રશ્નોનો જવાબ આપી કોઈપણ કોમ્પિટીટીવ એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરે જ, જે હાલના તબક્કે થતું નથી.