ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતની તમામ શાળાઓમાં હવેથી 1થી 8 ધોરણમાં ગુજરાતી (Gujarati) વિષય ફરજિયાત ભણાવાશે. રાજય સરકાર (Gujarat Government) આ માટે ગુજરાત વિધાનસભાના આવતીકાલથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર દરમ્યાન તા.28મી ફેબ્રુઆરીએ વિધેયક લાવી રહી છે. આ બિલ ચર્ચા બાદ પસાર કરાશે. આજે વિધાનસભા ખાતે કામકાજ સલાહકરા સમતિની બેઠક મળી હતી. બેઠક બાદ રાજય સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે કહયું હતું કે 28 તારીખે અભ્યાસમાં ગુજરાતી ભાષા ફરજિયાત લાગુ કરતું બિલ આવશે. આગામ દિવસોમાં ધોરણ 1-8 માં ગુજરાતી ભાષા ફરજિયાત કરાશે. બધા જ કોર્ષ ગુજરાતમાં જે ચાલે છે તે તમામ ને આવરી લેવામાં આવશે. જે સ્કૂલો (Schools) ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે.
- તમામ સ્કૂલોમાં હવે ધો-1થી 8માં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરિજયાત: 28મીએ વિધેયક
- જે સ્કૂલો ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે
- 27મીએ ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરી મુદત વધુ ચાર માસ લંબાવાશે
આવતીકાલ તા.23મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર મળશે. જેમાં 27મી ફેબ્રુઆરીએ ઇમફેક્ટ ફી સુધારા બિલ રજૂ કરાશે, જેમાં ઈમ્પેકટ ફીની મુદત વધુ ચાર માસ લંબાવવા સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત પેપર લીક કાંડને રોકવા માટે રાજય સરકાર આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદ તથા 1 કરોડનો દંડ જેવી કડક જોગવાઈ કરતુ વિધેયક લાવી રહી છે.
તા. 7 માર્ચે 2 બેઠક અને સવારનું એક સત્ર રાખવામાં આવ્યું છે. આમ 25 દિવસમાં 27 બેઠક થશે. કોંગ્રેસને વિપક્ષનું પદ આપવુ કે કેમ ? તે મુદ્દે પુછાયેલા પ્રશ્નના જવાબમાં પટેલે કહયું હતું કે આ બાબત વિધાનસભાના અધ્યક્ષના વિશેષાધિકારને આધીન છે, એટલે હું કોઈ ટિપ્પણી કરી શકુ નહીં.
હાઈકોર્ટની સરકારને ટકોર: ગુજરાતી ભાષા ભણાવવામાં સરકાર લાચારી ન બતાવે
પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણવા અને ફરજિયાત કરવા મામલે અગાઉ ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી થઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરીને જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ના બતાવે. ગુજરાતી ભાષા ભણવવા માટેનો પરિપત્ર સરકારનો જ છે તો શા માટે સરકારી તંત્ર લાચારી બતાવી રહ્યું છે. ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડે છે. ત્યારે ફરજીયાત ગુજરાતી ભણવવાના નિર્દેશનો સરકાર અમલ કરાવે. જે કોઈ બોર્ડ કે પછી શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરતી ના હોય તેમની વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવું ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ નિરીક્ષણ કર્યુ હતું. ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે માતૃભાષા ભણવી એ દરેક વ્યક્તિનો અધિકારી છે. જો સરકાર આ બધા નિયમની અમલવારી કરવામાં લાચાર બનતી હોય કે અસક્ષમ બનતી હોય તો કોર્ટ પોતાનો નિર્ણય આપશે.