surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં મધ્યરાત્રીએ રેસિડેન્ટ તબીબના પરિવારજનને જ સારવાર માટે ના પાડી દેવામાં આવી હતી. રેસિડેન્ટ તબીબના સગા કાકીને સારવાર નહી મળતા સ્મીમેરના દરવાજા પર પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જેના પગલે સ્મીમેરમાં તબીબો વિફર્યા હતા. સ્મીમેરમાં ચોવીસ કલાક કામ કરી રહેલા તબીબના ઘરમાંજ રહેતા સગા કાકીને એડમીશન આપવા સત્તાધીશો દ્વારા ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. જયારે બીજી બાજુ સવારના રોજ નવસારીથી આવેલા ખાનગી હોસ્પિટલમાંથી રીફર કરાયેલા દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. સ્મીમેરમાં ચોવીસ કલાક કામગીરી કરતા તબીબોના પરિવારજનોનેજ એડમિશન નહી મળતા આજે મોટો વિવાદ ઉભો થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબના મોટા મમ્મી (કાકી) કોરોના પોઝિટિવ ( corona positive) થયા હતા. તેઓને ઘરમાં જ 15 લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ વધુ તકલીફ ઉભી થતાં પરિવારજનો તેણીને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જયાં દર્દીને જરૂરીયાત મુજબ બાયપેપ મશીનની સુવિધા નહીં હોવાથી તેઓ મધ્યરાત્રીને અઢી વાગ્યે સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ જયાં ફરજ પર ઉભા રહેલા માર્શલોએ એમ્બ્યુલન્સને અંદર જવા દીધી ન હતી.
રેસિડેન્ટે આ માટે પોતાના એચઓડી, સ્મીમેરના નોડલ ઓફિસર, સિનિયર આરએમઓ સહિતના ઉચ્ચ તબીબોને રજૂઆત કરી હતી. તેમ છતાં તમામે પ્રોટોકોલ મુજબ નહીં લેવાય તેવું ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું હતું. જેના કારણે તબીબના કાકીનું સ્મીમેર હોસ્પિટલના ગેટ ઉપર મૃત્યુ નિપજયું હતું. જેના કારણે રોષે ભરાયેલા 10થી 12 રેસિડેન્ટ તબીબોએ ગુરુવારે બપોરે ભેગા મળી કોરોનાના જવાબદાર આરએમઓ એવા ડો. નરેશ રાણાની પાસે પહોંચી ગયા હતા. જયાં રેસિડેન્ટ તબીબોએ ઉગ્ર ભાષામાં રજૂઆત કરી હતી કે, અમે અહીંયા ભણીને જ તબીબ થયા છીએ. તો અમારા પરિવારજનોને અહીંયા સારવાર આપવી પડે. અમારા સ્વજનને એડમિશન નહીં આપ્યા બાદ પાંચ એડમિશન કોની ભલામણથી લેવાયા હતાં? રેસિડેન્ટના હોબાળાના પગલે આરએમઓ ઓફિસમાં માર્શલની સિકયુરીટી પણ બોલાવવી પડી હતી.
નોડલ ઓફિસર પુનિત નાયરની ભલામણથી દર્દી લેવામાં આવે તો અમારા પરિવારજનોના દર્દી કેમ નહીં ?
રેસિડેન્ટ તબીબના સુત્રોના જણાવ્યા મુજબ મોટા મમ્મીના મોત બાદ પણ સ્મીમેરના ચોપડે ભલામણવાળા 5 દર્દીઓને એડમિશન આપવામાં આવ્યા હતા. જયાં સવારે 11:38 કલાકે સ્મીમેર હોસ્પિટલમાં નોડલ ઓફિસર આએફએસ અધિકારી પુનીત નાયરની ભલામણથી એક દર્દીનું એડમિશન કરવામાં આવ્યું હતું. જયારે ગાયનેક વિભાગના એચઓડી ડો. અશ્વિન વાછાણીની ભલામણથી બપોરે 1:44 કલાકે એક દર્દીનું એડમિશન લેવામાં આવ્યું હતું.