ભારતના તમામ નાગરિકોની ઓળખ થઈ શકે, ઘૂસણખોરીને રોકી શકાય અને સાથે સાથે વિવિધ સરકારી યોજનાનો લાભ પણ યોગ્ય રીતે આપી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આધારકાર્ડની સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે. આધારકાર્ડને પાનકાર્ડની સાથે સાથે બેંકના ખાતાઓથી માંડીને અનેક જગ્યાએ લિંક કરવામાં આવી રહ્યા છે પરંતુ જે રીતે ધીરેધીરે બોગસ આધારકાર્ડનું કૌભાંડ વધી રહ્યું છે તેણે દેશમાં ભારે ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. તાજેતરમાં જ એક આરટીઆઈમાં એવો ખુલાસો થયો હતો કે છેલ્લા પાંચ જ વર્ષમાં દેશમાં 3.55 લાખ જેટલા નકલી આધારકાર્ડ બન્યા છે. જો આધારકાર્ડ જ નકલી બનતું હોય તો તેનો ઉપયોગ આતંકવાદીઓ કરી શકે છે. ત્રાસવાદીઓ આધારકાર્ડ મારફત દેશમાં રહી શકે છે અને પોતાની ભાંગફોડની પ્રવૃત્તિ પણ કરી શકે છે.
વર્ષ 2021 પુરૂં થયું ત્યાં સુધીમાં દેશમાં 128.99 કરોડ આધારકાર્ડ બની ગયા હતા. વર્ષ 2022 પુરૂં થતાં સુધીમાં આની સંખ્યા વધી જશે. દેશમાં નકલી આધારકાર્ડ વધી રહ્યા હોવાથી તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં છેલ્લા 5 વર્ષમાં 3.55 લાખ જેટલા નકલી આધારકાર્ડ બની ગયાનું જણાતા તેને રદ કરવામાં આવ્યા હતા. જે આધારકાર્ડ રદ કરવામાં આવ્યા તેમાં સૌથી વધારે મધ્યપ્રદેશમાં 10 હજારથી પણ વધુ બોગસ આધારકાર્ડ મળ્યા છે. આ એવા આધારકાર્ડ હતા કે જે બોગસ હોવાની સાથે મલ્ટિપલ પણ હતા. જે નકલી આધારકાર્ડ મળ્યા તેમાં નામ, સરનામું, જન્મતારીખ અને વર્ચ્યુઅલ આઈડી સહિતની તમામ વિગતો પણ બોગસ જ હતી. આ આધારકાર્ડની ચકાસણી આધારકાર્ડની વેબસાઈટ સાથે કરવામાં આવી ત્યારે તે બોગસ જણાયા હતા. જેને કારણે કેન્દ્ર સરકાર આધારકાર્ડને અપડેટ પણ કરાવડાવી રહી છે.
તાજેતરમાં જ જુલાઈ માસના અંત સુધીમાં દેશમાં 63 કરોડથી પણ વધુ લોકો દ્વારા પોતાના આધારકાર્ડની વિગતો અપડેટ કરી દેવામાં આવી હતી. જોકે, જેટલા પણ આધારકાર્ડ છે તે તમામની વિગતો અપડેટ કરી દેવામાં આવે તે જરૂરી છે. સરકારે આધારકાર્ડની વિગતો અપડેટ કરવા માટે પણ ઝુંબેશ ચલાવવી જોઈએ કે જેથી ડુપ્લિકેટ આધારકાર્ડને ઓળખી શકાય અને તેનો નાશ કરી શકાય. આધારકાર્ડ બાબતે ચોકસાઈ એટલા માટે જરૂરી છે કે તેના દ્વારા જ વિવિધ યોજનાઓનો લાભ લેવામાં આવે છે. જો આધારકાર્ડ જ બોગસ હોય તો લાભ પણ બોગસ વ્યક્તિ લઈ જાય અને જે વ્યક્તિ તેનો હકદાર છે તેને લાભ મળે નહીં.
હાલમાં આધારકાર્ડના ઉપયોગ દ્વારા બોગસ પેઢીઓ બનાવીને અનેક નવા કૌભાંડો પણ કરવામાં આવી રહ્યા છે. જો આધારકાર્ડને જ બોગસ જાહેર કરવામાં આવે તો આવા કૌભાંડો પર પણ બ્રેક લાગી શકે છે. ખરેખર તો સરકારે પાનકાર્ડથી માંડીને અન્ય ઓળખકાર્ડને બદલે એકમાત્ર આધારકાર્ડને જ દરેક જગ્યાએ માન્ય કરવામાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ અને સાથે સાથે નકલી આધારકાર્ડ તૈયાર જ નહી થાય તે માટે તકેદારી રાખવી જોઈએ. ભારત જેવા દેશમાં અનેક કાર્ડ રાખવાથી અને તેને લિંક કરવાની ઝંઝટને કારણે પણ નાગરિકો અનેક સમસ્યાઓ ભોગવે છે. અન્ય કાર્ડને રદબાતલ કરીને માત્ર આધારકાર્ડ જ અમલમાં લાવવામાં આવશે તો લોકોને ઘણી રાહત થવાની સંભાવના છે. સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારીને કામગીરી કરે તે જરૂરી છે.