કોરોનાના કેસો ગુજરાતમાં 3.42 લાખને પાર કરી જતાં પહેલા રાજયમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કર્યા પછી હવે રાજ્ય સરકારે તમામ કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ કર્યો છે. ગાંધીનગરમાં રાજય સરકારના પ્રવકત્તાએ કહયું હતું કે કોરોનાના વધતાં જતાં કેસોને ધ્યાનમાં રાખીને રાજયની તમામ સરકારી તેમજ ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઓફ લાઈન ) આગામી 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો સરાકરે નિર્ણય કર્યો છે.દરેક સેમીસ્ટર માટે કોલેજો ઓનલાઈન શિક્ષણ પોતાની આવશ્કયતા પ્રમાણે યથાવત રાખી શકાશે.
તમામ સરકારી અને ખાનગી કોલેજોને જણાવાયું છે કે તેઓ વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં બોલાવવાને બદલે ઓનલાઇન શિક્ષણ આપે. આ પહેલા આ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ધોરણ ૧થી ધોરણ ૯ સુધીના શાળાના વર્ગો બંધ રાખવા આદેશ જારી કરાયો હતો. ગયા વર્ષે માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉન જાહેર કરાયું તેના થોડા દિવસ પહેલાથી બંધ કરી દેવાયેલી રાજ્યની શાળા-કોલેજો આ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં જ તબક્કાવાર રીતે ખુલી હતી.