Columns

સ્કૂલનું રજીસ્ટર

પચાસ વર્ષની પાર પહોંચેલા એક સજ્જન ડીપ્રેશનનો શિકાર બન્યા તેમને, તેમનું જીવન અસફળ લાગતું હતું. વાસ્તવમાં તો તેમનું જીવન સફળ હતું, સારી નોકરી, પત્ની, પરિવાર, ઘર, ગાડી બધું જ હતું. છતાં તેમના મનમાં થતું કે તેઓ જીવનમાં કંઈ કરી શક્યા નથી. જે સપનાઓ જોયા તે પૂરા કરી શક્યા નહીં. બસ આ જ વિચારો, અસંતોષ અને ચિંતા અને તણાવ નિર્માણ કરતા. સજ્જનને પોતાની ઘર, પરિવાર, નોકરીની જવાબદારીઓ ભારરૂપ લાગતી… કંઈ કરવું ગમતું નહીં. હંમેશા ઉદાસ અને ગુસ્સામાં રહેતા. તેમની પત્નીએ એક કાઉન્સેલર મિત્રની મદદ લેવાનું નક્કી કર્યું.

કાઉન્સેલર જોડે ધીમેધીમે વાત કરતા કરતા. સજ્જન રડવા લાગ્યા અને બોલ્યા જીવનમાં હું અસફળ રહ્યો, કોઈ સપના પુરા ન કરી શક્યો, માત્ર નોકરી કરી બીજું શું કર્યું, આખું જીવન નકામું ગયું.’ સજ્જન પોતાના મનની વાતો કહી રહ્યા હતા ત્યાં કાઉન્સેલરે પ્રશ્ન પૂછ્યો, ‘તમે કઈ સ્કૂલમાં ભણ્યા છો?’ સજ્જને પોતાની સ્કૂલનું નામ કહ્યું… કાઉન્સેલર બોલ્યા, ‘રીયુનિયન થયું છે સ્કૂલનાં મિત્રોનું?’ સજ્જને કહ્યું, ‘ના નથી થયું..’ કાઉન્સેલર બોલ્યા, ‘એક કામ કરો તમારી સ્કૂલમાં જઈ તમારા ધોરણ દસના વર્ષના રજીસ્ટરની કોપી લઇ આવો. બધા સાથે ભણનારા અત્યારે શું કરે છે તે શોધો, એક રિયુનીયન કરો અને પછી મને મળવા આવજો.’

સજ્જનને કંઈક નવું કામ મળ્યું, તેમણે મહેનત કરી સ્કૂલનું રજીસ્ટર મેળવ્યું અને એક પછી એક મિત્રોની ભાળ કાઢવાની શરુ કરી. તેમને જીવનની કઠોર હકીકત સમજાવા લાગી. મોટાભાગના મિત્રો, તેમની જેમ જ કોઈ નોકરી કરી રહ્યા હતા, અમુક મિત્રો ઘણા સફળ થયા હતા કોઈ પિતાના ધંધામાં તો કોઈ જાતમહેનતે… અમુક મિત્રો સાવ નિષ્ફળ રહ્યા હતા.. કોઈને નશાની લત લાગી હતી, અમુકની કોઈ ખબર જ ન મળી, બે કે ત્રણ મિત્રો મૃત્યુ પામ્યા હતા… કોઈ બીમારીથી, તો કોઈ બાળકની તકલીફથી… કોઈ ગરીબીથી, તો કોઈ એકલતાથી પરેશાન હતું. 

આ બધું જાણીને સજ્જનને અંદરથી એક ધક્કો લાગ્યો. રીયુનીયન તો પછી ગોઠવાયું પણ પહેલા સજ્જનની આંખો ખુલી ગઈ કે ‘પોતે ગરીબ નથી, બીમાર નથી, એકલા નથી એથી વધારે શું જોઈએ અને મોટાભાગના આ બધું જ મેળવીને ખુશ છે. જીવનમાં પરેશાની બધાને છે અને પોતાની પરેશાનીઓ તો બીજા કરતા ઘણી ઓછી છે એટલે હકીકતમાં તો તેઓ ભાગ્યશાળી છે. જે મળ્યું છે તેના માટે ઈશ્વરનો જેટલો આભાર મને તેટલો ઓછો છે.’ આ હકીકત સમજતા ડીપ્રેશન આપોઆપ દૂર થઈ ગયું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top