બારડોલી: નવા સીમાંકન મુજબ વર્ષ-2012માં કામરેજ અને બારડોલી બેઠક અનુસૂચિત જનજાતિ (Scheduled Tribes) અનામતમાંથી મુક્ત થઈ હતી, જેમાં કામરેજ સામાન્ય અને બારડોલી અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ હતી. તેની સાથે જ સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કામરેજ, મહુવા, ઓલપાડ અને માંડવી તાલુકામાં રહેતા હળપતિ સમાજનો (Halapati society) વિધાનસભામાં કોઈ પ્રતિનિધિ રહ્યો ન હતો. આ અગાઉ બારડોલી અને કામરેજ વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ કાયમ માટે હળપતિ સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતારતા હતા, તેઓ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવતા હતા અને મંત્રી પણ બનતા હતા.
માંડવી બેઠક પર કુંવરજી હળપતિ વિજયી થયા
નવા સીમાંકનથી સમાજની બેઠકો પર અસર પડી હતી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે માંડવી વિધાનસભા પર માજી ધારાસભ્ય કુંવરજી હળપતિને ટિકિટ આપી હતી. જેના પરિણામ સ્વરૂપ ભાજપને મહુવા, બારડોલી, ઓલપાડ, કામરેજ જેવી વિધાનસભાઓમાં હળપતિ સમાજના મતો મેળવવામાં સફળતા મળી હતી. માંડવી બેઠક પર કુંવરજી હળપતિ વિજયી થતાં દસ વર્ષના લાંબા ગાળા બાદ હળપતિ સમાજને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળ્યું છે.
ભરૂચની પાંચેય બેઠક પર ભાજપનો ભગવો
ભરૂચ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં માગશર સુદ પૂનમના દિવસે ભાજપે ઐતિહાસિક પ્રચંડ વિજય મેળવીને ગુજરાતનાં સૂત્રો સર કર્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી દ્વારા મેળવેલી બેઠક કરતાં ગુજરાતના PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વધારે બેઠક મેળવીને ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે, જેમાં આ વખતે ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત પાંચેય બેઠક પર ભાજપનું કમળ ખીલવીને ભાજપ સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહમાં વધારો થયો છે.
પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થતાં અનેરો ઉમંગ
દેશમાં નરેન્દ્ર મોદીનો અન્ડર કરન્ટ સહિત શીર્ષસ્ત નેતૃત્વથી ભરૂચ જિલ્લામાં સંગઠન માળખું અને ચુનિંદા અને ખેરખા ઉમેદવારોના પગલે પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થતાં અનેરો ઉમંગ છવાયો હતો. ભરૂચ જિલ્લામાં પહેલી વખત ઝઘડિયા બેઠક પર ભાજપનો ઉમેદવાર રીતેશભાઈ (ઉર્ફે કાલાભાઈ) વસાવાએ 23500ની જંગી સરસાઈથી પ્રતિસ્પર્ધી છોટુભાઈ વસાવા સામે જીત મેળવી લીધી હતી.