SURAT

બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ કોસ્ટમેટિક ચીજો બનાવી એમેઝોન, ફ્લીપકાર્ટ પર વેચવાનું કૌભાંડ સુરતથી પકડાયું

સુરત: રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા વરાછા અને પુણાગામ ખાતે બ્રાન્ડેડ કંપનીના લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને બોગસ કોસ્મેટિક વસ્તુઓ બનાવીને ઓનલાઈન વેચાણ કરનાર બેને પકડી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 23.70 લાખનો મુદ્દામાલ કબજે કરી 9 નમુના ચકાસણી માટે મોકલી આપ્યા છે.

  • પુણાગામ ખાતે ગેરકાયદે કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી આખી ફેક્ટરી પકડાઈ
  • ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી કોસ્મેટિકનો 23.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટીક બનાવટના કુલ ૯ નમુના લઈ ચકાસણી માટે મોકલાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડી છે. તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ ૯ નમુના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે. અને 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

તંત્રની તપાસ દરમ્યાન અધિકારીઓએ 9 નમુનાઓ નિયત ફોર્મ હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. આ ફેક્ટરીની તપાસ દરમ્યાન હકીકત ખુલી હતી કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદે રીતે ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન તેમજ વેચાણ કરતા હતા.

આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની એજન્‍સી પરના દરોડાથી લોકોનાં સ્વાસ્થ્ય ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

મોટા વરાછામાં અન્ય કંપનીના લાયસન્સ ઉપર કોસ્મેટિકનું ઉત્પાદન
ગેરકાયદેસર વગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટિકની ફેકટરીમાં દરોડા પાડ્યા હતા. જેમાં સ્મિત એન્ટરપ્રાઇઝ, જી-૨, અંડરગ્રાઉંડ, એટલાન્ટા મોલ, સુદામા ચોક, મોટા વરાછામાં દરોડા પાડ્યા હતા. જ્યાં વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટ્નું ઉત્પાદન કરતા હતા. આ સ્મિત એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઇ વિઠલભાઇ વડાલીયાને ઝડપી પાડીને રૂ. ૪.૩૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તથા ૪ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.

વડોદરાની કંપનીના નામની કોસ્મેટિક બનાવી ઓનલાઈન વેચતા
આજ ટીમ દ્વારા સી.કે કોર્પોરેશન, પુણાગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલ વાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો છે. જેમાં તેઓ દ્વારા પ્રીશીલ લેબોરેટરી, વડોદરાના નામ, સરનામા તથા લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન કરતા હતા. તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન, ફ્લીપકાર્ટ જેવા ઓન લાઇન પ્લેટફોર્મ પર કોસ્મેટિકનું વેચાણ કરતા હતા. નિકુલભાઇ ભીમજીભાઇ રુખીને પકડી પાડ્યા છે. અને આશરે 20 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. અને 5 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.

Most Popular

To Top