ગુજરાતમાં (Gujarat) 7મી જૂનથી એટલે સોમવારથી તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (school) નવા શૈક્ષણિક સત્રનો (new academic year) પ્રારંભ થશે. સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. નવું શૈક્ષણિક વર્ષ તો શરૂ થશે પરંતુ અભ્યાસ ઓનલાઇન જ ચાલશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરેથી જ ભણવાનું રહેશે જ્યારે સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે. કોરોના મહામારીને કારણે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરીને શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ જ આપવાનું રહેશે તેવું સંચાલકોને જણાવ્યું છે. તેમજ રાજ્ય સરકારની સૂચના ન મળે ત્યાં સુધી શાળાએ બાળકોને કે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે નહીં તેવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, હજુ પણ 1 મહિના જેટલો સમય વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવશે. કોરોનાના કેસ કાબૂમાં આવશે તે બાદ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે વર્ગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે.
શાળા સંચાલકના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ફરીથી સ્કૂલો શરૂ થતી હોવાને કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની SOP પ્રમાણે જ સ્કૂલો શરૂ થશે. સ્કૂલોમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું બોડી ટેમ્પરેચર ફરજીયાત રોજ થર્મલ સ્ક્રીનિંગથી ચેક કરવામાં આવશે. રાજ્યનાં શિક્ષણ વિભાગે અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો 18મી જૂન સુધીમાં વિદ્યાર્થીઓને મળી જાય તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. વિદ્યાર્થીઓને ઘરેબેઠા પુસ્તકો મળી જાય તેવી વ્યવસ્થા શાળાઓએ કરવાની રહેશે. ધોરણ-3થી 5 માટેની સાહિત્ય સામગ્રી શિક્ષા અભિયાન દ્વારા ધોરણ-6થી 8 માટેનું સાહિત્ય GCERT દ્વારા અને ધોરણ-10થી 12નું સાહિત્ય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોમાં પહોંચાડવાનું રહેશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે. પરંતુ ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓ માટે હજી પણ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ ધોરણ 10 ના માસ પ્રમોશન મેળવેલ 8.53 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની હજી કોઇ ગાઇડલાઇન આવી નથી. જેના કારણે ધોરણ 11માં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અને શિક્ષણકાર્યમાં વિલંબ થઈ શકે છે.