ગાંધીનગર : છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં સ્પર્ઘાત્મક પરીક્ષાના કૌંભાડો બહાર આવી રહ્યાં છે. આજરોજ વિદ્યાસહાયકની ભરતીના ચાલી રહેલા મુદ્દે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહની સામે ગંભીર ગુનાઓના આરોપ લગાડવામાં આવ્યાં છે. આ આરોપો એવા છે કે જો યુવરાજ જામીન માટે માંગણી કરશે તો તે પણ મળવી તેમના માટે મુશ્કેલ છે. યુવરાજસિંહ ઉપર ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં એક પોલીસ ઉપર કાર ચઢાવી દેવાનો તેમજ હત્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ સામે યુવરાજસિંહે જણાવ્યું હતું કે સરકાર તેમને ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે.
મળતી માહિતી મુજબ વિદ્યાસહાયકની ભરતી કરવાની માંગણીનું આંદોલન આજે સતત બીજા દિવસે પણ કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં 12000 જેટલા લોકો જોડાયા હતાં. સતત બીજા દિવસે આંદોલન કરનારાઓએ વિઘાનસભાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. મહિલા આંદોલન કરનારને જુસ્સો આપવા તેમજ આંદોલન ન અટકાવવા અંગેની ચર્ચા અંગે યુવરાજસિંહ પોલીસ હેડકવાર્ટર ગયાં હતાં. આંદોલન કરનાર તમામે યુવરાજસિંહને ટેકો આપ્યો હતો તેઓએ નારેબાજી કરી હતી કે “યુવરાજસિંહ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.” આંદોલન કરનાર સાથે ચર્ચા કર્યા પછી યુવરાજસિંહ પરત ફરતાં હતા તે સમયે પોલીસે તેમને અટકાવ્યા હતાં. તેમજ તેઓની ગાડીને ધેરી લીઘી હતી. આ ઉપરાંત પોલીસે યુવરાજને ગાડીની બહાર ખેંચીને કાઢયા હતા જેના કારણે વાતાવરણ ગરમાયું છે. આ સમયે યુવરાજ તેમજ એક પોલીસ કર્મી વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે એક પોલીસ કર્મી ઘવાયો હતો. આ કારણે પોલીસ કર્મચારી ઉપર ગાડી ચઢાવવાનો તેમજ હત્યાનો આરોપ યુવરાજ ઉપર મૂકવામાં આવ્યો છે. આ સમાચાર મળતાની સાથે જ તમામ આપના નેતા તેમજ કાર્યકર્તા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
યુવરાજસિંહની ઘરપકડ પછી એવાં એંઘાણો મળી રહ્યાં છે કે હવે LRD પરીક્ષામાં કોઇ જ કૌભાંડ બહાર નહી આવે. યુવરાજસિંહ સરકારી પરીક્ષામાં થયેલા તમામ ગોટાળાઓને સબૂત આપી રજૂ કરે છે જેના કારણે સરકારની ભૂલ બહાર ખુલ્લેઆમ જોવા મળે છે. યુવરાજસિંહના કારણે સરકારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાથી લઈ અનેક ભરતી પરીક્ષાઓ રદ્દ કરવી પડી હતી.