આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમી આધારે ઉમરેઠના ધુળેટા ગામની સીમમાં જલદ કેમિકલ નહેરમાં ઠલવતા ચાર શખસને રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ શખસોને વરસોલાની દશ ફાર્મા કંપનીએ વેસ્ટ કેમિકલના નિકાલ માટે ભરી આપ્યું હતું. આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમી મળી હતી કે, વરસોલા દર્શ પાર્મા કંપનીમાંથી વેસ્ટ કેમીકલ ભરીને એક ટેન્કર સુરેલીથી લાલપુરા તરફ જવાના રસ્તા પર આવેલી મોટી નહેરના પાણીમાં ગેરકાયદેસર નિકાલ કરવા માટે નીકળ્યું છે.
આ બાતમી આધારે 5મી ઓક્ટોબરની રાત્રે એલસીબીની ખાસ ટીમે ઓડ ચોકડીથી નીકળી ભરોડા ગામ થઇ સુરેલી ચાર રસ્તા થઇ લાલપુરા ગામ તરફ જતા ધુળેટા ગામ પસાર કરી આગળ જતા રસ્તામાં આવતી મહિ કેનાલમાં નાળા ઉપર પહોંચી હતી. જ્યાં બાજીપુરા તરફ જતા રસ્તા પર ટેન્કર જોવા મળ્યું હતું. આ ટેન્કર પાસે જઇ તપાસ કરતાં તેના પાછળના ભાગે બે શખસો વાલ્વમાં પાઇપ ફીટ કરી ટેન્કરમાંથી વેસ્ટ કેમિકલ નહેરના પાણીમાં ઠલવતાં જોવા મળ્યાં હતાં.
આથી, આ બે શખસની અટકાયત કીર પુછપરછ કરતાં તે ભાવેશ રમેશ ગોહેલ (ધંધો : ડ્રાઇવીંગ, રહે. સારસા) અને હિંમત ઉર્ફે અમતા વાલા ડામોર (રહે. કલીયારી, તા. કડાણા) હોવાનું જણાવ્યું હતું. ટેન્કરમાં શું ભર્યું છે તે બાબતે પુછતા વરસોલા નજીક આવેલા દર્શ ફાર્મા કંપનીમાંથી વેસ્ટ કેમિકલ પર પરબત નામના શખસે ભરી આપ્યું હોવાનું કબુલ્યું હતું. આથી, પોલીસે એફએસએલ અને જીપીસીબીના અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી.
જોકે, મોડી રાત્રિના અંધારૂ હોવાથી ટેન્કરને ઉમરેઠ પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું. આણંદ એલસીબીએ અધિકારીઓને સાથે રાખી સ્થળ પરથી કેનાલના પાળા પર માટીના નમુના લીધા હતાં, આ ઉપરાંત નહેરનું પાણી, ટેન્કરમાં રહેલું કેમિકલ સહિતના નમુના મેળવી તેના પરિક્ષણ માટે લેબમાં મોકલી આપ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં પોલીસે 22 હજાર લીટર વેસ્ટ કેમિકલ અને ટેન્કર કિંમત રૂ.10 લાખ, મોબાઇલ સહિત કુલ રૂ.10.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત ભાવેશ રમેશ ગોહેલ (રહે. સારસા), હિંમત ઉર્ફે અમતા ડામોર (રહે. કલીયારી, તા. કડાણા), પરબત અને દર્શ ફાર્મા કંપનીના જવાબદાર વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.